અલંગ શીપબ્રેકીંગ યાર્ડમાં શિપબ્રેકરો દ્વારા દરિયામાં લોખંડની પ્લેટો નાખી દરિયો પુરવાનું ગેરકાયદે કૃત્ય થઈ રહ્યુ છે જેને કારણે દરિયાઈ જીવજંતુઓ પર મોટો ખતરો ઊભો થયો છે. આ અંગે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા તાત્કાલિક પગલા ભરી દરિયામાં થઈ રહેલું દબાણ દૂર કરવામાં આવે તેવી પર્યાવરણ પ્રેમીઓએ માંગણી કરેલ છે.
અલંગ શિપબ્રેકીંગ યાર્ડમાં અગાઉ દરિયામાં ઝેરી કચરો, ઓઈલ વગેરે ઠાલવવામાં આવતુ હતુ જેને કારણે અનેક દરિયાઈ સજીવસૃષ્ટિ નાશ પામી છે. આ અંગેની રજૂઆત બાદ પગલા લેવાયા છે પણ હવે શિપબ્રેકરો દ્વારા દરિયામાં પ્લેટો નાખી દરિયામાં દબાણ થઈ રહ્યું છે. શિપબ્રેકરોને મોટા પ્લોટ આપ્યો હોવા છતાં ગેરકાયદેસર રીતે દરિયામાં લોખંડની પ્લેટો મુકી દબાણ કરી રહ્યા છે.
આ બનાવને કારણે ફરી એકવાર દરિયાઈ સજીવસૃષ્ટિ પર ખતરો ઊભો થયો છે એટલું જ નહીં આ કૃત્યથી અનેક દરિયાઈ સજીવો મૃત્યુ પણ પામ્યા છે અલંગએ આશિર્વાદરૂપ છે એ શ્રાપરૂપ ન બનવું જોઈએ. આ સમગ્ર મામલે પર્યાવરણ મંત્રાલય ઉપરાંત ગુજરાત મેરી ટાઈમબોર્ડ સમક્ષ પણ ગુજરાત ઈકોલોજી સોસાયટી દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
જીએમબીએ દબાણ અંગે નોટિસો પણ આપેલી
અલંગમાં દરિયામાં દબાણ કરતા લોકોને ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા પણ નોટિસ આપવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે. જીએમબીએ આપેલી નોટિસને પણ દબાણકર્તાઓ ઘોળીને પી ગયા છે.
વનસ્પતિઓ તથા પ્રાણીઓને નુકશાન થતા તેઓનો નાશ
આ શિપ તૂટે છે ત્યારે ઝેરી પદાર્થો,ભંગાર, પ્લાસ્ટિક, રસાયણો,તેલ, લાકડાના ટુકડા અને અન્ય કચરો દરિયામા જાણતા-અજાણતા ફેલાય છે. આ પ્રદૂષણથી જીવ સૃષ્ટિમાં વનસ્પતિઓ તથા પ્રાણીઓને નુકશાન થતા તેઓ નાશ પામે છે. ધણીવાર આ કચરાના ભરાવાથી દરિયાકિનારો છીછરો બને છે અને પુરાણ થતા દરિયાઈ જીવો કિનારાથી દુર જતા રહે છે તેમજ ક્યારેક મોત પણ થાય છે . મારી નજરે શિપ તોડવાની કામગીરી એક જરૂરી દુષણ છે કારણ વ્યવસાયને આર્થિક રાહત આપે છે જયારે પ્રદુષણ નુકસાન કરે છે. ફકત પ્રદૂષણ ઓછુ થાય તે જરૂરી છે. > ડો.બી.આર. પંડિત, પર્યાવરણવિદ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.