એનાલિસિસ:2017માં 79 % ઉમેદવારોની ડિપોઝીટ ડુલ થયેલી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિતાણા બેઠકમાં સૌથી વધુ 15 અને ભાવનગર પૂર્વમાં માત્ર 4 ઉમેદવાર હતા
  • જિલ્લાની 7 વિધાનસભા બેઠકો માટે કુલ 71 ઉમેદવારો મેદાનમાં હતા તે પૈકી 56 ઉમેદવારોની ડિપોઝીટ ગયેલી

તા.1 ડિસેમ્બરે ભાવનગર જિલ્લાની 7 વિધાનસભા બેઠકો માટે મતદાન છે ત્યારે આજ સુધીમાં 6 દિવસ દરમિયાન 215 ઉમેદવારો ફોર્મની ખપત થઇ છે ત્યારે હકીકત એ છે કે ભાવનગર જિલ્લામાં અગાઉની વિધાનસભા ચૂંટણીનો ઇતિહાસ ચકાસીયે તો ભાજપ અને કોંગ્રેસ સિવાય ભાગ્યે જ કોઇ અન્ય ઉમેદવારની ડિપોઝીટ સલામત રહી છે. 2017માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાવનગર જિલ્લાની 7 બેઠકમાં કુલ 71 ઉમેદવારો જંગમાં હતા અને તે પૈકી ભાજજના7, કોંગ્રેસના 7 અને એક અપક્ષ ડો.કનુભાઇ કળસરિયાને બાદ કરતા અન્ય તમામ ઉમેદવારોની ડિપોઝીટ ડુલ થઇ ગઇ હતી. ટકાવારી મુજબ 79 ટકા ઉમેદવારો પોતાની ડિપોઝીટ બચાવવામાં સફળ રહ્યાં ન હતા.

ગુજરાત વિધાનસભા ચૂંટણીનો માહોલ જામવા લાગ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પૂરી તાકાતથી ચૂંટણી જંગમાં ઝંપલાવી દીધું છે. ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ત્યારથી લઈને અત્યાર સુધી અહીં ત્રીજો પક્ષ ક્યારેય ફાવ્યો નથી. ભાવનગરમાં પણ આવી જ સ્થિતિ છે. ભાવનગર જિલ્લામાં 2017ની ચુંટીમાં 7 બેઠકો માટે કુલ 71 ઉમેદવારો મેદાનમાં હતા તે પૈકી 69 પુરૂષ અને 2 મહિલા ઉમેદવાર મેદાનમાં હતા. આ ઉમેદવારોમાં 56 પુરૂષ ઉમેદવારની ડિપોઝીટ ડુલ થઇ ગઇ હતી.

ભાવનગર પૂર્વમાં ભાજપ અને કોંગ્રેસ બન્નેએ મહિલા ઉમેદવાર હતા અને તે બન્નેની ડિપોઝીટ બચી ગઇ હતી. અપક્ષોમાં મહુવામાંથી ઉભા રહેલા ભાજપના અગાઉના બે વખતના એમએલએ અને આ વખતે કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરાયેલા ડો.કનુભાઇ કળસરિયાની ડિપોઝીટ બચી ગયેલી. બાકી તમામ અપક્ષો અને અન્ય પક્ષોના ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવી હતી. ભાવનગર જિલ્લામાં 2017માં પાલિતાણા બેઠક પર સૌથી વધુ 15 ઉમેદવાર ચૂંટણી જંગમાં હતા જ્યારે સૌથી ઓછા ઉમેદવાર ભાવનગર પૂર્વ માટે માત્ર 4 જ હતા.

ડિપોઝિટ ગુમાવવી એટલે શું
વિધાનસભાની ચૂંટણીમાં જે કોઈ ઉમેદવારને ચૂંટણીમાં ઊભા રહેવું હોય તો રૂ. 10000 સિક્યોરિટી પેટે ડિપોઝિટના ભરવાના હોય છે અને તે ચૂંટણી પંચમાં જમા આપવાના હોય છે. મતદાન બાદ મત ગણતરી થાય અને જે ઉમેદવારોને કુલ મતના છઠ્ઠા ભાગના મત ન મળે તો તેવા ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત કરવામાં આવે છે.ગુજરાતમાં 2012 અને 2017માં કુલ 75 ટકા ઉમેદવારોની ડિપોઝીટ ડુલ થઈ હતી 2017માં 1828 પૈકી 1464 ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવી હતી.

અન્ય સમાચારો પણ છે...