આશ્ચર્યજનક નિર્ણયો:મહાપાલિકામાં એક બેઠક પર મહિલાને ઉતારવા ભાજપના નિર્ણયની પૂર્વમાં અસર

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંતિમ ઘડીઓમાં આશ્ચર્યજનક નિર્ણયો માટે ભાજપ પંકાયેલું છે
  • પૂર્વમાં વિભાવરીબેન, અમીબેન, આરતીબેન, દિવ્યાબેનની અને પશ્ચિમમાં રીપીટની શક્યતા બળવતર, વિભાવરીબેન પણ ચૂંટણીની અનિચ્છા દર્શાવે તેવી શક્યતા

વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા હાલમાં ઉમેદવારોના નામ પર મંજૂરીની મહોર લગાવવા અંતિમ તબક્કાની કાર્યવાહી શરૂ છે ત્યારે મહાનગરપાલિકા વિસ્તારમાં એક બેઠક મહિલા ઉમેદવારને ટિકિટ આપવાની ભાજપ દ્વારા નીતિ ઘડાયાની ચર્ચાથી ભાવનગર પૂર્વમાં બ્રાહ્મણ સમાજમાંથી મહિલા ઉમેદવારને તક મળવાના પરિબળ દ્રઢ થયા છે.

આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસ પણ નજીક આવી રહ્યા છે ત્યારે એકાદ બે દિવસમાં જ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોન‍ા નામનું સસ્પેન્સ હટી જશે. હાલમાં ચોરે અને ચોટે કોને તક મળશે અને કોનું પત્તું કપાશેની જ ચર્ચાઓ ચાલી રહી છે.

ત્યારે ભાજપમાં અનેક ધારાસભ્યો માટે રીપીટ થીયરી અપનાવવા પર પણ ભાર મુકાતો હોવાનું જાણવા મળ્યું છે. જે મુજબ ભાવનગર પશ્ચિમ અને પૂર્વ વિધાનસભામાં ભાજપના જ આંતરીક વિરોધ વચ્ચે પશ્ચિમમાંથી તો મોટાભાગે રીપીટના ચાન્સ વધુ છે પરંતુ પૂર્વ બેઠક પર વિભાવરીબેન દવે, આરતીબેન જોષી, દિવ્યાબેન વ્યાસ અને અમીબેન ઉપાધ્યાયના નામ ચર્ચામાં છે. ભાજપના મોવડી મંડળ દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં એક વિધાનસભા બેઠક પર મહિલા ઉમેદવારને ચૂંટણી લડાવવાનો નિર્ણય કરાયા હોવાનું ભાજપના વર્તુળોમાંથી જાણવા મળ્યું છે. તે મુજબ ભાવનગર પૂર્વ વિધાનસભામાં ભાજપ દ્વારા મહિલા ઉમેદવાર ઉતારવાની શક્યતા વધુ બળવતર બની છે. તેમાં પણ બ્રહ્મ સમાજમાંથી જ પસંદગીની મહોર લગાવવામાં આવનાર હોવાનું પણ જાણવા મળ્યું છે.

જોકે, હવે ગણતરીની કલાકોમાં જ ઉમેદવારોના નામ પરથી પડદો ઉંચકાઈ જશે. જ્યારે અન્ય ધારાસભ્યોની જેમ વિભાવરીબેન પણ ચૂંટણી લડવા અનિચ્છા દર્શાવે તેવી પણ એક શક્યતા વર્તાઈ રહી છે. ભાજપ અંતિમ ઘડીઓમાં આશ્ચર્યજનક નિર્ણયો કરવામાં પણ પંકાયેલું છે. ત્યારે જ્યાં સુધી ઉમેદવારોના સતાવાર નામો જાહેર કરવામાં ના આવે ત્યાં સુધી માત્ર અટકળો જ બની રહેશે.

કેશુભાઈ, મહેન્દ્રસિંહના નામ પર પણ પ્રશ્નાર્થ ?
ભાવનગર જિલ્લામાં સૌથી સિનિયર ધારાસભ્ય તરીકે ગારીયાધાર વિધાનસભાના કેશુભાઈ નાકરાણી છે. પરંતુ વર્ષ 2012 કરતા 2017માં 14,156ની લીડના ઘટાડા સાથે કેશુભાઈ 2017 ની ચૂંટણીમાં માત્ર 1876 મતથી જીત્યા હતા. તેમજ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકમાં પણ તેઓ હાલમાં ચેરમેન છે. જેથી આગામી ચૂંટણીમાં ગારીયાધાર બેઠક પરથી તેઓને ટિકિટ મળવા માટે શક્યતાઓ નબળી સાબિત થાય છે. તેવી જ રીતે પાલીતાણા બેઠક પર પણ 2012માં વિધાનસભા હારેલા મહેન્દ્રસિંહ સરવૈયાનું નામ ચર્ચામાં છે પરંતુ તેઓ હાલમાં પ્રદેશ ભાજપમાં ઉપાધ્યક્ષ અને અગાઉ જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ચેરમેન પદ પણ આપ્યા બાદ હવે આગામી ચૂંટણી માટે તેમના નામ પર પણ પ્રશ્નાર્થ મુકાયો છે.

અન્ય સમાચારો પણ છે...