ભાવનગરના સરદારનગર ખાતે આવેલા ઝવેરચંદ મેઘાણી હોલ ખાતે "શૈક્ષણિક જાગૃતિ માટે સુવર્ણ તકો" અંગે પરિસંવાદ યોજાયો હતો. જેમાં રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (જીતો)ના ભાવનગર ચેપ્ટર દ્વારા ભાવનગરના વિદ્યાર્થીઓને કારકિર્દી અંગેનું માર્ગદર્શન મળે અને તેઓ ઉચ્ચ કારકિર્દીનું નિર્માણ કરી શકે તે માટે એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
જીતો એ તેના કાર્યોથી દુનિયાભરમાં સુવાસ ફેલાવીઃ શિક્ષણમંત્રી
ઝવેરચંદ મેઘાણી હોલ ખાતે યોજાયેલા "શૈક્ષણિક જાગૃતિ માટે સુવર્ણ તકો" અંગેના પરિસંવાદમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, જીતો એ તેના કાર્યો દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ તેની સુવાસ ફેલાવી છે. જીતો દ્વારા વિદ્યાર્થીઓ માટે કરવામાં આવેલા સેમિનાર અને શૈક્ષણિક સુવિધાઓથી અનેક વિદ્યાર્થીઓએ રાજ્ય અને દેશની વહીવટી સેવાઓમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. આ વિદ્યાર્થીઓ જીતો જેવા સંગઠનમાં તેની વ્યવસ્થા જોઈને સમાજ માટે જે પણ વ્યવસ્થા કરવાની થાય તે વ્યવસ્થાઓ સરકારી તંત્રમાં આવીને વધુ સારી રીતે તેઓ કરી શકે છે જેને લીધે સમાજને પણ મોટો લાભ થાય છે.
સ્ટાર્ટઅપ પોલિસી માટે 500 કરોડની ફાળવણીઃ જીતુ વાઘાણી
તેમણે જણાવ્યું કે, આજના વિદ્યાર્થીઓમાં પ્રતિભાની કોઈ કમી નથી, પરંતુ આ વિદ્યાર્થીઓએ તેઓમાં કોઈના કોઈ કૌશલ્ય વિકસિત કરી આત્મવિશ્વાસ સાથે જે તે ધ્યેય નિર્ધારિત કરીને તે દિશામાં અગ્રેસર થવાનું છે. જો તેઓ લક્ષ્યને કેન્દ્રિત કરીને આગળ વધશે તો તેઓ જીવનમાં 100 ટકા સફળતા હાંસલ કરશે. તેઓ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. આજે સ્કિલનો જમાનો છે અને સફળતાની ઓળખ કામથી થતી હોય છે. રાજ્ય સરકારે આ બાબત ધ્યાનમાં રાખીને ઇનોવેશન માટે સ્ટાર્ટઅપ પોલિસી બનાવી છે અને તે દ્વારા માઈન્ડ ટુ માર્કેટના ખ્યાલ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ તેમજ પોતાનો ઉપક્રમ શરૂ કરવા માટે મદદ કરવામાં આવે છે. આ સ્ટાર્ટઅપ પોલિસી માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.500 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
કોરોના કાળમાં જીતો દ્વારા કરેલા કાર્યની સરાહના
જીતો દ્વારા કોવિડના સમયમાં જરૂરિયાતમંદ લોકોને નિઃશૂલ્ક ઓક્સિજન સિલિન્ડડર ભાવનગર જિલ્લામાં જ્યારે તેની ખૂબ જરૂર હતી ત્યારે પૂરા પાડવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત ગરીબો તથા જરૂરિયાતમંદ વ્યક્તિઓને વિના મૂલ્યે ભોજનની પણ સેવા પૂરી પાડવામાં આવી હતી. તેની મંત્રીએ સરાહના કરી હતી. રાજ્યના વિદ્યાર્થીઓને અત્યાધુનિક શિક્ષણ મળે તે માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી જેવી યુનિવર્સિટીઓ પણ વિકસિત કરી છે કે જ્યાં વિદેશના તજજ્ઞ લોકો ટેકનોલોજી અને ઇનોવેશનનું વિધિવત જ્ઞાન મેળવવા માટે આવે છે.
ઉલ્લેખનીય છે કે, IAS, IPS, જ્યુડિશિયરી, સિવિલ સર્વિસીસ જેવી પરીક્ષાઓ માટેની તૈયારીઓ કરાવવાં 7 હોસ્ટેલ ઇંદૌર, દિલ્લી, પુણે જેવા શહેરમાં સ્થાપિત કરવામાં છે. જેનો લાભ અનેક વિદ્યાર્થીઓને મળે છે અને તેઓ સમાજના સારા ક્ષેત્રોમાં સ્થાપિત થયાં છે. આ કાર્યક્રમમાં અમદાવાદના આસિસ્ટન્ટ આવકવેરા આયુક્ત અભિષેક ઓસવાલ, ગાર્ગી જૈન સહિતના જીતોના સહયોગથી ઉચ્ચ હોદ્દા પર બિરાજેલા અધિકારીઓ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.