તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘અંધ’ તંત્રએ નેત્રહીનનો જીવ લીધો?:ભાવનગરની સર.ટી હોસ્પિટલમાં ‘મને પાણી પીવરાવો તરસ લાગી છે...’ કહેતા બન્ને આંખે અંધ વૃદ્ધનું મોત

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પાંચ દિવસમાં નારીગામના વૃદ્ધનું મૃત્યુ થયું
  • સર ટી.હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેતા દર્દી અંધ હોવાથી જાતે કંઈ કરી શકતા ના હતા

‘મને તરસ લાગી છે કોઈ પાણી અાપો.. ભૂખ લાગી છે કોઈ મને જમાડો..’ કદાચ આવી જ પરિસ્થિતિ સર ટી.હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન બન્ને આંખે અંધ નારી ગામના પ્રેમજીભાઇની થઈ હશે. દાખલ કર્યાના બે ત્રણ દિવસ બાદ તેમનો પુત્ર હોસ્પિટલની અંદર તેમના પિતા પાસે ગયો તો તેને પાણી અને જ્યુસ પીવરાવતા જાણે કેટલાય દિવસના તરસ્યા હોય તે રીતે પીતા જોઈ પુત્રનું હૃદય વ્યથિત થયું હતું. સિવિલ હોસ્પિટલમાં અંધ દર્દીને કોઈ પાણી પણ પીવરાવતું ના હતું ત્યારે જમાડવાની તો આશા જ રાખવી નિરર્થક છે. પરંતુ ચાર પાંચ દિવસની સારવારમાં તેમનું મૃત્યુ નીપજયું હતું.

સર ટી. હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેતા દર્દીઓની સાથે વીતેલા દર્દનાક દિવસો રુંવાડા ઉંચા કરી દે તેવા હોય છે. ભાવનગરના નારી ગામે રહેતા 75 વર્ષીય પ્રેમજીભાઈ હરિભાઈ ઘેલાણી છેલ્લા 12 વર્ષથી બંને આંખે અંધ થઈ જતા તેમના દીકરાઓ પિતાની સાર સંભાળ લેતા હતા. પરંતુ કોરોનાએ પ્રેમજીભાઈને પણ ના છોડ્યા. પ્રેમજીભાઈને કોરોનાએ લપેટમાં લેતા તેમને ગત 30મી એપ્રિલના સર ટી.માં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. બંને આંખે અંધ હોવાથી પ્રેમજીભાઈને હોસ્પિટલમાં મુશ્કેલી પડતી હતી.

પ્રેમજીભાઈના પુત્ર ભરતભાઈ ઘેલાણી વારંવાર રજૂઆતો કરવા છતાં તેમને હોસ્પિટલની અંદર જવા દેવામાં આવતા નહોતા. એનકેન પ્રકારે ભરતભાઈ તેમના પિતા પાસે હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારે જોયું કે તેમના પિતાને કોઈ પાણી પણ નહિ પીવડાવતા ગળુ સુકાઈ ગયેલું હતું. તેઓએ બહારથી મોકલાવેલા ફ્રુટ જ્યુસ પણ તેમના ટેબલ પર એમને એમ પડ્યા હતા. ભરતભાઈને તેમના પિતાની આવી દશા જોઈ હોસ્પિટલમાં જ આંખમાંથી આંસુઓ સરી પડયા હતા.

બંને આંખે અંધ હોવાથી તેમના પિતાને જો પાણી પણ કોઈ પીવડાવતા ન હોય તો જમાડવાની તો આશા જ નઠારી હતી. સર ટી. હોસ્પિટલના બિછાને રિબાતા પ્રેમજીભાઈ માટે તેમના પુત્રો બધું જ કરી છૂટવા તૈયાર હતા. પરંતુ પ્રેમજીભાઈનું ગણતરીના દિવસોમાં જ ગત 5મી મેના રોજ મૃત્યુ નીપજયું હતું. તેમના પુત્ર ભરતભાઈના કહેવા મુજબ મૃતદેહ સાથે આપેલા તેમના પિતાના સામાનમાંથી પણ બહારથી મોકલાવેલા જ્યુસ નીકળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...