તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાખણકાના સરપંચ-તલાટીને ધમકી:‘રેતી ચોરતા અટકાવશો તો તમારી પર ટ્રક ચડાવી દઈશું’, ખનીજ વિભાગના આંખ આડા કાન

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ખનન પ્રવૃત્તિ સામે અવાજ ઉઠાવનારને દબાવી દેવાનો પ્રયાસ

ભાવનગરમાં ભૂમાફિયાઓને તંત્રનો જરાય ભય રહ્યો ન હોય તેમ ભાવનગર તાલુકાના લાખણકા ગામે સરપંચ અને તલાટીએ ગેરકાયદેસર ખનન અટકાવવા રજૂઆત કરતા ગઈકાલે ખુલ્લેઆમ સરપંચ અને તલાટી પર ટ્રક- જેસીબી ચડાવી દેવાની ધમકી આપતા ગામમાં ભયનો માહોલ સર્જાયો છે. અને સરપંચ-તલાટીને અપાયેલી જાનથી મારી નાખવાની ધમકીથી જિલ્લાભરમાં તલાટી-સરપંચોમાં રોષની લાગણી ફેલાઈ છે.

લાખણકા ગામે ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિને જાણે તંત્ર છાવરતું હોય તેમ કોઈ તપાસ કાર્યવાહી પણ થઈ ન હતી. અંતે ગઈકાલે રાત્રે ભાવનગર ગ્રામ્ય મામલતદાર સહિતનાએ દરોડો પાડી ગેરકાયદેસર રીતે ખનન કરતા બે ટ્રેકટર અને જેસીબીને પકડી પાડયા હતા. પરંતુ સ્થળ પર લાખણકા ગામના સરપંચ ઝવેરભાઈ દામાભાઈ ચૌહાણ અને તલાટી મંત્રી કપીલભાઈ ધાંધલીયાને ભૂમાફિયા દ્વારા "તમે અમારી વિરુદ્ધ ફરિયાદ કરી ખનનની પ્રવૃત્તિ કરતા અટકાવશો તો અમે ટ્રક અને જેસીબી તમારી માથે ચડાવી દે શું "ની ધમકી આપી હતી.

સરપંચ અને તલાટી મંત્રીને ધાક ધમકી અપાતા પોલીસ રક્ષણની માંગ સાથે ભૂમાફિયાઓ સામે ફોજદારી ગુનો દાખલ કરવા લેખિતમાં ઘોઘા પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી છે. સરકારી કર્મચારીઓ અને પ્રજાના પ્રતિનિધિઓને તંત્રના કોઈ ભય વગર ખુલ્લેઆમ મારી નાંખવાની ધાકધમકી આપવામાં આવતા જિલ્લાભરના તલાટી અને સરપંચોમાં પણ ભારે નારાજગી સાથે રોષ ફેલાયો છે.

મધરાતે દરોડો પાડી આરોપીઓને પકડી પાડ્યા
તાલુકાના લાખણકા ગામે સરકારી પડતર જગ્યામાંથી ગેરકાયદેસર રીતે ઘણા વર્ષોથી ખનન પ્રવૃત્તિ ચાલી રહી છે પરંતુ તંત્ર દ્વારા ભૂમાફિયાઓને અટકાવવાના કોઈ પ્રયાસ થયા નથી. અંતે ગઈકાલે સોમવારે રાત્રે ભાવનગર ગ્રામ્ય મામલતદાર સહિતનાએ સરપ્રાઇઝ ચેકિંગ કરી રેતી ખનન કરતા લોકોને પકડી પાડયા હતા. અને પોલીસને સુપ્રત કર્યા હતા.

લાખણકા ગામે સરકારી પડતર જગ્યામાં ભૂમાફિયાઓ માટે મોકળું મેદાન બની ગયું હોય તેમ બિન્દાસ રીતે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ આચરી રહ્યા છે. જે સંદર્ભે ગ્રામ પંચાયત દ્વારા પણ અવાર નવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં ખાણ ખનીજ વિભાગ દ્વારા પણ કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. અંતે ગઈકાલે રાત્રે ગ્રામ્ય મામલતદાર સહિતની ટીમે મોખડાજી વિસ્તારમાં થતા ખોદકામ દરમિયાન દરોડો પાડી બે ટ્રેક્ટર અને એક જેસીબીને પકડી પાડયા હતા જ્યારે અન્ય ત્રણ જેટલા માટી ભરેલા ટ્રેક્ટર તંત્રવાહકોની નજર ચૂકવી નાસી છૂટયા હતા.

રાત્રે પકડાયેલા ટ્રેક્ટર અને જેસીબીને ઘોઘા પોલીસને સોપવામાં આવ્યા હતા. હજુ પણ લાખણકા ગામની સરકારી પડતર જગ્યામાં બેન્ટોનાઈટ, કાળી માટી અને રેતીની ચોરી થઈ રહી છે તેવી જ રીતે ભાવનગર તાલુકાના ભંડારીયા, પિથલપુર, રાજગઢ અને થોરડી ગામે પણ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ બેફામ રીતે થઈ રહી હોવાની પણ ફરિયાદ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...