અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં સ્ક્રેપ કરાયેલ ભંગાર ને અલંગથી દેશનાં ખૂણે ખૂણે પહોંચાડતા ટ્રાન્સપોર્ટ સંચાલકો દ્વારા ઇંધણોના ભાવોમાં થઈ રહેલા અસહ્ય ભાવ વધારાને પગલે ટ્રાન્સપોર્ટેશન ચાર્જ વધારવાની માંગ સાથે છેલ્લા 18 દિવસ કરતાં વધુ સમયથી પરિવહન સેવા બંધ કરી હડતાળ પર ઉતર્યા છે, જે મુદ્દે સરકાર કે શિપબ્રેકીંગ યાર્ડ વાટાઘાટો માટે પ્રયત્ન કર્યો હતા પણ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. જો શિપબ્રેકરો 100 રૂપિયા ચાર્જ હટાવે તો હડતાળ સમેટાય શકે છે.
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દરિયા કાંઠે આવેલ અલંગ ગામે વિશ્વ વિખ્યાત જહાજવાડો છેલ્લા 38 વર્ષથી અસ્તિત્વ ધરાવે છે. અહીં દુનિયાના દેશોનાં મહાકાય જહાજો અવધિ પૂર્ણ થયે પોતાની સમુદ્રી સફર પૂર્ણ કરી અંતિમ મંજીલે અલંગમા બિચ થાય છે. અહીં આવતા જહાજોને ભાંગીને શિપનો સામાન તથા અલગ અલગ ધાતુ દેશના અનેક રાજ્યો માં રીસાઈકલ માટે ટ્રક,આદિ વાહનો મારફતે મોકલવામાં આવે છે.
ભાવનગર શહેર-જિલ્લાના ટ્રાન્સપોર્ટ ધારકો દ્વારા સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલ સહિતના ઇંધણો ના ભાવમાં થઈ રહેલ ભારે વધારો તથા વાહનોમાં વપરાતા ઓઈલ, સ્પેરપાર્ટ, ટાયર-ટ્યુબ સહિતના ભાવો પણ વધતાં જતાં હોય આથી આ ટ્રાન્સપોર્ટ સંચાલકો એ શિપબ્રેકરો, રોલિંગ મિલ ધારકો,ફેક્ટરી ધારકો સહિત સ્ક્રેપની ખરીદી કરતાં વેપારીઓ- ઉદ્યોગકારો પાસે પરિવહન દર વધારવાની માંગ કરી હતી. જેમાં શિપબ્રેકરો એ આ મુદ્દે સહમતિ દર્શાવી હતી પરંતુ રોલિંગ મિલ માલિકો સહિતના ઉદ્યોગકારો એ ભાડા દર વધારવાનો સ્પષ્ટ નનૈયો ભણી દેતાં છેલ્લા 18 દિવસ કરતાં વધુ સમયથી અલંગ માં પરિવહન સાથે સંકળાયેલ વાહનોના પૈડાં થંભી ગયાં છે.
આ મુદ્દે ટ્રાન્સપોર્ટ સંચાલકો શિપબ્રેકરો અને રોલિંગ મિલ માલિકો વચ્ચે બે વખત મંત્રણા યોજાઈ હતી પરંતુ રોલિંગમિલ માલિકો ભાડા વધારવા માટે સહમત ન થતા ટ્રાન્સપોર્ટ સંચાલકોની હડતાળ યથાવત રહેવા પામી છે. આ હડતાળને આજકાલ કરતાં 18 દિવસ વિત્યા એ દરમ્યાન શિપબ્રેકરો સહિતના સંગઠનો દ્વારા સરકાર ને આ મુદ્દે હસ્તાક્ષેપ કરવા અનુરોધ કર્યો હતો.
અલંગ ટ્રક એસોસિએશન ના પ્રમુખ ભગીરથસિંહ એ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલ સહિતના ઇંધણોના ભાવમાં થઈ રહેલ વધારોના ને લઈ હડતાળ શરૂ થઈ હતી, અલંગ માં 500 થી વધુ ટ્રક માલિકો હડતાળ પર છે તંત્ર સાથે, શિપબ્રેકરો સાથે મિટિંગ યોજાઈ પણ ઉકેલ આવ્યો ન હતો.જો શિપબ્રેકરો 100 રૂપિયા ચાર્જ લેખિત માં આપે તો આજે જ હડતાળ સમેટાય શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.