ફરિયાદ:પોલીસે સમયસર ફરિયાદ નોંધી હોત તો અથડામણ ના થઈ હોત

ભાવનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભુંભલી ગામે મારામારીના બનાવમાં ફરિયાદ થઇ
  • 30મી અને 1લીએ યુવકો​​​​​​​ સાથે ઝઘડો ​​​​​​​કરનારા​​​​​​​ ભુંભલી ગામના 7 ઈસમો વિરૂદ્ધ ઘોઘા પોલીસે ગુન્હો નોંધ્યો

ઘોઘા તાલુકાના ભુંભલી ગામે ગત રાત્રીના સર્જાયેલી મારામારીમાં ત્રણ દલિત યુવકોને ગંભીર ઈજાઓ પહોંચ્યાની ફરિયાદ ઘોઘા પોલીસમાં નોઁધાઈ છે. આ બનાવ સ્થાનિક પોલીસની બેદરકારીના લીધે બન્યો હોવાના આક્ષેપ સાથે ભોગબનનારના પરિવારે કાર્યવાહી કરવા કલેક્ટરને અરજી કરી છે.ઘોઘાના ભુંભલી ગામે ગત રાત્રીના મારામારીનો બનાવ બન્યો હતો જેમાં પ્રકાશભાઈ નારણભાઈ સુમરા, પ્રકાશભાઈ હરિભાઈ સુમરા અને દેવજીભાઈ સુમરાને ગંભીર ઈજાઓ પહોંચતા સારવારઅર્થે સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જે અંગે પ્રકાશભાઈ હરિભાઈ સુમરાએ ઘોઘા પોલીસ મથકમાં મુન્ના કથડભાઈ, વિપુલ ઉનડભાઈ હરકટ, દિનેશ કથડભાઈ, વિપુલ કનુભાઈ હરકટ, રાજુ લખુભાઈ હરકટ, હિતેશ ઘોહાભાઈ માયડા અને મુકેશ પુનાભાઈ માયડા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, ઉક્ત લોકોએ તા. 30/4ના રોજ અગાઉ થયેલા કેસનું સમાધાન કરવા કહી લાફો મારી મારી નાખવાની ધમકી આપી તથા બીજે દિવસે રાત્રીના સમયે હથિયારો વડે આડેધડ માર મારી ઈજા પહોંચાડી હતી. બનાવના પગલે પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યારે આ મામલે ભોગબનનારના પરિવારજનોએ સ્થાનિક પોલીસ પર સંગીન આરોપો લગાવ્યા છે. કલેક્ટરને પત્ર લખ્યો હતો કે, પોલીસે સમયસર ફરિયાદ નોંધી હોત તો આ બનાવ બન્યો ના હોત.

1લીએ ફરિયાદ નોંધી હોત તો ઘટના ના બની હોય
ગત તા. 30/4ની રાત્રે ગામની સોડાની દુકાને અમારા છોકરાઓ બેસ્યા હતા ત્યાં એ લોકોએ આવી જુના કેસનું સમાધાન કરવાનું કહી અમારા છોકરાઓને જ્ઞાતિથી અપમાનિત કર્યાં હતાં જેની અમે 1લી તારીખે સવારે ફરિયાદ નોંધાવા ગયા પણ પીએસઆઈ નહી હોવાથી અમે સાંજે ફરિયાદ કરવા ગયા પરંતુ પીએસઆઈએ ફરિયાદ લેવાની જગ્યાએ સામેના પક્ષના લોકોને બોલાવી સમાધાન કરવાનું કહી પરત મોકલી દીધાં હતા અને તે જ દિવસે આ લોકોએ અમારા છોકરા પર હુમલો કર્યો હતો. - મનુભાઈ સુમરા, પરિવાજન

અન્ય સમાચારો પણ છે...