વાહન અકસ્માતની દુર્ઘટનાઓને રોકવા માટે રોડ વિભાગ દ્વારા તેમજ આરએન્ડબી દ્વારા રોડની વચ્ચે ડિવાઈડરો બનાવવામાં આવે છે. પરંતુ ડિવાઈડર માટે કોઈ ચોક્કસ નિયમો જ ન હોય તેમ ભલામણોના ઓથે મન ફાવે તેવી સાઈઝના ડિવાઈડર બનાવવામાં આવ્યા છે. ઘણી જગ્યાએ રોડ પર રોડ બનતા જતા હવે ડિવાઈડર માત્ર નામના જ બની રહ્યા છે.
માત્ર ત્રણ-ચાર ઈંચના ડિવાઈડર રહ્યા છે. જ્યારે છ ઈંચ,એક ફૂટ, બે ફૂટ અને ત્રણ ત્રણ ફૂટના ડિવાઈડર પણ બનાવ્યા છે.ઘણા સ્થળો પર ઉચી હાઇટના ડિવાઈડરોમાં ફુલછોડ વાવેલા હોવાથી રસ્તો બ્લાઇન્ડ થઇ જાય છે. જેથી વાહનો અકસ્માત સર્જે છે. ખરેખર એક માપના ડીવાઈડર હોય તો અકસ્માતને અટકાવી શકાય તેમ છે.
ફેટલના કારણમાં રિપોર્ટમાં ડિવાઈડરનો ગેપ
શહેરના દુખીશ્યામબાપા સર્કલ થી લીલાસર્કલના રસ્તા પર દોઢેક મહિના પૂર્વે વાહન અકસ્માત સર્જાતા મૃત્યુ નીપજયું હતું. જેથી સુપ્રીમકોર્ટની ગાઈડલાઈન મુજબ ફેટલમાં નિયત કરેલી કમિટી દ્વારા કારણ દર્શાવવાનું અનિવાર્ય હોય છે. અને તેના રિપોર્ટમાં ડીવાઈડર વચ્ચે રાખેલા ગેપને કારણે થયાનું દર્શાવાયું હતું. સુપ્રિમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ચાર જુદા જુદા ડિપાર્ટમેન્ટના અધિકારીઓની બનાવેલી કમિટી અકસ્માતના કારણનો રિપોર્ટ કરે છે.
5 મહિનાથી ડિવાઇડર અટકાવ્યા, બંદોબસ્ત સાથે થશે
ડિવાઈડર બનાવવામાં પણ અનેક વિવાદો ઉભા થાય છે. અગાઉ ઘોઘારોડ પર પણ ડિવાઈડરને લઈ વિવાદ સર્જાતા પોલીસ પ્રોટેક્શન સાથે કોર્પોરેશને ડિવાઈડર બનાવ્યા હતાં. તેવી જ રીતે શહેરના ટોપ થ્રી થી તરસમીયા રોડ પર ડિવાઈડરમાં ચાર જગ્યાએ ગેપ રાખવા માટે વિવાદ ઉભો છે. નિયમ મુજબ ગેપ મુકી શકાય નહીં પરંતુ લોકોની માંગણીને કારણે કોન્ટ્રાક્ટરોને ડિવાઈડરનું કામ કરવા દેવામાં નહીં આવતા અંતે પોલીસ પ્રોટેક્શન સાથે ડિવાઈડરનું કામ પૂર્ણ કરાશે.
રસ્તાની પહોળાઈ મુજબ ડિવાઈડર બનાવાય છે
રસ્તા વચ્ચે ડિવાઈડર બનાવવાના તેની ઉંચાઈ કે પહોળાઈના ચોક્કસ નિયમો નથી પરંતુ રસ્તાની પહોળાઈ મુજબ ડિવાઈડર બનાવવામાં આવે છે. ટુ લેન હોય તો બન્ને તરફ સાત મીટર રસ્તો જરૂરી છે. તેમજ ડિવાઈડરમાં સેન્ટ્રલ સ્ટ્રીટ લાઇટ હોય તો ફાઉન્ડેશનને કારણે સવા મીટરના ડિવાઈડર રાખવા પડે. - એમ.ડી. મકવાણા, કાર્યપાલક ઈજનેર રોડ, ભાવનગર
રોડ ક્રોસ કરવા જતા રાહદારી પર ટ્રક ચડી ગયો
શહેરના કરચલિયાપરા આગરિયાવાડ વિસ્તારમાં બોધાજી સોડાવાળાની સામે રોડ ક્રોસ કરતા હતા ત્યારે ટ્રક નં. જીજે 04 એટી 8638ના ચાલકે ગોપાલ ભોપાભાઈ મકવાણા પર ટ્રક ચડાવી દેતા તેનું મોત નિપજ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.