ભાવનગર શહેરમાં આજે રાત્રે 8.30 કલાક બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને સાઇક્લોનિક સર્ક્યુલેશન હેઠળ શહેરમાં વીજળીના કડાકાભડાકા શરૂ થયા બાદ શહેરમાં અનરાધાર વરસાદ ત્રાટક્યો હતો. માત્ર એક કલાકમાં તોફાની પવન અને વીજ વર્ગજના અને ચમકારા સાથે બે ઇંચ વરસાદ ખાબકી જતાં શહેરમાં ઠેર ઠેર ગોઠણસમા પાણી ભરાઈ ગયાં હતાં. બીજી બાજુ, રાત્રે વીજળી ડૂલ થઈ જતાં રસ્તા પર નીકળેલા વાહનચાલકો અને રાહદારીઓ ખૂબ પરેશાન થયા હતા.
આ વરસાદે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ક્ષતિ ખુલ્લી પાડી દીધી હતી. અડધા શહેરમાં મોડી રાત સુધી વીજળીનો પુરવઠો ખોરવાયેલો રહેતા સાથે માર્ગોમાં ઠેર ઠેર મોટા મોટા ખાડા હોય બહાર નીકળેલાને ઘરે પહોંચવામાં ભારે હાડમારી ભોગવવી પડી હતી. ભાવનગર શહેરમાં તોફાની પવન સાથે મિની વાવાઝોડું હોય તેમ માત્ર એક કલાકના સમયગાળા દરમિયાન 2 ઇંચ વરસાદ ખાબકી જતા વીજળી ડૂલ થઇ ગઇ હતી. ભાવનગર શહેરમાં રવિવારની જેમ આજે પણ દિવસભર વરસાદના કોઇ એંધાણ ન હતા પણ રાત્રે 8.30 બાદ વાતાવરણ પલટાયું હતું અને સૂપડાધારે બે ઇંચ વરસાદ વરસી ગયો હતો.
શહેરમાં નવા માર્ગ થયા છે ત્યાં મોટા મોટા ખાડા પડી ગયા હોય તેમાં આ વરસાદનું પાણી ભરાઈ ગયું હતું અને સાથે ક્યાંક વીજપુરવઠો ન હોય, વાહન ચલાવવા અને રાહદારીઓને ચાલવું રાત્રે 8.45થી 9.45 દરમિયાન એક કલાક સુધી મુશ્કેલ થઇ ગયું હતુ. આજના 55 મી.મી. વરસાદ સાથે શહેરમાં આ સીઝનમાં કુલ વરસાદ 792 મી.મી. થઇ ગયો છે. જે સીઝનના કુલ વરસાદ 720 મી.મી.ના 110 ટકા થઇ ગયો છે. હવે વધારે વરસાદ શહેર માટે ફાયદાથી નુકસાનકારક વધુ સાબિત થઇ રહ્યો છે.
ભાવનગર શહેર ઉપરાંત આજે મહુવામાં પણ રાતના સમયે બે ઇંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે ઘોઘામાં 29 મી.મી. વરસાદ રાત્રે નોંધાયો હતો. જિલ્લામાં હવે ધરતીપુત્રો મેઘરાજા ખમૈયા કરે અને ચાર-પાંચ દિવસ સતત સૂર્યપ્રકાશ ખિલેલો રહે તેવી પ્રાર્થના કરી રહ્યાં છે. ભાદરવા માસના આ વર્ષે સતત વરસાદ વરસતો રહ્યો છે. ગુંદરણામાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત વલભીપુરમાં 22 મી.મી., પાલિતાણામાં 23 મી.મી., જેસરમાં 18 મી.મી., તળાજામાં 14 મી.મી, સિહોરમાં 13 મી.મી.,ઉમરાળામાં 12 મી.મી., ગારીયાધારમાં 6 મી.મી. વરસાદ રાત્રે નોંધાયો હતો.
રાતે બે વાગ્યા સુધી અતિભારે વરસાદની આગાહી
ભાવનગર શહેરમાં વીજળીના ગડગડાટ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. સાંજે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને થોડીવારમાં જ તીવ્ર ગતિમાં પવન સાથે વાવાઝોડું ફૂંકાયું હતું. સાથે જ ગાજવીજ સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. ભાવનગર શહેરના મોટા-ભાગના વિસ્તારોમાં વરસાદ શરૂ થતાં જ વીજળી ગુલ થઇ ગઈ હતી. હવામાન વિભાગે મોડી સાંજે આગાહી કરી હતી કે, રાતના બે વાગ્યા સુધી રાજ્યના સુરત, નવસારી, ભાવનગર, વલસાડ, ડાંગ, પંચમહાલ, અમરેલી, આણંદ અને રાજકોટમાં અતિભારે વરસાદ થવાની સંભાવના છે.
