વિકાસ ગ્રાન્ટની કશ્મકશ:કોર્પો.ના સભ્યએ રદ કરાવી તો સાંસદની ગ્રાન્ટ નામંજુર થઈ

ભાવનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોર્પોરેટરનો ગ્રાન્ટ રદ કરવાનો સીટી એન્જિનીયરને લખેલા પત્રથી વિવાદ
  • કુંભારવાડામાં કોર્પોરેટરે ડોમ માટે ફાળવેલી ગ્રાન્ટ રદ કરી ડ્રેનેજ માટે ફાળવતા રહીશો અકળાયા, સાંસદની સ્નાનાગારની ગ્રાન્ટ જિલ્લા આયોજને નામંજુર કરી

શહેરના કુંભારવાડા વિસ્તારમાં અક્ષરપાર્કના કોમન પ્લોટમાં મહિલાઓ માટે સ્નાનાગર અને ડોમ બનાવવા માટે સ્થાનિક નગરસેવિકાઓ અને સાંસદ દ્વારા પાંચ પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી. પરંતુ નગરસેવિકાએ ડોમ માટેની ગ્રાન્ટ રદ કરવાનો પત્ર લખતા સ્થાનિક વિસ્તારમાં વિવાદ સર્જાયો છે. તેમજ આ જ સ્થળે સાંસદ દ્વારા પણ મહિલાઓના સ્નાનાગાર માટે પાંચ લાખ રૂપિયા ફાળવ્યા હતા તે આયોજન મંડળ દ્વારા રદ કરાયા છે. જેથી ગ્રાન્ટ સ્વેચ્છિક રદ અને નામંજુરનો વિવાદ વકર્યો છે.

કુંભારવાડા વોર્ડમાં અક્ષરપાર્ક સોસાયટીના કોમન પ્લોટમાં બાપા સીતારામની મઢુલીની બાજુમાં ડોમ નાખવા માટે કુંભારવાડાના નગરસેવિકા વર્ષાબેન ઉનાવા તેમજ વિલાસબેન રાઠોડ દ્વારા સંયુક્ત રીતે પાંચ લાખ રૂપિયા ફાળવ્યા હતા. પરંતુ ગત ડિસેમ્બર મહિનામાં વર્ષાબેન ઉનાવાએ સીટી એન્જિનિયરને પત્ર લખી ફાળવેલી ગ્રાન્ટ જે ડોમ બનાવવાની કામગીરી માટે ફાળવી હતી તે રદ કરી રકમ જમા રાખવાની કાર્યવાહી માટે જણાવ્યું હતું.

જે પત્ર હવે જાહેર થતા સ્થાનિક રહીશોમાં રોષ ફેલાયો હતો અને પુનઃ આ જ કામ માટે ગ્રાન્ટ ફાળવવા માગણી કરી હતી. પરંતુ આ જ સ્થળ પર સ્થાનિક નગરસેવકોની રજૂઆતથી સાંસદ દ્વારા મહિલાઓ માટેના સ્નાનાગર બનાવવા પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી તે કોમન પ્લોટ માં નહીં ફાળવી શકવાને કારણે જિલ્લા આયોજન દ્વારા નામંજૂર કરવામાં આવી છે.

ડ્રેનેજની વધુ જરૂરિયાત હોવાથી તેને માટે ફાળવી
અક્ષરપાર્ક સોસાયટીના કોમન પ્લોટમાં ડોમ બનાવવા માટે સંયુક્ત રીતે પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી પરંતુ સ્નાનાગર બનાવવા માટે સાંસદની ગ્રાન્ટ નામંજુર થતાં ડોમની આવશ્યકતાથી વધુ આ જ વિસ્તારમાં ડ્રેનેજ લાઈનની જરૂર વધુ હોવાથી ડોમની ગ્રાન્ટ રદ કરાવી છે. > વર્ષાબેન ઉનાવા, કોર્પોરેટર કુંભારવાડા

ગ્રાન્ટ ફાળવણીનો વિવેકાધીન નિર્ણય
ભાવનગર મહાનગરપાલિકાના તમામ સભ્યોને દર વર્ષે પોતાના વિસ્તારના વિકાસ કાર્યો માટે દસ દસ લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જેનો સભ્યો દ્વારા વિવેકાધીન નિર્ણય કરવામાં આવે છે. કામ શરૂ ન થયું હોય તો રદ કરી અન્યત્ર પણ ફાળવી શકે. > પી.જે. ચુડાસમા, સીટી એન્જિનિયર

અન્ય સમાચારો પણ છે...