ભાવનગરમાં જવાહર મેદાન ખાતે નાનાલાલ ભવાનભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટના બુધાભાઈ પટેલના નિમિત્ત માત્ર યજમાન પદે પૂજ્ય મોરારીબાપુની રામકથાના આજે અંતિમ દિવસે પૂજ્ય બાપુએ કેવટ દ્રષ્ટિ વિષે બોલતા જણાંવેલ કે શ્રુષ્ટિને જોવા માટેની ત્રણ દ્રષ્ટિ હોય છે.
પરંતુ કેવટેતો સમાજને તેનાથી પણ વધુ એક દ્રષ્ટિ પ્રેમાત્મક દ્રષ્ટિના દર્શન કરાવ્યા જે આ કથામાં જ મળી રહે છે. પ્રેમ બંધન મુક્ત છે તે રોજેરોજ વધે છે. તેને બાંધવાની કોશિશ થાય તો તે પ્રેમ જ નથી રહેતો. સત્ય પ્રેમ અને કરુણાનો વિશાળ અર્થ સમજાવતા પૂજ્ય બાપુએ રામ નું શરણ (સ્મરણ) તે સત્યનું લક્ષણ છે. રામનામ ગાવું તે પ્રેમનું લક્ષણ છે.
અને નિરંતર જેની પાસે કથા શ્રવણ કરવાથી ભવોભવના બંધન છૂટે તે કરુણાનું લક્ષણ છે તેમ જણાવ્યું. પૂજ્ય બાપુએ પોતાનો મનોરથ વ્યક્ત કરતા જણાંવેલકે આ કથાનું ફળ ભાવનગરના પ્રાતઃ સ્મરણીય મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને તેમના પરિવાર, ભાવનગરના દીવાન સર પ્રભાશંકર પટણીને અર્પણ કર્યું હતું. સાથોસાથ ભાવનગર એરપોર્ટ નું નામ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના નામ સાથે જોડવા અને મહારાજાને ભારત રત્ન એવોર્ડથી નવાજવા માટે સમગ્ર ભાવનગરવાસીઓ વતી પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
કથાના પ્રારંભે શ્રોતાઓ વતી વિનોદભાઈ જોશીએ રામકથા દ્વારા પૂજ્ય બાપુનો "માનસ કેવટ" પરનો સંદેશ વિશ્વ સુધી પહોંચાડવા પૂજ્ય બાપુ તથા યજમાન પરિવાર પ્રત્યે અહોભાવ વ્યક્ત કર્યો હતો. જયારે બુધાભાઈ પટેલે પોતાનો ભાવ વ્યક્ત કરી પૂજ્ય બાપુ સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા.
કથામાં સાધુ-સંતો અને મહાનુભાવો ઉપરાંત નવ નિર્વાચિત ધારાસભ્ય સેજલબેન પંડ્યા સહિતના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યાં હતા. સમગ્ર 9 દિવસની રામકથા દરમ્યાન ઉદઘોષક તરીકે નેહલબેન ગઢવીએ સંચાલન કર્યું હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.