મઢુલીનો વેરો 'આપ' એ ભર્યો:ભાવનગરમાં બજરંગદાસ બાપાની મઢુલીને યુઝર્સ ચાર્જ તરીકે વેરાબીલ અપાયું, આપના કાર્યકરોએ ઈન્ચાર્જ કમિશ્નરને 3068નો વેરો ભર્યો

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહાનગરપાલિકા વિસ્તારમાં 1800 જેટલા ધાર્મિક સ્થળોને યૂઝર ચાર્જ તરીકે વેરાબિલ આપવામાં આવ્યાં
  • મંદિરો ખાતે વેરો માફ કરવામાં આવે તેવી આપના કાર્યકરોએ માંગ કરી

ભાવનગરના આનંદનગર વિસ્તારમાં બજરંગદાસ બાપાની મઢુલીને યુઝર્સ ચાર્જ તરીકે વેરાબીલ આપવામાં આપ્યું હતું. ત્યારે ભાવનગર આમ આદમી પાર્ટીને ધ્યાને આવતા આ વેરો આમ આદમી પાર્ટી દ્વારા મહાનગરપાલિકા કચેરી ખાતે જમા કરાવવાનું નક્કી કર્યું હતું. આપના કાર્યકરોએ ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશ્નરને બજરંગદાસ બાપાની મઢુલીને આપવામાં આવેલો વેરો રૂપિયા 3068 જમા કરાવ્યો હતો.

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2022-2023 ના ઘરવેરાના બિલ મિલ્કત ધારકોને આપવામાં આવ્યા હતા, જેમાં મહાનગરપાલિકા દ્વારા શહેરના આનંદનગર વિસ્તારમાં સ્લમ બોર્ડમાં આવેલી બજરંગદાસ બાપાની મઢુલીને યુઝર્સ ચાર્જ તરીકે વેરાબીલ આપવામાં આવ્યું હતું. જેને લઇને આનંદનગર વિસ્તારના રહીશોમાં રોષ ફેલાયો હતો.

ભાવનગર મહાનગર પાલિકા કચેરી ખાતે આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઢોલ નગારા સાથે ભાવનગરના પ્રસિદ્ધ સંત શ્રી બજરંગદાસ બાપાની તસ્વીર સાથે પહોંચ્યા હતા. જેને લઈ થોડીવાર માટે મહાનગર પાલિકા કચેરી દ્વારા કચેરીના ગેટ બંધ કરવામાં આવ્યા હતા. જોકે, આપના કાર્યકર્તાઓ અને પાલિકાના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ બાદ ગેટ ખોલી દેવામાં આવ્યા હતા.

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પ્રથમ મહાનગર પાલિકાના મેયર અને ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પાસે વેરો ભરવા માટે પહોંચ્યા હતા. પરંતુ બંને પદાધિકારીઓ કચેરી ખાતે હાજર મળી આવ્યા ન હતા. જેને લઇને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર યોગેશ નિરગુડે પાસે બજરંગદાસ બાપાની મઢુલીને આપવામાં આવેલો વેરો જમા કરાવ્યો હતો. ત્યારે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ કમિશનર દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો.

આ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રમુખ દ્વારા ભારતીય જનતા પાર્ટીના શાસનની મહાનગરપાલિકાના પદાધિકારીઓ પર આકરા પ્રહાર સાથે જણાવ્યું હતું કે, અમે બજરંગદાસ બાપાની મઢુલીને આપવામાં આવેલા રૂપિયા 3068નો વેરો અમે ભર્યો છે. તેમજ અમે કહ્યુ છે કે આવતા વર્ષે પણ જે પણ વેરો આવશે તેની પહોંચ અમને આપી દેજો અમે ભરી દેશું. તેમજ તેઓએ ભગવાનના મંદિરો ખાતે વેરો માફ કરવામાં આવે તેવી માંગ કરી હતી.

મ્યુનિસિપલ કમિશ્નરે જણાવ્યું હતું કે, કોઈપણ લોકો વેરો ભરવા આવે તે વેરો સ્વીકારવો તેમની ફરજ છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા બજરંગદાસ બાપાની મઢુલીને આપવામાં આવેલા યૂઝર ચાર્જના વેરાને જમા કરાવવામાં આવતા રૂપિયા 3068 સ્વીકારી અને મનપા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સાથે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 1800 જેટલા ધાર્મિક સ્થળોને યૂઝર ચાર્જ તરીકે બિલ આપવામાં આવ્યા છે અને જે સરકારની ગાઈડલાઈન અનુસાર દર વર્ષે આપવામાં આવતું હોવાનું કમિશનર દ્વારા માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...