સાંપ્રત પ્રવાહ:હોંશિયાર હો કે નબળા પણ ગણિતમાં રસ ન હોય તો ધોરણ 10માં બેઝિક પસંદ કરવું

ભાવનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હાલ ધો.10ના ફોર્મ ભરાઇ રહ્યાં છે ત્યારે સમજી લેવું અત્યંત આવશ્યક
  • ભણાવવાની પદ્ધતિ એક પરીક્ષાની પદ્ધતિ બે
  • ધોરણ 10માં બેઝિક મેથ્સનો વિકલ્પ રાખવાથી વિદ્યાર્થીનો ગણિતનો પાયો નબળો રહી જશે તે માન્યતા પણ ખોટી

હાલ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે આગામી માર્ચ 2023માં લેવાનારી પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા 13 ડિસેમ્બર સુધી ચાલુ રહેવાની છે ત્યારે વિદ્યાર્થીને પ્રશ્ન જાગે કે ધોરણ 10 માં ગણિત સ્ટાન્ડર્ડ રાખવું કે બેઝિક રાખવું ? કારણકે ધોરણ 10માં દરેક વિદ્યાર્થી માટે ગણિતનું પાઠ્યપુસ્તક તો એક સમાન જ છે સાથે ભણવા ભણાવવાની પ્રક્રિયા પણ સરખી જ છે પરંતુ ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિકમાં પ્રશ્નપત્રનું માળખું બોર્ડની પરીક્ષામાં અલગ અલગ હોય છે અને બંનેના પ્રશ્નપત્રો અલગ અલગ નીકળે છે. આ મુખ્ય તફાવત છે જે દરેક વિદ્યાર્થીએ ધ્યાનમાં રાખવો અત્યંત આવશ્યક છે.

ગુજરાત બોર્ડમાં દર વર્ષે અંદાજિત દસ લાખથી વધારે વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપે છે અને તેમાં એક લાખ 10 હજાર જેટલા વિદ્યાર્થીઓ સાયન્સ રાખે છે જે વિદ્યાર્થીઓને એ ગ્રુપ રાખીને એન્જિનિયરિંગ કે ટેકનિકલ વિષયમાં આગળ વધવું હોય તેઓને સ્ટાન્ડર્ડ મેથ્સ રાખવું પડે છે. બાકીના જે વિદ્યાર્થીઓને ધોરણ 11 સામાન્ય પ્રવાહમાં જવું હોય અથવા તો ધોરણ 11 સાયન્સમાં બી ગ્રુપ રાખવું હોય તેવો ધોરણ 10માં બેઝિક મેથ્સ રાખીને પણ આગળ વધી શકે છે. જે વિદ્યાર્થી ધો. 10માં ગણિત બેઝિક રાખશે તે ધો.11માં વિજ્ઞાન પ્રવાહમાં બી ગ્રૂપમાં પ્રવેશ મેળવી શકશે, પરંતુ A અથવા AB ગ્રૂપમાં પ્રવેશ મેળવી શકશે નહીં.

જે વિદ્યાર્થીઓનું ગણિત નબળું છે તેઓએ જ બેઝિક મેથ્સ રાખવું તે માન્યતા ખોટી છે વળી બેઝિક મેથ્સ રાખવાથી ગણિતનો પાયો નબળો રહી જશે તે માન્યતા પણ ખોટી છે કારણ કે ભણવાનું તો સ્ટાન્ડર્ડ કે બેઝિક બંનેમાં એક સમાન પદ્ધતિએ જ હોય છે અને એક સમાન પાઠ્યપુસ્તક જ હોય છે. જે વિદ્યાર્થીઓ ખૂબ હોશિયાર છે તેઓ સ્ટાન્ડર્ડ રાખે તો પણ સારું લાવવાના જ છે પરંતુ ઘણા વિદ્યાર્થીઓ એવા છે જેઓને ગણિતનો પાયો બરાબર બન્યો નથી કે ગણિતમાં પ્રમાણમાં ઓછો રસ છે તેઓએ બેઝિક મેથ્સ જ રાખવું જોઈએ. તેમાં અઘરા પ્રકરણોમાં ગુણભાર ઓછો છે તથા બીજ ગણિત સિવાયના પ્રકરણોમાં ગુણભાર વધારે છે તેમ જ પેપર સ્ટાઇલ પ્રમાણમાં આવા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે. હા સંજોગોમાં જે વિદ્યાર્થીઓને ધોરણ 10માં પછી ટેકનિકલમાં જવું નથી એવા વિદ્યાર્થીઓએ બેઝિક મેથ્સ જ રાખવું જોઈએ.

બે વિજ્ઞાન રાખવાની પણ વિચારણા
ગુજરાતના શિક્ષણ શાસ્ત્રીઓ તો ધો.10મા બે ગણિત અને બે વિજ્ઞાનના જુદા જુદા પાઠ્યપુસ્તકો માટે પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ અત્યારે જ્યારે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરાઈ રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓએ બેઝિક મેથ્સ રાખવું કે સ્ટાન્ડર્ડ મેથ્સ રાખવું તે બાબતે વિચારીને ફોર્મ ભરવા માટે નિર્ણય કરવો જરૂરી છે તથા શાળાઓએ પણ આ બાબતે વિદ્યાર્થીઓને વિસ્તૃત માર્ગદર્શન આપવું જરૂરી છે તેમ ચોક્કસ કહી શકાય જેથી આ બે ગણિત રાખ્યાનો પ્રયોગ સફળ રહે. > પરેશભાઈ ત્રિવેદી, વિષય નિષ્ણાત, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક

બેઝિકવાળા ડિપ્લોમા કોર્સીસમાં જઇ શકે છે
ધો. 10માં બેઝિક મેથ્સ રાખેલા વિદ્યાર્થીઓને ડિપ્લોમા તો એડમિશન મળે જ છે.. અને ડિપ્લોમા પછી ડિગ્રી પણ થઈ શકે એટલે બેઝિક રાખેલા વિદ્યાર્થીઓ 11 માં ધોરણમાં એ ગ્રુપમાં એડમિશન ન લઈ શકે પરંતુ ડિપ્લોમા તો જોઈ શકે એ તો ફાયદો છે જ.

અન્ય સમાચારો પણ છે...