ભાવનગર શહેરમાં છેલ્લા બે દિવસથી 24થી 26 કિલોમીટરની ઝંઝાવાતી ઝડપે સાંજના સમયે બર્ફિલા પવન ફૂંકાતા ઠંડીની તીવ્રતા વધી ગઇ છે અને બપોરે તાપમાન 3 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને 23.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા આ પવન સામે રક્ષણ માટે નગરજનોને આખો દિવસ ગરમ વસ્ત્રો પહેરવા પડે તેવી નોબત આવી છે. આજે સવારે 18 કિલોમીટર અને સાંજે તો 26 કિલોમીટરની ઝડપે ઉત્તર દિશાના ટાઢાબોળ પવનના સૂસવાટા ફૂંકાયા હતા. શહેરમાં 26કારણે રાત્રે ઉષ્ણતામાન ભલે 15 ડિગ્રી નોંધાયું હોય પણ જાણે તાપમાન 11 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય તેવો અનુભવ રાત્રિના સમયે નગરજનોને થયો હતો.
આજે સવારથી જ ઠંડા પવનો ફુંકાતા લોકો ઠુંઠવાયા હતાં. જ્યારે આખો દિવસ લોકોને ગરમ કપડા પહેરી રાખવા પડ્યાં હતાં. હવામાન વિભાગના મતે આગામી દિવસોમાં 15 થી 20 કિમી સુધીના ઠંડા પવનો ફુંકાઈ શકે છે.જ્યારે ઠંડીનો પારો 12 થી 14 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં ગઇ કાલે બપોરે મહત્તમ તાપમાનનો પારો 26.4 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયેલો તે આજે એક જ દિવસમાં 3 ડિગ્રી ઘટીને 23.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયો હતો. શહેરમાં સવારના સમયે હવામાં ભેજનું પ્રમાણ 66 ટકા અને સાંજે 39 ટકા નોંધાયું હતું.
તાપમાનમાં ઘટાડો | |
તારીખ | મહત્તમ તાપમાન |
4 જાન્યુઆરી | 23.6 ડિગ્રી |
3 જાન્યુઆરી | 26.6 ડિગ્રી |
2 જાન્યુઆરી | 26.7 ડિગ્રી |
1 જાન્યુઆરી | 27.3 ડિગ્રી |
તીવ્ર પવન સામે અગમચેતી આવશ્યક
રાજ્યમાં શીતલહેરથી બચવા માટે શહેરીજનોને સાવચેતીના પગલારૂપે ઠંડીથી બચવા માટે ગરમ કપડાં, સ્વેટર, મફલર અને ગરમ ટોપી પહેરવાનું, મોટી ઉંમરના વૃદ્ધ , બિમાર વ્યક્તિઓ અને નાના બાળકોની વિશેષ કાળજી રાખવાનું, બિન જરૂરી બહાર જવાનું ટાળવું અને સવારના સૂર્ય સ્નાનનો લાભ લેવાનું , ત્વચા સૂકી ન પડે તે માટે કોપરેલ, તલનું તેલ અને વેસેલીન જેવા તૈલી પદાર્થોનો ઉપયોગ, ગ્લિસરીન યુક્ત સાબુનો ઉપયોગ કરવો હિતાવહ છે. ઠંડીની અસર હેઠળ કોઈપણ તકલીફ દેખાય તો તાત્કાલિક નજીકના અર્બન પ્રાઈમરી હેલ્થ સેન્ટર કે સરકારી દવાખાને તબીબનો સંપર્ક કરવો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.