આજે ધનતેરસનાં દિવસે સોના-ચાંદી, વાહનો, ઇલે. આઇટમ્સ, મોબાઇલ, કિચનવેર,રેડીમેઇડ વસ્ત્રોથી લઇને રિયલ એસ્ટેટ સુધીના માર્કેટમાં સારી ઘરાકી રહી હતી. ભાવેણામાં ધનતેરશના પર્વની ભાવનગરમાં પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. આજે ધનતેરસના પર્વે ધન પૂજન, ધન્વતરી પૂજન અને યમદીપ દાનનો કરવામાં આવ્યુ હતુ.
આજના મંગલ દિને શુભ મુહૂર્તમાં વેપારીઓ ચોપડા ખરીદવા ઉપરાંત સિધ્ધ શ્રી યંત્ર, સોનું-ચાંદી, હીરા ઝવેરાત અને આભૂષણો ઉપરાંત વાહનો અને ઈલેક્ટ્રોનિકસ આઈટમો સહિતની ખરીદી કરવામાં આવી હતી ભાવેણાએ કોરોનાને ભુલીને મન મુકીને ખરીદી કરી હતી.. ભાવનગરમાં ધનતેરશના પર્વે આજે સોના-ચાંદીની 87 કરોડની ખરીદી જોરદાર થઇ હતી. આજે સોનામાં રૂપિયા 45 કરોડની કિંમતનું 90 કિલો સોનું અને રૂપિયા 42 કરોડની કિંમતની 650 કિલો જેટલી ચાંદીનું વેચાણ થયું હતુ.
ધનતેરસના દિવસે ખરીદેલુ સોનુ ધનમાં વૃધ્ધિ કરે છે. અને કુબેરજીની કૃપા બારેમાસ રહે તે વાતનુ અનુસરીને લોકોએ આજે મન મુકીને ખરીદી કરતા વાઘાવાડીના મોટા મોટા શો-રૂમો આજે નાનકડા લાગતા હતા અથવા મેળો ભરાયો તેવુ વાતાવરણ ઉભુ થયુ હતુ. આમ સોનુ સેફ હેવન હોય અને નારીને આમેય સોનુ પ્રિય હોય ત્યારે એક તોલાનો 47 હજારનો ભાવ પણને પણ લોકોએ અવગણીને જોરદાર ખરીદી કરી હતી. કાળાનાળામાં પણ જોરદાર ઘરાકી જોવા મળી હતી અને મેઇન બજારમાં પાર્કિગની તકલીફ હોવા છતા આજે ધન તેરસના દિવસે સારી ઘરાકી જોવા મળી હતી.
લોકોએ સારી ખરીદી કરતા ગુરૂ પુષ્ય નક્ષત્ર કરતા સારી ઘરાકી રહી હતી, વજન પ્રમાણે ઘટાડો હતો પણ રૂપિયા પ્રમાણે વોલ્યુમ મોટુ હતુ, સવારથી એકધારી ઘરાકી શરૂ જ રહી છે. આજે સોનામાં એક તોલાનો ભાવ ગત દિવાળીથી રૂ.3000 ઓછો હતો. આજે એક તોલા સોનાના દાગીનાનો ભાવ રૂ.47,120 રહ્યો જ્યારે સોનાની લગડીનો ભાવ રૂ.49,600 રહ્યો તો ચાંદીનો એક કિલોનો ભાવ ભાવનગરની બજારમાં રૂ.65,500નો રહ્યો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.