ચિંતા:જો મેઘમહેર નહીં થાય તો વરસાદમાં 29 ટકાની ઘટ

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • છેલ્લા 17 દિવસથી મેઘરાજાના રિસામણાથી ભાવનગર શહેરમાં વરસાદમાં 38 ટકાની ઘટ
  • ભાવનગર જિલ્લામાં વરસાદની વાર્ષિક સરેરાશ 617 મી.મી. સામે હજી 436 મી.મી. જ વરસાદ વરસ્યો

સપ્ટેમ્બર માસનું પ્રથમ સપ્તાહ પણ ભાવનગર શહેર-જિલ્લામાં વરસાદ વગરનું વિતી ગયું છે. છેલ્લાં 17 દિવસથી ભાવનગર શહેર કે જિલ્લામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી. ભાદરવાના એક પછી એક દિવસો વગર વરસાદે પસાર થઇ રહ્યાં છે .હવે ચોમાસુ સિઝનને ત્રણેક સપ્તાહનો સમય બાકી છે ત્યારે હવે જો ગોહિલવાડ પંથકમાં હવે જો મેઘરાજા મહેરબાન નહીં થાય તો જિલ્લામાં એવરેજ વરસાદમાં 29 ટકાની ઘટ રહી જશે જ્યારે ભાવનગર શહેરમાં વરસાદમાં 38 ટકાની ઘટ રહી જશે. તો ઘોઘામાં સૌથી વધુ 59 ટકાની ઘટ રહી જશે.

ભાવનગર જિલ્લામાં સરેરાશ વાર્ષિક વરસાદ 617 મી.મી. છે તેની સામે આજ સુધીમાં જિલ્લામાં 436 મી.મી. જ વરસાદ વરસ્યો છે. આમ હજી વરસાદમાં 181 મી.મી.ની ઘટ છે. ત્યારે હવે ચોમાસામાં તત્કાલ સારા વરસાદની જરૂર છે. ભાવનગર જિલ્લામાં ગત ઓગસ્ટમાં 20 તારીખ બાદ નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી. શ્રાવણના અંતે અને ભાદરવામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા નથી. હાલ એક પછી એક દિવસ કોરાધાકોડ પસાર થઇ રહ્યાં છે. ગત વર્ષે પાછોતરા વરસાદે રંગ રાખ્યો હતો તેમ આ વર્ષે પણ ધોધમાર વરસાદનો રાઉન્ડ વરસી જાય તો વાંધો નહીં આવે.

અન્યથા ભાવનગર જિલ્લામાં વરસાદમાં ઘટ રહી જશે. બાકી ગુજરાત રાજ્યમાં તો આ વર્ષે એવરેજ વરસાદ 100 ટકાથી વધી ગયો છે. ભાવનગર જિલ્લામાં આ વર્ષે ખાસ કરીને ઘોઘા અને જેસરમાં વરસાદની સ્થિતિ સૌથી ખરાબ છે અને આ બન્ને તાલુકામાં વરસનો 45 ટકા વરસાદ પણ વરસ્યો નથી. એટલે કે આ બન્ને તાલુકામાં હજી વરસ્યો તેનાથી વધુ વરસાદ વરસે તો સિઝનનો 100 ટકા વરસાદ થાય. વરસાદમાં સૌથી સારી સ્થિતિ મહુવા તાલુકાની છે.

ભાવનગરમાં તાલુકાવાઈઝ વરસાદ

તાલુકોકુલ વરસાદઆ વર્ષે વરસાદટકાવારી
ભાવનગર739 મી.મી.463 મી.મી.62.65 ટકા
મહુવા647 મી.મી.714 મી.મી.110.36 ટકા
પાલિતાણા610 મી.મી.351 મી.મી.57.54 ટકા
જેસર668 મી.મી.290 મી.મી.43.41 ટકા
તળાજા580 મી.મી.369 મી.મી.63.62 ટકા
ઘોઘા629 મી.મી.259 મી.મી.41.18 ટકા
ગારિયાધાર472 મી.મી.455 મી.મી.96.40 ટકા
સિહોર621 મી.મી.475 મી.મી.76.49 ટકા
વલ્લભીપુર625 મી.મી.513 મી.મી.82.08 ટકા
ઉમરાળા587 મી.મી.479 મી.મી.81.60 ટકા
જિલ્લો617 મી.મી.436 મી.મી.71.53 ટકા

બપોરે તાપમાન વધીને 35.3 ડિગ્રી થયુ
ભાવનગર શહેરમાં હવે દિન-પ્રતિદિન ભાદરવાની ગરમી વધતી જાય છે. સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી હતી ત્યારે ભાવનગર શહેરમાં આજે બપોરે મહત્તમ તાપમાન 2 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 35.3 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા ભાદરવાની આંખો બાળતી ગરમીનો અનુભવ શહેરીજનોને થયો હતો. શહેરમાં પવનની ઝડપ 12 કિલોમીટર નોંધાઇ હતી. લઘુત્તમ ઉષ્ણતામાન 26 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. તો હવામાં ભેજનું પ્રમાણ ગઇ કાલે 60 ટકા હતુ તે આજે ઘટીને 47 ટકા થઇ ગયું હતુ.

શહેરમાં એક પણ વખત અનરાધાર વરસાદ વરસ્યો નથી
આ ચોમાસાની એક મુખ્ય વિશેષતા એ રહી છે કે ભાવનગર શહેરમાં આ વર્ષે સતત ધીમી ધારે જ વરસાદ વરસ્યો છે. એકેય વખત પાંચ કે 6 ઇંચ જેવો અનરાધાર વરસાદ આ ચોમાસામાં વરસ્યો નથી. આથી શહેરમાં સિઝનનો કુલ વરસાદ 463 મી.મી. થયો છે જે આખા વર્ષના વરસાદ 739 મી.મી.ના 62.65 ટકા થાય છે. હજી 100 ટકા વરસાદમાં 38 ટકાની ઘટ છે. હજી 11 ઇંચ વરસાદ વરસે ત્યારે શહેરમાં 100 ટકા વરસાદ થશે.

અન્ય સમાચારો પણ છે...