પવિત્ર તીર્થનગરી પાલિતાણા નજીકના રોહિશાળા ગામે બનેલા બનાવની આગ હજુ ઠરી નથી ત્યાં આજે ભાવનગર રોડ ઉપર આવેલ બે જૈન દેરાસરમાં ચોરીનો બનાવ બનેલ. જેમાં 35 મીનીટમાં જ બે દેરાસરોના તાળા તૂટ્યાં છે.
ભાવનગર રોડ ઉપર આવેલ આદિનાથ હેલ્થકેર સેન્ટરમાં ભગવાન ચંદ્રપ્રભુ સ્વામીનું દેરાસર આવેલ છે ત્યાં સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થયા મુજબ રાત્રિના ત્રણ તસ્કરો ભગવાનના દેરાસરના તાળા તોડી અંદર પ્રવેશી દેરાસરમાં રાખેલ બે ભંડારાના નકુચા તોડી ભંડારાની અંદર રહેલ રોકડ રકમ, સોના ચાંદીની ચીજ વસ્તુઓ, ઝવેરાત, તસ્કરો લઇ ગયેલ. ભગવાનનાં ઘરેણાં અને તોડેલ ખાલી ભંડાર દેરાસરની પાછળના ભાગે આવેલ ખેતરમાં તસ્કરોએ નાખી દિધેલ. આ બનાવ અંગે સંસ્થાના મયંકભાઇ શાહે જણાવેલ કે દેરાસરમાં ચોરી રાત્રિના 2-55 કલાકે થયાનું સીસીટીવી ફૂટેજમાં દેખાઇ છે. આ બનાવ અંગે ટ્રસ્ટીઓ વતી મયંકભાઇ શાહે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ચોરીનો બીજો બનાવ ભાવનગર રોડ ઉપર આવેલ અઢદીપ જૈન મંદિર તીર્થ આવેલ છે આ મંદિરમાં ચોરીના બનાવ અંગે સીસીટીવી કેમેરા તપાસતા ચોરીનો બનાવ રાત્રિના 3:30 વાગે બનવા પામેલ છે. આ સંસ્થામાં આવેલ જૈન દેરાસરની તસ્કરો વંડી ઠેકીને આવેલ સીસીટીવી માં બે શખ્સો ભંડાર તોડતા જણાય છે. સંસ્થામાં આવેલ મૂળ નાયક અજીતનાથ દાદાનું દેરાસર આવેલ છે ત્યાં રહેલ મોટો ભંડાર તસ્કરોએ તોડીને ભંડારમાંથી લાખોની રકમ તેમજ સોના ચાંદી ઝર - ઝવેરાતની ચીજ વસ્તુઓ સહિત લાખો રૂપિયાની ચોરી થયેલ છે.
સંસ્થાના મેનેજર રાજભાઈ બારોટના જણાવ્યા અનુસાર કોઈપણ સંજોગોમાં આ ભંડારમાં એક લાખથી ઓછી રકમ ન હોઈ શકે વધુ જરૂર હોય. મોટા ભંડાર ની પાસે એક નાનો ભંડાર પણ તોડેલ છે. સંસ્થાના ટ્રસ્ટી મનીષભાઈ મહેતાએ જણાવેલ કે આ ચોરી કરનાર તસ્કરોને પોલીસે તાકીદે ઝબ્બે કરવા જોઈએ ભાવનગર રોડ ઉપર જૈનોના 10 થી 15 જેટલા જૈન દેરાસરો - ઉપાશ્રયો આવેલા છે આથી પોલીસે નાઈટ પેટ્રોલિંગ સઘન કરવાની જરૂર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.