ઉતરાયણ પર્વનું ધાર્મિક અને આનંદ ઉલ્લાસ માટે અનેરૂ મહત્વ છે. પરંતુ થોડી ઘણી બેદરકારીને કારણે જીવનું જોખમ પણ ઊભું થાય છે. જાહેર માર્ગો પર ચડાવાતા પતંગ અને પતંગ લૂંટતા લોકો બીજા માટે ખતરારૂપ બને છે. પતંગના દોરથી ગળા કપાયાના ઘણા કિસ્સા છે. ત્યારે બાળકોને ટુ વ્હીલર વાહન પર આગળ બેસાડીને જતા માતા પિતા અને વડીલો માટે લાલ લાઇટ સમાન છે.ઉતરાયણને આડે ગણતરીના દિવસો જ બાકી છે. બજારોમાં પતંગ અને દોરાની ખરીદી માટે ધુમ ઘરાકી નીકળી છે. પતંગ દોરામાં વધેલા ભાવ પણ પતંગ રશિયાઓ નજર અંદાજ કરે છે. ઉતરાયણ પર્વ ધાર્મિક દ્રષ્ટિ સાથે આનંદ અને ઉલ્લાસનો પર્વ પણ છે.
પરંતુ આ આનંદનો પર્વ કોઈના ઘરમાં દુઃખદ પર્વ પણ સાબિત થઈ શકે. ભૂતકાળમાં નજર નાખીએ તો પતંગના ઘાતક દોરાથી ઘણા લોકોને ઈજા થઈ છે તો ઘણા જીવના પણ ગયા છે. તેમાં પણ ખાસ કરીને જાહેર માર્ગો પર ટીંગાતા પતંગના દોર અને માર્ગો પર પતંગ ઉડાડતા અને લૂંટતા લોકો વાહન ચાલકો અને રાહદારીઓ માટે ઘણીવાર મોત સમાન બની રહે છે. તેમાં પણ ટુ વ્હીલર વાહન પર આગળ બાળકોને બેસાડીને જતા વડીલો માટે તો અત્યંત કાળજી લેવી જરૂરી છે.
ઝાડ કે તાર પર લટકતી દોરીઓ અને માર્ગો પર ઉડતા પતંગની દોરીઓથી બાળકોને ઘાતક ઈજા થઈ શકે છે. પરંતુ ટુ વ્હીલર ચાલકોએ પણ પોતાના માટે ઉતરાયણ પર્વના દિવસોમાં એટલી જ તકેદારી રાખવી જરૂરી બન્યું છે. નહીં તો આ પતંગની દોરથી જીવનની દોર કપાઈ શકે છે.
જાહેરનામા ન રહી જાય કાગળ પર
માનવ તેમજ પશુ પક્ષીની જાનહાની નિવારવા ચાઈનીઝ તુક્કલ - લેન્ટર્ન પર પ્રતિબંધ ફરમાવ્યો છે. ચાઈનીઝ દોરી અને તુક્કલના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ કે ઉપયોગ શિક્ષાપાત્ર ગુનો છે. પોલીસ દ્વારા ચાઈનીઝ દોરી અને તુક્કલ પકડી પાડે છે તે જ સાબિત કરે છે કે હજુ પણ અનેક જગ્યાએ ચાઈનીઝ દોરી અને તુક્કલનું ઉત્પાદન તેમજ વેચાણ થાય છે.
દોરીથી રક્ષણ માટે શું રાખી શકાય તકેદારી
ઉતરાયણ દરમિયાન ટુ વ્હીલર વાહન પર જ્યારે પણ બહાર નીકળે ત્યારે ગળા પર મફલર, દુપટ્ટો અથવા સ્કાફ લગાવવો. તેમજ બને ત્યાં સુધી હેલ્મેટનો પણ ઉપયોગ કરવો જરૂરી છે. દોરી થી બચવા વાહનમાં સેફટી ગાર્ડ અથવા દોરી રક્ષક સળીયો લગાવવો જરૂરી છે.
પીસીઆર વાન દ્વારા સતત વોચ,સર્કલોમાં પોઈન્ટ
લોકોની સુરક્ષા માટે ભાવનગર શહેરના જાહેર માર્ગો પર આવતા સર્કલો તથા ચોક ઉપર પોલીસનો પોઇન્ટ મૂકી સતત દેખરેખ રાખવામાં આવશે. તથા જે તે પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા PCR વાન મારફતે વોચ ગોઠવાવમાં આવશે. આ અનુસંધાને દરેક પોલીસ મથકોમાં જરૂરી સુચના આપી દેવામાં આવી છે. - આર.આર.સિંધાલ, ડીવાયએસપી
એક અઠવાડિયામાં દોરીથી 19 પક્ષી ઘાયલ, 4ના મોત
ઉતરાયણ પર્વ દરમિયાન પતંગની દોરી માનવી સાથે પશુ પક્ષી માટે પણ ઘાતક બની રહે છે. દર વર્ષે પતંગની દોરથી અનેક પક્ષીઓ ઘાયલ થાય છે તો મોતને ઘાટ પણ ઉતરે છે. જેની સારવાર માટે એનિમલ હેલ્પલાઇન ખડે પગે રહે છે. જેમાં 50 થી વધુ જીવદયા પ્રેમીઓ પણ સેવા આપે છે અને અત્યાર સુધી 61 હજારથી પણ વધુ પશુ પક્ષીની સારવાર કરી છે. ગત 4 થી 10 જાન્યુઆરી દરમિયાન 19 જેટલા પક્ષી દોરીથી ઘાયલ થયા છે અને 4 પક્ષીનું મોત થયું છે. ઉતરાયણ દરમિયાન પશુ પક્ષીને ઈજા થઈ હોય તો તાત્કાલિક મોબાઈલ નંબર 9157109109 અને 9879548854 પર બ્રિજેશભાઈ શાહનો સંપર્ક સાધવો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.