બેંક કર્મીઓની હડતાળ:ભાવનગરમાં બેંક કર્મીચારીઓએ ખાનગીકરણના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યુ

ભાવનગરએક મહિનો પહેલા
  • 2 હજારથી વધુ કર્મચારીઓ યુનાઇટેડ બેંક યુનિયન કોરમની આગેવાની હેઠળ બે દિવસીય હડતાળ પર ઉતર્યા
  • બેંક કર્મીઓની હડતાળને પગલે જિલ્લામાં કરોડો રૂપિયાના અર્થ વ્યવહારો ઠપ્પ થશે

દેશભરમાં બેંકના કર્મચારીઓએ ખાનગીકરણના વિરોધમાં આજથી બે દિવસ સુધી હડતાળ યોજી છે. દેશભરમાં આવેલી રાષ્ટ્રીયકૃત બેંક કર્મચારીઓ દ્વારા આજથી બે દિવસ બેંકના તમામ કામકાજોથી અળગા રહી ધરણાં-વિરોધ પ્રદર્શન સાથે સૂત્રોચ્ચાર કરી સરકારની નિતી-રીતીઓનો ઉગ્ર વિરોધ કર્યો છે. ત્યારે ભાવનગર શહેરના આતાભાઈ ચોક ખાતે આવેલી બેંક ઓફ ઇન્ડિયા બ્રાન્ચ ખાતે પણ બેંક કર્મીઓએ એકઠા થઈ વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

સંસદના શિયાળું સત્ર દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીયકૃત બેંકોની 1.18 લાખથી વધુ બ્રાંચોનુ ખાનગીકરણ કરવા સંસદમાં ખરડો પસાર કરનારી છે. આ વાતનો રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ દ્વારા પ્રારંભથી જ વિરોધ કરવામાં આવી રહ્યો છે, જે અન્વયે ગત 6 ડીસેમ્બરે દેશભરની રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ દ્વારા એકદિવસીય ધરણાં-વિરોધ પ્રદર્શન કરી વિરોધ કર્યો હતો. તેમજ જો સરકાર આ નિર્ણય મોકૂફ નહીં રાખે તો તા,16-17 ડીસેમ્બરે રાષ્ટ્ર વ્યાપી હડતાળ પર ઉતરશે તેવી ચીમકી આપી હતી, જે અંતર્ગત આ બાબતે સરકારે કોઈ મચક ન આપતાં આજથી બે દિવસ સુધી સમગ્ર દેશમાં બેંક કર્મીઓએ હડતાળ શરૂ કરી છે.

ભાવનગર શહેર-જિલ્લામાં આવેલી રાષ્ટ્રીય બેંકોના 2 હજારથી વધુ કર્મચારીઓ યુનાઇટેડ બેંક યુનિયન કોરમની આગેવાની હેઠળ આજથી બે દિવસીય હડતાળ પર ઉતર્યા છે. શહેરના આતાભાઈ ચોક પાસે આવેલી એક રાષ્ટ્રીયકૃત બેંક બહાર શહેર-જિલ્લામાંથી બેંક કર્મીઓ એકઠાં થયા હતા અને બે દિવસીય લડતનો શાંતિ પૂર્ણ માહોલમાં પ્રારંભ કર્યો હતો.

આ અંગે બેંક યુનિયન કર્મચારી મહામંડળના હોદ્દેદારો જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે જયારથી આ નિર્ણય કર્યો છે ત્યારથી આ મુદ્દાનો અમે વિરોધ કરી રહ્યાં છીએ. આજે દેશમાં સુચારૂ અર્થ વ્યવહાર જળવાયા-સચવાયા છે તે રાષ્ટ્રીયકૃત બેંકોને આભારી છે. આજે જે હડતાળ પાડવામાં આવી છે એ દેશ તથા દેશવાસીઓ સાથે કરોડો થાપણદારોના હિતને ધ્યાનમાં રાખીને પાડવામાં આવી છે. આ હડતાળના કારણે લોકોના અર્થ વ્યવહારો પર વ્યાપક અસરો વર્તાશે, પરંતુ અમે મજબૂર છીએ અને અમારા ગ્રાહકોની માફી પણ માંગીએ છીએ. હડતાળ એક માત્ર રસ્તો બચ્યો છે કે જે માર્ગ દ્વારા અમે સરકારની શાન ઠેકાણે લાવી શકીએ. આ હડતાળની ઘેરી અસર ભાવનગર શહેર-જિલ્લામાં આવેલા વિવિધ નાનાં મોટાં ઉદ્યોગો સાથે વ્યવસાયી અને કોર્પોરેટ જગતના એકમો પર પડશે અને કરોડો રૂપિયાના અર્થ વ્યવહારો ઠપ્પ થશે.

અન્ય સમાચારો પણ છે...