ગ્રામ્ય આગળ, શહેર પાછળ:ભાવનગરમાં 20 દિવસમાં શહેરમાં 66,316 લોકોને રસીકરણ, ગ્રામ્યમાં 3,08,329ને રસી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના વેક્સિનેશન ઓડિટ Âબીજા ડોઝમાં શહેરમાં 91 ટકા જ્યારે ગ્રામ્ય પંથકમાં 97 ટકાથી વધુ રસીકરણ
  • આરંભે​​​​​​​ ખોટી માન્યતા અને અંધશ્રદ્ધા બાદ રસીનો બીજો ડોઝ લેવામાં શહેરથી ગ્રામ્ય પંથક વધુ જાગૃત

ભાવનગર શહેર અને ગ્રામ્ય કક્ષાએ કોરોના રસીકરણ હવે 100 ટકાના લક્ષ્યાંકને આંબવામાં છે. જો કે શહેર કક્ષાએ પ્રથમ ડોઝમાં તો 100 ટકાથી વધુ રસીકરણ થઇ ગયું છે. પણ બીજા ડોઝમાં શહેરથી ગામડાઓમાં રસીકરણમાં વધુ જાગૃતતા જોવા મળી છે. જે નોંધપાત્ર છે. આ ડિસેમ્બર માસમાં શહેરમાં કુલ 66,316 લોકોએ કોરોનાની રસી મુકાવી છે જ્યારે તાલુકા-ગ્રામ્ય કક્ષાએ આ 20 દિવસમાં 3,08,329 લોકોએ કોરોના સામેની રસી મુકાવી છે. જે દર્શાવે છે કે કોરોનાની રસીકરણના હવેના તબક્કામાં ગામ્ય કક્ષાએ લોકો વધુ જાગૃતિ થયા છે.

ભાવનગર શહેરમાં ડિસેમ્બર માસના આરંભે કોરોનાની રસીનો બીજો ડોઝ લીધો હોય તેવા લોકોની સંખ્યા 346419 હતી તે 20 દિવસ બાદ 403903 થઇ છે. એટલે કે 20 દિવસમાં શહેર કક્ષાએ રસીનો બીજો ડોઝ લેનારામાં 57,484નો વધારો થયો છે. ટકાવારી મુજબ ડિસેમ્બરના આરંભે ટકાવારી 78.09 ટકા હતી તે 20મી ડિસેમ્બર સુધીમાં વધીને 91.05 ટકા થઇ ગઇ છે.

જ્યારે તાલુકા-ગ્રામ્ય કક્ષાએ ડિસેમ્બરના આરંભે કોરોના રસીના બીજા ડોઝમાં કુલ રસીકરણ 994081 હતું તે 20 દિવસ બાદ 12,78,156 થઇ ગયું છે. ટકાવારીની દ્રષ્ટિએ ડિસેમ્બરના આરંભે ટકાવારી 77.2 ટકા હતી તે વધીને 97.4 ટકા થઇ ગઇ છે.

આમ, ડિસેમ્બરના 20 દિવસના કોરોના રસીકરણના બીજા ડોઝમાં ઓડિટ કર્યા બાદ કહી શકાય કે શહેરમાં બીજા ડોઝમાં રસીકરણ 91 ટકા થયું તો ગ્રામ્યમાં બીજા ડોઝમાં રસીકરણ 97 ટકાને વટાવી ગયુ઼ છે. આમ, આ તબક્કામાં શહેરની તુલનામાં ગામડાઓમાં રસીકરણમાં ઝડપ વધી છે.

રસીના પ્રથમ ડોઝમાં શહેર આગળ
કોરોના રસીકરણના પ્રથમ ડોઝમાં ભાવનગર શહેર ગ્રામ્યથી આગળ છે. શહેરમાં 20મી સુધીમાં કુલ 443600ના લક્ષ્યાંક સામે 470840 એટલે કે 106.14 ટકા રસીકરણ થયું છે .જ્યારે તાલુકા-ગ્રામ્ય કક્ષાએ 20મી સુધીમાં કુલ 13,11,914 લોકોને એટલે કે 94.4 ટકાને રસીકરણ થઇ ગયું છે. આમ, પ્રથમ ડોઝમાં શહેર આગળ છે. કોરોનાના બીજા ડોઝમાં રસીકરણમાં જોકે શહેર ગ્રામ્ય વિસ્તાર કરતા પાછળ રહી ગયું છે. શહેરમાં બીજા ડોઝમાં 91 ટકા રસીકરણ થયું તો ગ્રામ્યમાં 97 ટકાથી વધુ રસીકરણ થયું છે.

શું કામ ગ્રામ્ય કક્ષાએ વધુ રસીકરણ
હવે આરોગ્ય વિભાગે શહેરની તુલનામાં ગામડાઓમાં વધુ ધ્યાન આપ્યું છે. ગામડાઓમાં પણ ઘરે ઘરે જઇને રસી આપવામાં આવી રહી છે. ગામડાઓમાં લોકોને કોરોનાના બીજા તબક્કા બાદ રસીકરણનું મહત્વ સમજાયું છે. ખાસ કરીને ગામડામાં જ્યાં અગાઉ ઓછું રસીકરણ હતુ ત્યાં આરોગ્ય વિભાગે ધ્યાન કેન્દ્રિત કરીને અભિયાન હાથ ધર્યુ઼ છે. રજાના દિવસોમાં પણ રસીકરણ નોંધપાત્ર થાય તે માટે પ્રયત્નો હાથ કરાયા આ કારણોસર ગામડાઓમાં રસીકરણ વધ્યું છે.

ઘરે ઘરે ફરીને મોનિટરિંગ કર્યાનું ફળ
અમારી 300થી વધુ ટીમ રસીકરણ માટે સતત સક્રિય છે. આમ તો છેલ્લાં બે માસ દરમિયાન રસીકરણની ટકાવારી નોંધપાત્ર પ્રમાણમાં વધી છે. હવે અમને વધારાની 15 ટીમ આપી છે તેની કામગીરી પણ હવે શરૂ થઇ રહી છે. આ ઉપરાંત અમે રોજ બે બે કલાકે વિડીયો કોન્ફરન્સિંગ કરીને માહીતી અપડેટ કરીએ છીએ. જ્યાં રસીકરણ ઓછું હોય ત્યાં વધુ ધ્યા ફોકસ કર્યું છે. વળી લોકોમાં પણ હવે અંધશ્રદ્ધા અને ખોટી માન્યતાઓ દુર થઇ છે તેથી તોઓનો સહયોગ પણ વધ્યો છે. > ડો.એ.કે. તાવિયાડ, જિલ્લા આરોગ્ય અધિકારી

અન્ય સમાચારો પણ છે...