અત્યારે વેકેશનનો સમય ચાલી રહ્યો છે. વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓને અલગ-અલગ પ્રકારના હોમવર્કથી માંડીને સમર કેમ્પનું આયોજન હોય છે. પરંતુ તે પરિસ્થિતિ વચ્ચે સ્વામિનારાયણ ગુરુકુળ, સરદારનગર દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને અનોખું હોમવર્ક આપવામાં આવ્યું છે. જેમાં જીવન ઘડતર સાથે જોડાયેલી બાબતોને ખાસ વણી લેવામાં આવી છે. સંચાલક કે પી સ્વામીએ જણાવ્યું કે, બાળકોને ધૂળમાં રમવાથી માંડીને દાદા-દાદી સાથે બેસવું અને પોતાની થાળી સાફ કરવા જેવું ગૃહકાર્ય વેકેશન દરમિયાન આપવામાં આવ્યું છે.
દિવસમાં ઓછામાં ઓછું બે વખત તેની સાથે જમજો અને તેઓને ખેડૂતની સખત મહેનત વિષે માહિતી આપજો અને અનાજ નો બગાડ ના કરાય તે પ્રેમથી સમજાવજો.પોતાની થાળી પોતે જ સાફ કરે તેવો આગ્રહ રાખજો જેથી તે શ્રમ નું મહત્ત્વ સમજે.તેમને રસોઈ કામમાં મદદરૂપ થવા દેજો અને પોતાના માટે સાદું શાકભાજીનું કાચું સલાડ બનાવવા દેજો. તેમને દરરોજ ગુજરાતી, हिन्दी અને Englishના નવા 5 શબ્દો શીખવજો અને તેની નોંધ કરાવજો. તેને પાડોશીને ઘરે રમવા જવા દેજો અને તેની સાથે સારા સંબંધો વિકસાવવા દેજો.
જો દાદા દાદી દૂર રહેતા હોય તો તેમની સાથે સમય વિતાવવા દેજો તેને તમારા વ્યવસાયની જગ્યા એ લઈ જજો અને તેની ખાતરી કરાવજો કે પરિવાર માટે તમો કેટલો પરિશ્રમ કરો છો. તેઓ ને સ્થાનિક તહેવારો મોજ થી ઉજવવા દેજો અને તેઓ ને તેનું મહત્વ પણ સમજાવજો.તેને તમો એક વૃક્ષ ફરજિયાત વાવવા કહેજો અને તેનું મહત્વ સમજાવજો.
તમારા બાળપણ ના કિસ્સા ઓ અને કુટુંબ ના થોડા ઇતિહાસ અને સારા ગુણો વિશે વાત કરજો.તેને ધૂળ માં રમવા દેજો જેથી તેની માતૃભૂમિની ધૂળ નું મહત્વ સમજે. મોબાઈલ તો આપતા જ નહીં ફરજિયાત તેને નવી નવી રમતો શીખવો. ઘરના દરેક સભ્યનું મહત્વ કેટલું એ સતત તેને અનુભવ કરવા દો.
જીવનમાં કરકસરનું મુલ્ય સમજાવજો
તેને નવાં નવાં મિત્રો બનાવવાની તક આપજો બની શકે તો હોસ્પિટલ અને અનાથાશ્રમની મુલાકાતે લઈ જજો. તેને કરકસરનું મહત્વ સમજાવજો. મોબાઈલ અને આધુનિક ટેકનોલોજીની માહિતી આપજો અને સાથે સાથે તેની દૂષણથી પણ માહિતગાર કરો
વેકેશનમાં રોજ એક શ્રેષ્ઠ વ્યક્તિ વિશે કહો
મામા કે ફઇના ઘરે જરુર મોકલો ટીવીની જગ્યાએ જીવરામ જોશીની કે અન્ય બાળવાર્તા ની બુક્સ ફરજિયાત વંચાવો. તમોએ જયા તમારું બાળપણ ગુજાર્યું ત્યાં લઈ જાવ અને તમારા અનુભવો જણાવો. રોજ સાંજે એક મુલ્યલક્ષી વાર્તા કહો બની શકે તો આપણી સંસ્કૃતિથી વાકેફ કરો રોજ એક શ્રેષ્ઠ વ્યક્તિ વિશે વાત કરો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.