55 શાળાના 25000 બાળકો અસુરક્ષિત:હું જ તમારો ચોકીદાર કહેનારના શાસનમાં મ્યુ.સરકારી શાળાઓમાં એક પણ ચોકીદાર નથી!

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં વારંવાર આવારા તત્વોની રંજાડ, દારૂ-જુગારની બદી હોવા છતાં સત્તાધીશો બાળકો અને શિક્ષકોની સુરક્ષાને લઈ બેદરકાર

કરોડો પ્રજાજનોની રખેવાળી માટે નરેન્દ્ર મોદીએ એક સમયે તેઓ ચોકીદાર હોવાનું કહ્યું હતું પરંતુ અહીં ભાવનગર શહેરની કોર્પોરેશનની 55 શાળામાં એક પણ ચોકીદાર નહીં હોવાને કારણે 25 હજાર બાળકો અને 630 શિક્ષકોમાં અસુરક્ષિત હોવાનો ભય છે. ભૂતકાળમાં સરકારી શાળાઓમાં ઘણા અનિચ્છનીય અને આવારા તત્વોની હેરાનગતિના બનાવો બનતા રહ્યા છે. તેમ છતાં શિક્ષણ સમિતિ કે કોર્પોરેશનના શાસકોને તસુ ભાર પણ ફેર પડતો ન હોય તેમ ચોકીદાર રાખવા માટે બજેટમાં પણ જોગવાઇ કરવામાં આવી નથી.

નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં બાળકોની સુરક્ષાને લઈ જરાય ગંભીરતા લેવામાં આવતી નથી. જર્જરિત શાળાઓને રીપેરીંગ કરવાનું હજુ માંડ શરૂ કર્યું. સરકારી સિવાયની શૈક્ષણિક સંસ્થાઓમાં ફાયર સેફટીને લઇ સીલ મારવા સુધીની પણ કાર્યવાહી કરાઈ છે.

જ્યારે કોર્પોરેશનની શાળાઓમાં હજુ હવે સિસ્ટમ ગોઠવવામાં આવી છે. તેવી જ રીતે સીસીટીવી કેમેરામાં પણ કોર્પોરેશન વર્ષોથી વિચાર કરતું રહ્યું અને શિક્ષકો દ્વારા જ શાળાઓમાં ચાર ચાર કેમેરા લગાવી દીધા. તેમ છતાં આજે પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 55 શાળાઓમાં ચોકીદાર નહીં હોવાને કારણે 25 હજાર જેટલા બાળકો અસુરક્ષિત છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વર્ષ 2022-23નું રૂ.129.56 કરોડનું બજેટ તૈયાર કર્યુ પરંતુ આ બજેટમાં બાળકોની સુરક્ષા માટે શાળાઓમાં ચોકીદારની નિમણૂક કરવા કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. શાળાઓમાં ચોકીદાર હોવાથી આવારા તત્વોનો ત્રાસ તો દૂર થાય પરંતુ બાળકોને પણ સુરક્ષિત હોવાનો અહેસાસ થાય.

ગત ટર્મમાં કોંગ્રેસના શિક્ષણ સમિતિના સભ્યો દ્વારા ડીએસપીને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. શિક્ષણ સમિતિની ઘણી શાળાઓમાં ભૂતકાળમાં અનેક અનિચ્છનીય બનાવો એવા બન્યા છે કે જો ચોકીદાર હોય તો તે બનાવોને બનતા અટકાવી શક્યા હોત. પરંતુ હજુ પણ શિક્ષણ સમિતિ કે કોર્પોરેશનના શાસકોની આંખ ઉઘડતી નથી.

ચોકીદારની જોગવાઈ નથી
શિક્ષણ સમિતિની શાળાઓમાં ચોકીદાર માટે કોઈ જોગવાઈ નથી. પરંતુ શાળા આસપાસ રહેતા લોકોએ જ પોતાની નૈતિક ફરજ સમજી આવારા તત્વોને ડામી દેવા જરૂરી છે. લોકજાગૃતિને કારણે શાળામાં બાળકો અને શિક્ષકો સુરક્ષિત રહી શકશે. બજેટમાં પણ જોગવાઇ કરાઈ નથી. - શિશિર ત્રિવેદી, ચેરમેન, શિક્ષણ સમિતિ

