દિન પ્રતિદિન પીવાના પાણી માટે વધતી જતી મુશ્કેલીના હલ માટે સરકાર પણ ચિંતિત છે. અને જુદી જુદી યોજનાઓ મારફતે પાણીના સંગ્રહ અને નવા સ્ત્રોત ઉભા કરે છે. પરંતુ રજવાડા સમયે પણ પીવાના પાણીની સમસ્યાના ઉકેલરૂપે માનવસર્જિત પાણીનો સ્ત્રોત વાવ તરીકે ઉભો કર્યો હતો. જેના બાંધકામ આજે પણ અડીખમ છે. પરંતુ જાળવણીના અભાવે ભાવનગર જિલ્લાની 100 જેટલી પૌરાણિક વાવો હાલમાં ખંડેર બની ગઈ છે. જેને માત્ર સફાઈ કરી રિચાર્જ કરવામાં આવે તો પણ મુસાફરો અને આસપાસના ગ્રામજનો માટે પીવાના પાણીનો એક સ્ત્રોત ઉભો કરી શકાય તેમ છે.
વાવ પાણીનો એવો માનવસર્જિત સ્રોત છે. દુષ્કાળમાં વાવ જ એવો પાણીનો સ્ત્રોત છે જેમાંથી લોકોને પાણી મળી શકે છે. જેમાં પગથિયાં ઊતરીને પાણી સુધી પહોંચી શકાય છે. ઉપરથી બંધ ઢાંચો કલાકારીગરીથી કંડારેલો પણ હોય છે. તેનો મુખ્ય ઉદ્દેશ તો દુષ્કાળના સમયમાં પાણી પૂરું પાડવાનો હતો. વાવમાં બે ત્રણથી વધુ માળ હોય છે. એ રીતે વાવ એ ટેક્નૉલૉજી, સ્થાપત્ય અને કળાનો એક સુંદર સમન્વય છે.
ભારતીય સ્થાપત્યના ઇતિહાસમાં કૂવા અને વાવે ખૂબ અગત્યની ભૂમિકા નિભાવી છે. વેદોમાં પણ વાવનો ઉલ્લેખ જોવા મળે છે અને વાવને પાણીના દેવ તરીકે શ્રદ્ધા અને આશીર્વાદનું સ્વરૂપ ગણાવવામાં આવે છે. કારણ કે એ દુષ્કાળમાં પાણી પૂરું પાડે છે. ભાવનગર જિલ્લાના અનેક ગામોના લોકો વાડી વિસ્તારમાં રહે છે. જેઓને પીવાનું પાણી પાંચ સાત કિલોમીટર ગામમાં લેવા આવવું પડે છે. તેવી જ રીતે કોળીયાક, હાથબ તરફના ગામના લોકો ભાવનગર શહેરમાં શાકભાજી વેચવા આવતા હોય છે. જેઓને પણ વાવના પાણીના ઉપયોગ કરી શકે છે. ચાલીને જતા વટેમાર્ગુઓ તેમજ વેપારીઓ માટે વાવ પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત હતો.
એમ કહેવાય છે કે ભાવનગરના મહારાજા સાહેબ લગભગ દર ત્રણ ગામે એક વાવ બંધાવેલી જેથી ચાલીને જતા વટેમાર્ગુ અને ગાડા ખેડૂતને તેમજ વ્યાપાર કરવા જતા વેપારીઓને પીવાના પાણીની અગવડ ન પડે. વાવના આ બાંધકામ હજી અડીખમ છે. ભાવનગરથી કોળીયાક, નિષ્કલંક, હાથબ અને ઘોઘા તેમજ તળાજા વચ્ચે અનેક વાવ છે. આ તમામને વ્યવસ્થિત સાફ કરી ચોમાસા દરમિયાન રિચાર્જ કરાય તો તમામ વાવ પીવાના પાણીનો વૈકલ્પિક સ્ત્રોત બની શકે તેમ છે.
વ્યાપાર વૃદ્ધિ માટે મહારાજાએ દરિયાઈ પટ્ટી પર બંધાવેલી વાવ
તળાજા અને સિહોર પંથકમાં પણ અનેક વાવ ખંડેર બની
ભાવનગર જિલ્લાના કોળીયાક, હાથબ, ઘોઘા સહિતના દરિયાઈ પટ્ટીના ગામો ઉપરાંત ભાવનગર થી તળાજા પંથકના ગ્રામ્ય વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પણ અનેક વાવનું નિર્માણ કરવામાં આવેલ હતું. તદ્દઉપરાંત સિહોરમાં આજે પણ અનેક વાવો પૌરાણિક સમયની યાદ તાજી કરે છે. પૌરાણિક વાવની કલા-કૃતિઓ પીવાના પાણીના સ્ત્રોત ઉપરાંત સ્થાપત્યના વારસા સમાન છે. પરંતુ તંત્રની બેદરકારીને આ તમામ વાવ ખંડેર બની ગઈ છે.
પાણીના સંગ્રહ સાથે ભૂકંપમાં પણ અડીખમ વાવ
નદી, તળાવ કે કુંડથી અલગ વાવનું પાણી સીધું સૂર્યપ્રકાશના સંપર્કમાં ન આવતું હોવાથી પાણી લાંબા સમય સુધી સંગ્રહાયેલું રહેતું અને ભૂગર્ભજળ આપોઆપ આવતું પણ ખરૂ. બાષ્પીભવન ટાળી શકાય. તેમજ જમીન પાણીમાં રહેલો વાયુ શોષી લે છે, આ વાવ એવી રીતે બાંધવામાં આવતી કે તે 7.6 સુધીના રિક્ટર સ્કેલના ભૂકંપ સામે અડીખમ રહી શકે છે.
રજૂઆત સંદર્ભે વાવની જાળવણી અને રિચાર્જ થઈ શકે છે
પૌરાણિક વાવને રિચાર્જ અને સાફ સફાઇ માટે રજૂઆતના અનુસંધાને ખર્ચની જોગવાઈ થઈ શકે. વર્તમાન સ્થિતિમાં જો વાવ પીવાના પાણીના સ્ત્રોત તરીકે ઉપયોગમાં આવી શકે તો સારી બાબત છે. > કિરણ વરીયા, સહાયક પુરાતત્વ નિયામક
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.