રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ અને રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પૂર્વેની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. ત્યારે વિવિધ જ્ઞાતિ-સમાજ પણ આ મુદ્દે આરપારની લડાઈ લડી લેવાના મૂડમાં છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી સમગ્ર દેશમાં જે જે રાજ્યોમાં રાજપૂતો-ક્ષત્રિયોનુ પ્રભુત્વ છે એવાં રાજ્યો-શહેરોમાં "કરણીસેના" દ્વારા પ્રથમ રેલી થી કાર્યક્રમોની શરૂ કરી છે. ત્યારે હવે રાજ્યના અલગ અલગ શહેરોમાં કરણીસેનાના અધ્યક્ષ રાજ શેખાવત સભાઓ-પત્રકાર પરિષદો યોજી રહ્યાં છે ત્યારે આજરોજ ભાવનગર શહેર સ્થિત સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. રાજશેખાવતે રાજકીય પક્ષો પાસે રાજપૂતો અને ક્ષત્રિયો માટે ટિકિટની માગ કરી હતી.
કરણીસેનાએ વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયારીઓ શરૂ કરી
ગુજરાત ઉપરાંત રાજસ્થાન ઉત્તરપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં રાજપૂતો-ક્ષત્રિયોનું બહોળું પ્રભુત્વ છે. આ રાજ્યોમાં ક્ષત્રિયો-રાજપૂતોની સંખ્યા પણ વિશાળ છે. ત્યારે આ જ્ઞાતિઓનુ સૌથી મોટું સંગઠન "કરણીસેના" સમાજના અલગ અલગ ક્ષેત્રે સેવાકીય પ્રવૃત્તિ સાથે રાજપૂત-ક્ષત્રિયો ને એક તાંતણે જોડવાનું કાર્ય બખૂબી રીતે કરી રહ્યું છે. આ સિવાય દેશના આદિ ઈતિહાસની ઐતિહાસિક ધરોહર સાથે તેનો માન-મરતબો અકબંધ જળવાઈ રહે એ સિવાય હવે આગામી દિવસોમાં આવનાર ચૂંટણીમા પણ કરણીસેના પોતાના ઉમેદવારો ઉભા રાખી ચૂંટણી લડવાની તૈયારીઓ શરૂ કરી છે.
રાજનીતિ અમારા રક્તમાં વહે છે- રાજ શેખાવત
આજરોજ ભાવનગર શહેર સ્થિત સર્કિટ હાઉસ ખાતે કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે પત્રકાર પરિષદ યોજી હતી અને શેખાવતે હુંકાર સાથે જણાવ્યું હતું કે દેશમાં રાજ-રજવાડાકાળમાં સુ-શાસન અકબંધ હતું. પરંતુ રજવાડાને સ્વરાજ માટે અર્પણ કર્યાં બાદ શાસનની સ્થિતિ કથળી છે આથી દેશમાં સુ-શાસન તમામને ન્યાય દેશની બહેન-દીકરી સુરક્ષિત રહે અને આદી ઈતિહાસની અવમૂલ્ય કે અવગણના ન થાય એ મુદ્દે કરણીસેના આગામી ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઉભા રાખી ચૂંટણી લડશે. વધુમાં શેખાવતે જણાવ્યું હતું કે, રાજનીતિ અમારા રક્તમા વહે છે આવનાર ચૂંટણીમાં રાજકીય પક્ષો કરણીસેનાના ઉમેદવારોને ટિકિટ આપે તો સારી વાત છે બાકી અપક્ષ ઉમેદવારી નોંધાવી કરણીસેનાના ઉમેદવારો ચૂંટણી લડશે અને જરૂર જણાયે રાજ શેખાવત ખુદ ચૂંટણી લડી સમાજનું પ્રતિનિધિત્વ કરવા માટે તૈયાર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.