શાળામાં સુરક્ષાનો પ્રશ્ન
શિક્ષણ સમિતિની કોઈપણ શાળામાં ચોકીદાર નથી. બજેટમાં જોગવાઈ પણ કરી નથી. વારંવાર શાળામાં સુરક્ષાના પ્રશ્નો રહે છે. - યોગેશ ભટ્ટ, શાસનાધિકારી

શાળાઓમાં બાળકો અને શિક્ષકો અસુરક્ષિત હોવાના આ રહ્યા પુરાવા
કિસ્સો 1 શાળાની અગાસીમાં જુગારની ના પાડતા આચાર્ય સાથે મારઝુડ
શિક્ષણ સમિતિની કુંભારવાડા મીલની ચાલી વિસ્તારમાં આવેલી શાળા નં. 48ની અગાસી પર શાળાનો જ ભૂતપૂર્વ છાત્ર દારૂ અને જુગાર રમતો હતો. જેને ના પાડતા દારૂના નશામાં ધુત શિક્ષિકાઓને ઉઠાવી જવાની અને વચ્ચે પડતા મુખ્ય શિક્ષકને માર મારી છરી પીચકાવી દેવાની ધમકી આપી હતી. તત્કાલીન સમયે શિક્ષક સંઘ દ્વારા પણ પોલીસ રક્ષણની માંગ સાથે સતત બે દિવસ શાળામાં શિક્ષકોને પ્રોટેક્શન આપ્યું હતું.

કિસ્સો 2 શાળાની પ્રિમાઈસીસમાં દારૂની મહેફિલો
દીપક ચોક ખાતે આવેલી શાળા નંબર 18 19 માં દિવસ આથમ્યા બાદ રોજબરોજ દારૂની મહેફિલો જામતી હોય છે. શાળાના પ્રિમાઈસીસમાં દારૂની બોટલો પડેલી હોય છે. તેવી રીતે કુંભારવાડા સર્કલની શાળા નં 1-2માં વારંવાર દારૂ અને જુગારની બદીનો ત્રાસ હોય છે.

કિસ્સો 3 શિક્ષણના ચેરમેનની ગાડીની પણ તોડફોડ
નવાપરા ખાતે આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરીમાં શિક્ષણ સમિતિના ચેરમેનની કાર પાર્કિંગ કરી રાખી હતી. જે દરમિયાન રાત્રિના સમયે અજાણ્યા શખ્સો દ્વારા કારને નુકસાન પહોંચાડવાના હેતુસર તેના કાચ ફોડી નાખ્યા હતા.

કિસ્સો ​​​​​​​4 શાળાના બારણા તોડી ક્રિકેટના સાધનોની ચોરી
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરી સામે નવાપરા ખાતે આવેલી શાળા નંબર 30 માં શાળાના બારણાઓ તોડીને આવારા તત્વો દ્વારા શાળામાં રાખેલા ક્રિકેટના સાધનોની પણ ચોરી કરી હતી જે સંદર્ભે પોલીસમાં પણ જાણ કરાઇ હતી.

​​​​​​​કિસ્સો ​​​​​​​5 શાળાઓમાં વારંવાર તોડફોડ
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની છેવાડે આવેલી શાળાઓમાં વારંવાર તોડફોડની ફરિયાદો થતી રહે છે. કૃષ્ણપરા ગૌશાળામાં આવેલી શાળામાં આવારા તત્વોની રંજાડ હોય છે. તેમજ કરચલીયાપરા ભૂતા રૂગનાથ શાળા નંબર 11 12 માં શાળામાં તોડફોડ કરી ચોરીનો પ્રયાસ કર્યો હતો પરંતુ આવારા તત્વોને કંઈ મળ્યું ન હતું.

​​​​​​​કિસ્સો ​​​​​​​6 શાળાના તાળાઓમાં કોન્ડોમ લગાવી દીધા
શહેરના શહેરના ભરતનગર વર્ધમાન નગર ખાતે આવેલી શિક્ષણ સમિતિની શાળામાં મધરાતે અથવા વહેલી સવારે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા શાળાના શાળામાં કોન્ડોમ લગાવી દીધા હતા. જેથી શાળાના શિક્ષકો તાળા પણ ખોલી શક્યા ન હતા. જોકે શિક્ષણ સમિતિના તત્કાલીન સભ્ય દ્વારા તાળા પરથી કોન્ડોમ હટાવી શાળાને ખુલ્લી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...