એજ્યુકેશન:દિવાળી પૂર્વે વિદ્યાસહાયક ભરતી નહીં થાય તો સમયવધારો નકામો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરના 7 હજારથી વધુ ઉમેદવારો 4 વર્ષથી નોકરીની રાહમાં

ગુજરાતના ટેટ પાસ કરેલા 50 હજાર કરતા વધુ ઉમેદવારો છેલ્લા 4 વર્ષ કરતા વધુ સમયથી ગુજરાતી માધ્યમની વિદ્યાસહાયક ભરતીની કાગ ડોળે રાહ જોઇને બેઠા છે. અગાઉના મંત્રી મંડળમાં 42 વખત ગાંધીનગર આવીને રજૂઆતો કરી છે પરંતુ કોરોના,વાવાઝોડું,અને ચૂંટણીઓની આચાર સંહિતા જેવા વિધ્નોએ વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારોની આશાઓ અને શિક્ષક બનવાના સપનાઓને વેરવિખેર કરી નાખ્યા છે.

નવનિયુક્ત શિક્ષણ મંત્રીએ જીતુભાઇ વાઘાણીએ તા.13 ઓક્ટોબરના રોજ 3300 જેટલી વિદ્યાસહાયક ભરતી કરવાનું અને ટેટની સમય અવધિ વધારવા માટેની જાહેરાત કરતા ઉમેદવારોને થોડી નિરાંત તો થઈ પણ હજુ વેલીડિટી બાબતનો જી.આર બન્યો નથી જેમાં વિલંબ થશે તો ઉમેદવારોના કહેવા મુજબ પંચાયત ચૂંટણીના નગારા વાગી રહયા છે તો એમની આચાર સંહિતા આવી જશે તો ભરતી હજુ આગળ જ નહીં ચાલે આથી આ સમગ્ર પ્રક્રિયા ત્વરિતપણે કરવા ટેટ પાસ ઉમેદવારોએ લાગણી વ્યક્ત કરી છે.

આથી ઉમેદવારોની ધીરજ ખૂટી રહી છે અને શિક્ષણ વિભાગ અને શિક્ષણ મંત્રી પાસે માંગ કરી રહ્યા છે કે ત્વરિત વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે અને વિદ્યાસહાયકની જાહેરાત આપી દેવામાં આવે.જો એક વાર ફોર્મ ભરાય જાય પછી આગળની પ્રક્રિયા ગ્રામપંચાયત ચૂંટણી પછી થશે તો પણ આવકાર્ય છે આમ વેલીડિટી વધતા સમગ્ર રાજ્યમાં ભરતી માટેના લાયક ઉમેદવારોની સંખ્યામાં વધારો થયો છે. જેમાં ભાવનગરમાં પણ અંદાજે 7 હજાર જેટલા ઉમેદવારો વિદ્યાસહાયક ભરતીની રાહ જોઈ રહ્યા છે આથી ઝડપભેર ભરતી પ્રક્રિયા કરવી જોઈએ તેમ ટેટ સંગઠનના સભ્ય હરદેવ વાળાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...