ગુજરાત રાજ્યમાં બોગસ બિલિંગ અને ખોટી વેરાશાખના મામલે ભાવનગરનું નામ વ્યાપકપણે ખરડાયેલું છે, અને ગેરરીતિ ડામવા માટે ચુનંદા અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. બીજી તરફ સ્ટેટ જીએસટીની ભાવનગરની કચેરીમાંથી બદલી કરાયેલા કર્મચારીઓની સામે ખાતાકીય પગલા તોળાઇ રહ્યા છે. ભાવનગર સીજીએસટીમાં ડેપ્યુટી કમિશનર તરીકે અનિષ પરાશરને મુકવામાં આવ્યા છે અને તેઓએ સ્ટેટ જીએસટી સાથે સંકલન, ટેકનિકલ, સેવોત્તમ, કાનૂની બાબતોનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
બીજા ડે.કમિશનર અનૂપસિંઘ અગાઉ ડીઆરઆઇમાં ફરજ બજાવતા હતા અને તેઓ પોતાના ગુપ્તચર નેટવર્ક અને ગુના ડીટેક્ટના ક્ષેત્રે નામના ધરાવે છે અને તેઓને ભાવનગર ખાતે ઇન્ટેલિજન્સ, એન્ટિ ઇવાઝન જેવી મહત્વપૂર્ણ કામગીરીઓ સોંપવામાં આવી છે. આ ઉપરાંત ભાવનગર સીજીએસટી ખાતે 8 આસિ. કમિશનરોની પણ નિમણૂંકો કરવામાં આવી છે. મનમોહન બિસોય, એચ.કે.મેશરામ, હિમાંશુ ગર્ગ, રામકુમાર મીના, લલીતકુમાર મકવાણા, અનિલ પાન્ડોલે, નરેન્દ્ર સોલંકી, શંકરલાલ પરમારને જુદી જુદી જગ્યાઓ પર ફરજ સોંપણી કરવામાં આવી છે.
ભાવનગરથી ગાંધીનગર સીજીએસટીમાં બદલી થઇને ગયેલા ચંદ્રકાંત વાલવીની જગ્યાએ હજુ કોઇ નિયમિત કમિશનરની નિમણૂંક કરવામાં આવી નથી, પરંતુ અમદાવાદના કમિશનર ચાર્જમાં મુકવામાં આવ્યા છે. ઉપરાંત જોઇન્ટ કમિશનર વિશાલ મલાણી, પ્રશાંત કુમાર, લોકેશ ડામોરને પણ ભાવનગર ખાતે મુકવામાં આવ્યા છે.
બોગસ બિલિંગ, ખોટી વેરાશાખની બદી ભાવનગરમાં વ્યાપક બની હતી છતા સ્થાનિક એસજીએસટીના અધિકારીઓ, કર્મચારીઓ યોગ્ય પગલા લઇ રહ્યા ન હતા તેથી અમદાવાદ અન્વેષણ વિભાગે દરોડા પાડી ગેરરીતિઓનો પર્દાફાશ કર્યો હતો. તુરત જ એસજીએસટીના અધિકારીઓ, ઇન્સપેક્ટરો, ક્લાર્કની બદલીઅો કરવામાં આવી હતી. હવે આવા કર્મચારીઓની સામે ખાતાકીય કાર્યવાહી તોળાઇ રહી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.