રોડ-શો સાથે પ્રદેશ ભાજપ પ્રમુખનું સ્વાગત:ટિકિટ નક્કી કરવાની સત્તા મારે નથી મોદી અને શાહ નક્કી કરશે : પાટીલ

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેજ સમિતિના સંમેલનમાં પાટીલના પ્રવચનમાં રસ નહીં, જિલ્લા ભાજપ પ્રમુખ નીચે આટા મારે, મંચ પર આગેવાનો વાતોમાં વ્યસ્ત

વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત આજે ભાવનગર ખાતે આવેલા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ વિરોધપક્ષ પર પ્રહાર કરી ઉમેદવારો નક્કી કરવાની પોતાને સત્તા નહીં હોવાનું પણ જાહેર કરી નરેન્દ્ર મોદી અને અમિત શાહ જે નિર્ણય કરે તેને વધાવી લેવા ભાજપના કાર્યકરોને જણાવ્યું હતુ. પરંતુ પાટીલના પ્રવચનમાં કાર્યકરો તો ઠીક ખુદ મંચાસ્થિત મહાનુભાવો પણ નીરસ હોય તેમ પ્રવચન દરમિયાન અંદરોઅંદર વાતોમાં અને મોબાઈલમાં વ્યસ્ત હતા.

શહેરના જવાહર મેદાન ખાતે ભાજપના પેજ સમિતિનું સંમેલન યોજવામાં આવ્યુ હતુ. ભાજપના પ્રદેશ અધ્યક્ષનું બાઈક અને કાર દ્વારા વિશાળ રોડ શો કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. સંમેલનમાં પેજ સમિતિના સભ્યોને સંબોધતા સી.આર.પાટીલે ચૂંટણીને અનુલક્ષી જણાવ્યું હતું કે, માલધારી સમાજના ઢોરનો અને તબેલાનો પ્રશ્ન તેમજ કોળી પટેલ સમાજના છાત્રાલય માટે જગ્યાની ઉપલબ્ધિની હૈયાધારણા આપી હતી. મોદી ગુજરાતના મુખ્યમંત્રી બાદ વડાપ્રધાનના હોદ્દા પર છે ત્યારે ભૂવો ધુણે તો નાળિયેર ઘર ભણી જ નાખેનું જણાવી ગુજરાતના વિકાસના ગાથા વર્ણવી હતી.

સાથોસાથ ભાજપમાં ટિકિટ માગવાથી મળતી નહીં હોવાનું જણાવી તમામ સંપૂર્ણ સત્તા નરેન્દ્ર મોદી અને અમિત શાહને છે અને તમામ પાસા ચકાસી ટીકીટ આપતા હોવાનું પણ ઉમેર્યુ હતું. સી.આર.પાટીલનું પ્રવચન શરૂ હતું તે દરમ્યાન મંચ પર બેઠેલા મોટાભાગના મંત્રીઓ, પ્રજાના પ્રતિનિધિઓ અને હોદ્દેદારો અંદરોઅંદર વાતોમાં અને મોબાઇલમાં વ્યસ્ત હતા. અને ખુદ જિલ્લા ભાજપના અધ્યક્ષ પણ મંચ પરથી નીચે ઉતરી કાર્યકરો સાથે ફોટા પડાવી કાર્યકરોની વચ્ચે બેસી ગયા હતા.

પાટીલના પ્રવચન પૂર્વે ભોજન માટે ચાલતી પકડી
ભાજપના પ્રદેશ અધ્યક્ષ રોડ શો બાદ જવાહર મેદાન ખાતે નિયત સમય કરતા મોડા આવતા કાર્યકરો પણ ડોમની અંદર ગરમીના અકળાયા હતા. તેમજ પાટીલના આગમન બાદ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાનું પ્રવચન શરૂ થતા પાટીલના પ્રવચનની પણ રાહ નહીં જોઈ કાર્યક્રમમાં આવવાનો એકમાત્ર ભોજનનો હેતુ હોય તેમ ચાલુ કાર્યક્રમે લોકોએ ભોજન સ્થળ તરફ ચાલતી પકડી હતી. હજારો કાર્યકરો ભોજન સ્થળે ભોજનની રાહ જોઈ ગોઠવાઈ ગયા હતા.

રત્ન કલાકારોની મેદની, દનૈયું ચડી ગયું
સંમેલનમાં પેજ સમિતિના સભ્યો સહિતના અપેક્ષિત હોય છે. પરંતુ રોડ-શો અને સંમેલનમાં મોટી સંખ્યામાં મેદની દેખાડવા હીરાના કારખાનાઓમાંથી રત્ન કલાકારોને બોલાવવામાં આવ્યા હતા. જેઓ સંમેલનમાં આવે તો એક દિવસનું દનૈયું પણ ચડે અને ભોજન પણ મળેની લાલચ આપી હોવાનું ખુદ રત્નકલાકારોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...