ભાવનગરમાં ચોમાસા પહેલાની તૈયારીઓને આખરી ઓપ આપવાં કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુન અંગે બેઠક મળી હતી. કલેક્ટર કચેરીના આયોજન ખંડ ખાતે યોજાયેલી આ બેઠકને સંબોધતાં કલેક્ટરે ચોમાસા પહેલાં વિવિધ વિભાગોએ કરવાના કાર્યોની વિગતવાર સમીક્ષા હાથ ધરી હતી.
જિલ્લા કલેક્ટરે પ્રિ-મોન્સુનની તૈયારીઓ માટે જિલ્લાના મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરોને ગ્રામ્ય અને નગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અપડેટ કરવાં, તરવૈયા અને રેસ્ક્યુ ટીમો તૈયાર કરવાં, પૂરના કારણે સ્થળાંતર થયેલા હોય તેવા વિસ્તારો ચકાસી વૈકલ્પિક વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. તેમજ નીચાણવાળા વિસ્તારોના ઝૂંપડાઓમાં વસતા નાગરિકોને ભારે વરસાદ કે પૂરની સ્થિતિમાં સમયસર ચેતવણી મળે અને સલામત સ્થળે ખસેડવા સુરક્ષિત સ્થળો ચકાસવા, જી.ઇ.બી., પાણી પુરવઠા, સિંચાઇ અને એસ.ટી. વિભાગ સાથે સંપર્કમાં રહેવાં તથા ટેલિફોન નંબરો અપડેટ કરી જિલ્લાના શરૂ કરવાના કંટ્રોલ રૂમ શરૂ કરવાં જણાવ્યું હતું.
કલેક્ટરે જિલ્લામાં આવેલી કાંસની સફાઇની કામગીરી ખાસ કરવા જણાવ્યું હતું. આ અંગે થયેલી કામગીરીની વિગત પણ સંબંધિત અધિકારી પાસે મેળવી હતી. તેમજ કેનાલ-રસ્તાના બાંધકામના કારણે પાણીના કુદરતી વહેણમાં અવરોધ બનતાં હોય તેવા અવરોધોનો તાત્કાલિક નિકાલ કરવાં, ઝાડી-ઝાંખરાને તાત્કાલિક અસરથી દૂર કરાવવાં, વરસાદી પાણીના નિકાલમાં કચરાથી અવરોધ ઉભો થયો હોય તો તે દૂર કરાવવાં પણ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
કલેક્ટરે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને રોગચાળો ન ફેલાય તે માટે સ્વાસ્થ્ય સબંધિત તાકીદના પગલાં માટે મેડિકલ ટીમો સાથે દવાઓના પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવાં પણ સૂચના આપી હતી. જી.ઇ.બી. દ્વારા વીજ પુરવઠો જાળવી રાખવાં, વાવાઝોડાના કારણે પડી ગયેલ ઇલેકટ્રીક થાંભલા ઉભાં કરવાં તેમજ વીજ પૂરવઠો પૂર્વવત થાય તે માટે તમામ વ્યવસ્થાની તૈયારીઓ કરવા જણાવ્યું હતું.
મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીઓને ચોમાસામાં વધુ વરસાદ કે વાવાઝોડાની સ્થિતિમાં જે.સી.બી. મશીન, બુલડોઝર, પાણીના ટેન્કર તેમજ મજૂરો તૈયાર રાખવાં, જાન-માલના કિસ્સામાં મૃતદેહો સંભાળવા, સોંપવા તથા નિકાલ કરવાની તૈયારીઓ રાખવાં જણાવ્યું હતું.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આશ્રયસ્થાનો માટે ઉપયોગમાં લેવાની શાળાઓના મકાનની ચકાસણી કરવા અને શાળાઓમાં અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું આયોજન કરવા પણ કલેકટરએ જણાવ્યું હતું.
જિલ્લા પુરવઠા અધિકારીને જિલ્લામાં સ્થળાંતર થયેલ અસરગ્રસ્તોને આશ્રય સ્થાનો, ઉપર ફુડ પેકેટ મળી રહે તે માટેની વ્યવસ્થા સ્વૈચ્છિક સંસ્થાઓના સંકલનથી ગોઠવવાં પ્લાન તૈયાર કરવાં સૂચનાઓ આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા, જિલ્લા પોલીસ વડા ડો. રવિન્દ્ર પટેલ, નિવાસી અધિક કલેકટર બી.જે. પટેલ, નાયબ જિલ્લા પોલીસ વડા સફીન હસન, જિલ્લાના પ્રાંત અધિકારીઓ, મામદતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ સહિતના જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.