શેત્રુંજી ડેમના 10 દરવાજા ખુલ્લા
શેત્રુંજી ડેમમાં સવારે 15 દરવાજા ખોલવામાં આવ્યાં હતા અને બપોરે પાણીની આવક વધતા ડેમના 30 દરવાજા ખોલાયા પણ પાણીની આવક ઘટીને 940 ક્યૂસેક થઇ જતા 10 દરવાજા કરવામાં આવ્યાં હતા.
શા માટે સપ્ટેમ્બરમાં સતત વરસાદ ?
લૉ પ્રેશરમાં થતા ફેરાફારોને કારણે વરસાદની મંથલી પેટર્નમાં ફેરફારો જોવા મળે છે. આ વખતે સપ્ટેમ્બરમાં લૉ પ્રેશર સિસ્ટમ બનીને ગુજરાત તરફ આવી હતી જેના કારણે આ મહિને સારો વરસાદ થયો છે.
શહેરની શેરીઓમાં નદીઓ વહેતી થઇ...
આજે રાત્રે બે ઇંચ વરસાદ ખાબકી જતા શહેરની નાની-નાની શેરીઓમાં પાણીની જાવકની વ્યવસ્થા પૂરતી ન હોય ત્યાં નદીઓની જેમ પાણી વહેતા થઇ ગયા હતા અને નીચાણવાળા વિસ્તારો રેલવે સ્ટેશન રોડ, લોખંડ બજાર, કણબીવાડ, મામા કોઠા રોડ, આનંદનગર, ખેડૂતવાસ સહિતના વિસ્તારોમાં ગોઠણસમા પાણી મોડી રાત સુધી રહ્યાં હતા. સોસાયટી વિસ્તારમાં તો કેટલાક ઘરોમાં પાણી ઘુસી ગયા હતા.
બે દિવસ ભારે ભારે વરસાદની આગાહી
'ગુલાબ' નામનું ચક્રવાતી વાવાઝોડું ઓરિસ્સાના સાગરકાંઠે બે દિવસ પહેલા ટકરાયા બાદ નબળું પડ્યું હતું. જો કે ચક્રવાતની અસર હેઠળ મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાનના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
ભાવનગર જિલ્લામાં તા.29 અને 30 સપ્ટેમ્બર, બુધવાર અને ગુરૂવાર, બે દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જતા શહેરની નાની-નાની શેરીઓમાં પાણીની જાવકની વ્યવસ્થા પૂરતી ન હોય ત્યાં નદીઓની જેમ પાણી વહેતા થઇ ગયા હતા અને નીચાણવાળા વિસ્તારો રેલવે સ્ટેશન રોડ, લોખંડ બજાર, કણબીવાડ, મામા કોઠા રોડ, આનંદનગર, ખેડૂતવાસ સહિતના વિસ્તારોમાં ગોઠણસમા પાણી મોડી રાત સુધી રહ્યાં હતા. સોસાયટી વિસ્તારમાં તો કેટલાક ઘરોમાં પાણી ઘુસી ગયા હતા.
ચાર તાલુકામાં 100 ટકાથી વધુ વરસાદ | |||
તાલુકો | કુલ વરસાદ | આ વર્ષે વરસાદ | ટકાવારી |
ભાવનગર | 720 મી.મી. | 798 મી.મી. | 110.83 ટકા |
મહુવા | 630 મી.મી. | 758 મી.મી. | 120.32 ટકા |
ઘોઘા | 616 મી.મી. | 707 મી.મી. | 114.87 ટકા |
ગારિયાધાર | 457 મી.મી. | 482 મી.મી. | 105.47 ટકા |
શહેરમાં બે સ્થળોએ વીજળી પડી
આજે રાત્રે તોફાની પવન સાથે વરસાદ દરમિયાન ભાવનગર શહેરમાં આનંદનગર વિસ્તારમાં વીમાના દવાખાના નજીક વીજળી પડી હતી. જ્યારે તળાજા રોડ પર એક ઇલે. થાંભલો પડ્યો હતો. જ્યારે અન્ય એક બનાવમાં ભાવનગરના સુભાષનગર પંચવટી ચોક રાધે શ્યામ ફ્લેટમાં વીજળી પડી અને ઘરના.પતરા તોડી નાખ્યા હતા સાથે દિવાલમાં તિરોડો પડી ગઇ હતી. જો કે સદભાગ્યે કોઈ વ્યક્તિને ઇજા થઇ ન હતી.
.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.