આંખ આડા કાન:20 વર્ષથી અલંગથી ત્રાપજના સાત કિલોમીટરના વિસ્તારમાં 1000 ખાડામાં ગેરકાયદેસર રીતે વેપાર

ભાવનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેતીની, ગૌચરની અને સરકારી જમીન પર વર્ષોથી ધમધમી રહ્યો છે વ્યવસાય
  • 50 ખાડા જ્વલનશિલ પદાર્થોના છતાં ફાયર NOCનો અભાવ પરંતુ તંત્ર વર્ષોથી મૌન

સમગ્ર વિશ્વમાં ગણમાન્ય અલંગ શિપબ્રેકિંગ યાર્ડના અપગ્રેડેશન માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રવૃત્ત છે, પરંતુ છેલ્લા 20 વર્ષથી અલંગથી ત્રાપજ સુધીના 7 કિ.મી. વિસ્તારમાં આવેલી 1000થી વધુ દુકાનો (ખાડાઓ) ગેરકાયદે ધમધમી રહ્યા છે, અને આગ લાગવાના સતત બનાવો બની રહ્યા છે છતા તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.

અલંગમાં ભંગાવવા માટે આવતા જહાજોમાંથી નિકળતા ફર્નિચર, ઓઇલ, સ્ટીલ, ક્રોકરી, ઇલેકટ્રિક સામાન, મશિનરી, જનરેટરો, હોડીઓ, વાયર, કલર સહિતના સામાનોના છુટક તથા જથ્થાબંધ વેચાણ માટે અલંગથી ત્રાપજ સુધીના 7 કિ.મી.માં 1000 ખાડા આવેલા છે. અને આ પૈકી મોટાભાગના ખેતીની જમીનોને વ્યાવસાયિક હેતુમાં તબદીલ કર્યા વિના, ગૌચરની અને સરકારી પડતર જમીનો પર ખડકી દેવામાં આવ્યા છે.

ઉપરાંત 50થી વધુ ખાડામાં જહાજમાંથી નિકળતા જ્વલનશિલ પદાર્થોના અને મીની ઓઇલ ફેક્ટરીઓ છે છતા ફાયરના નિયમોની ઐસીતૈસી કરવામાં આવી રહી છે, અને તંત્ર તંદ્રાવસ્થામાં ગરકાવ છે. બીજી તરફ અલંગ નોટિફાઇડ એરિયા ઓથોરિટી અને રાજ્ય સરકાર વચ્ચે અલંગની બહારની બાજુએ આવેલા ખાડાના વ્યાવસાયિક એકમોને ફાયર એન.ઓ.સી. કોણ પાઠવશે તેના અંગે પણ અસમંજસતાઓ પ્રવર્તિ રહી છે, અને બાબત અનિર્ણાયક છે. આમ તમામ સરકારી કારણોસર હજુ 7 કિ.મી.માં ખાડા છેલ્લા 20 વર્ષથી ગેરકાયદે ધમધમી રહ્યા છે.

ચોક્કસપણે પગલા ભરવામાં આવશે
અલંગથી ત્રાપજ સુધીના વ્યાયવસાયિક એકમોમાં ગેરકાયદેસરતા અંગે અગાઉ નોટિસો આપવામાં આવેલી છે. હેતુફેર, શરતભંગ, ગૌચરના દબાણ, સરકારી પડતર જમીનો અંગે પૂર્ણ ચકાસણી કરાયા બાદ ચોક્કસપણે પગલા ભરવામાં આવશે. - વી.ડી.રાતડા, પ્રાંત અધિકારી, તળાજા

કરોડોનું ટર્નઓવર, છતા નિયમોનું ઉલ્લંઘન
અલંગથી ત્રાપજની વચ્ચે 7 કિ.મી.ના વિસ્તારમાં 1000 જેટલા ખાડા ધમધમી રહ્યા છે, અને કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવે છે. સરકારી જીએસટી નંબર, ઇલેકટ્રિસિટી કનેકશન સહિતની પ્રક્રિયાઓ પણ જમીનની કાયદેસરતા ચકાસ્યા વિના ધાબડી દેવામાં આવેલા છે.

છેલ્લા 1 વર્ષમાં આગના 7 બનાવ
જહાજમાંથી નિકળતા સામાનના વેચાણના ખાડામાં છેલ્લા એક વર્ષ દરમિયાન 3 આગના બનાવો બન્યા છે તથા જહાજના કચરા, જ્વલનશિલ પદાર્થો સરકારી જમીન, ગૌચરની જમીનમાં સળગાવવાના 4 બનાવો બન્યા છે અને તમામમાં અલંગ ફાયર બ્રિગેડ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...