ભાવનગરમાં વ્યાજખોરોની બદી સામે પોલીસ તંત્ર દ્વારા યોજાયેલા લોકદરબારમાં મા-બાપ દ્વારા જ દિકરા-વહુને વ્યાજે પૈસા આપી વ્યાજ માટે કનડગત કરાતી હોવાની અને પોલીસ દ્વારા વ્યાજખોરીનો ધંધો થતો હોવાની ચોંકાવનારી ફરિયાદો ઉઠવા પામી હતી. પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરેલ છે.
જોકે ડીઆઈજી ગૌતમ પરમાર અને એસ.પી. રવિન્દ્ર પટેલે વ્યાજખોરો ચમરબંધી હશે તો પણ તેની શેહશરમ ભરવામાં નહીં આવે તેવુ સ્પષ્ટ જણાવી પોલીસ ફરિયાદ નોંધવા સૂચના આપી છે. આવક કરતાં મોંઘવારી વધારે છે અને દવાના પૈસાની જરૂર હોવાથી મજબુરીથી વ્યાજે પૈસા લેવા પડે છે. બેંકની લોનમાં 3 વર્ષના રીટર્ન અને ઘરની મિલકત માંગે છે.
પણ ભાડે રહેતા લોકો આ દસ્તાવેજો આપી શકતા નથી માટે વ્યાજખોરો પાસેથી વ્યાજે પૈસા લેવા પડે છે. મ્યુ.કોર્પોરેશનના વાલ્મિકી સમાજના લોકોને ઊંચા વ્યાજે પૈસા ધીરાણ કર્યા બાદ તેનું ATM કાર્ડ વ્યાજખોરો મેળવી લે છે. અને પગાર જમા થાય એટલે તરત આ કાર્ડનો ઉપયોગ કરી તેમાંથી પૈસા ઉપાડી લે છે.આ અંગે તપાસ કરવા અને આ વિસ્તારમાં લોકસંવાદ કરાશે તેવી ડીઆઈજીએ ખાત્રી આપી હતી.
ફરિયાદ કરવા ઈમેઈલ અથવા વોટ્સએપ કરો
SP_bav@gujrat.gov.in Á ગૌતમ પરમાર (DIG) M.9978406282 Á રવિન્દ્ર પટેલ (SP) M.9978405067
5 હજારના 56 હજાર વ્યાજ સાથે કાઢી મુસ્લિમ દંપતિને કેસમાં ફીટ કરવા ધમકી
એક મુસ્લિમ દંપતીએ ચેક અને દસ્તાવેજો આપી એક વ્યાજખોર પાસેથી કટકે કટકે એક લાખ અને ત્યારબાદ 20 હજાર 10 ટકાના વ્યાજે લીધા હતા. જેમાં બાકીના પૈસા ચુકવાયા છતાં માત્ર 5 હજાર બાકી હતા ત્યારે 56 હજારનું વ્યાજ કાઢી ચેક, ડોક્યુમેન્ટ પાછા આપ્યા ન હતા અને સતવેન્દરસિંઘ ઉર્ફે સોનુ જસવંતસિંઘ રાઠોડ નામના પોલીસ કોન્સ્ટેબલે આ અંગે ગૃહ રાજ્યમંત્રી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને મારી ફરિયાદ કેમ કરી? તેમ કહી કોર્ટ કેસમાં સલવાડી દેવાની ધમકી આપી હતી. આ બનાવમાં કાયદેસરની ફરિયાદ નોંધવા પોલીસને ડીઆઈજીએ સુચના આપી હતી.
પત્નીના ઘરેણા વેચી પૈસા પરત કર્યા તોય ધમકી
શહેરના જકાતનાકા વિસ્તારમાં ફરસાણનો ધંધો કરતા એક દંપતીએ 20 લાખ રૂપિયા વ્યાજે લીધા જેમાં પત્નીના દાગીના વેચી 16 લાખ પરત આપ્યા છતાં ધાકધમકી આપી મોટી રકમની ઉઘરાણી કરાતી હોવાની ફરિયાદ કરી હતી.
મોડી રાત્રે પોલીસ કોન્સ્ટેબલ સહિત ચારની ધરપકડ
વ્યાજખોરોના મામલે પોલીસે જુદા જુદા બનાવોમાં એક પોલીસ કોન્સ્ટેબલ સહીત ચાર શખ્સની ધરપકડ કરી છે. જેમાં જેતુ દડુભાઇ દેસાઇ (રહે. ખડસલીયા), આલીંગ ભગુભાઇ હરકટ (રહે. ભુંભલી), સતવેન્દરસિંઘ ઉર્ફે સોનુ જસવંતસિંઘ રાઠોડ (રહે. આટામીલ, વિઠ્ઠલવાડી), રણજીત ભાવસંગભાઇ પરમાર (રહે. વરતેજ)ને ઝડપી આગળની તપાસ હાથ ધરી હતી. આ બનાવો અંગે ઘોઘા પોલીસ સ્ટેશન, ગંગાજળીયા અને નિલમબાગમાં જુદા-જુદા ચાર ગુન્હાઓ નોંધાયા છે.
આર્થિક ભીંસથી કંટાળી સામુહિક વિષપાન : પત્નીનું મોત, પિતા-પુત્ર ગંભીર
આર્થિક સંકડામણ કે અન્ય કારણોસર શહેરમાં પટેલ પરિવારે સામુહિક વિષપાન કરતા ચકચાર જાગી છે. શહેરના ઘોઘારોડ પર આવેલ બાલયોગીનગરમાં રહેતા અને ખાનગી નોકરીયાત જતીનભાઇ કિરીટભાઇ પટેલ તેના પત્ની બીનાબેન જતીનભાઇ પટેલ અને પુત્ર વિશાલભાઈ જતીનભાઇ પટેલ એ ગઇકાલે તેમના ઘરે કોઇ અકળ કારણોસર ત્રણે એ એકસાથે ઝેરી દવા પી લીધી હતી. ત્રણેયને હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં બીનાબેન પટેલ (ઉ.વ.55)નું મોત નિપજ્યું હતું. જ્યારે પિતા-પુત્ર બંન્નેની હાલત ગંભીર હોવાનું જણાવ્યું હતું. આ મામલે પણ વ્યાજખોરના ત્રાસની શંકા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.