રાજ્યની સાથોસાથ ભાવનગરમાં પણ છેલ્લા બે દિવસથી અલગ-અલગ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં વરસી રહ્યા છે. ત્યારે આજરોજ સિહોર તાલુકાના ગામડાઓમાં તેમજ ભાવનગર શહેરના કાળીયાબિડ વિસ્તારમાં વરસાદી ઝાપટાં વરસ્યા હતાં.
આ વર્ષે ચોમાસાની શરૂઆત મેઘરાજા કંઈક અલગ જ રીતે કરવા ઈચ્છતાં હોય તેવું હાલના વિચિત્ર માહોલ પરથી લાગી રહ્યું છે. દર વર્ષે ચોમાસાની શરૂઆત "માંડી મેહ" એટલે કે સાર્વત્રિક વરસાદ સાથે થતી હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસાના સમાપન સમયે થતી ખંડવૃષ્ટિની માફક શરૂઆત થઈ રહી છે. ગત મંગળવારે અમરેલી જિલ્લાના કેટલાક તાલુકા-ગામડાઓમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા વરસ્યા હતા. ત્યારે હાલ મેઘરાજા ભાવનગર જિલ્લાની સરહદે આવેલા તાલુકા-ગામડાઓને આવનાર ચોમાસાની આછેરી ઝલક બતાવી અંતર્ધ્યાન થયા હતા.
આજરોજ બુધવારે ઢળતી સાંજે શહેરના કાળીયાબિડ, તળાજા, જકાતનાકા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટું વરસ્યું હતું. પરિણામે ગણતરીની મિનિટમાં રોડપર પાણી વહેતા થયા હતા. જયારે સિહોર તાલુકામાં ગાજવીજ સાથે વરસાદે એન્ટ્રી કરતાં લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી હતી. જોકે, ભાવનગર શહેર તથા સિહોર તાલુકામાં વરસાદ સાથે પવનની ઝડપ પણ વધારે હોવાનાં કારણે માત્ર વરસાદી ઝાપટા જ જોવા મળ્યાં હતા અને થોડી જ વારમાં વરસાદી માહોલ વિખરાઈ ગયો હતો.
સિહોર તાલુકાના ખારી ગામમાં સગીર પર વિજળી પડી હતી. જેથી યુવાનને તાત્કાલિક સિહોર હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યા ફરજ પરના ડોક્ટર દ્વારા તપાસ કરી મૃત જાહેર કરતા પરીવાર પર આભ તુટી પડયુ હતું. માતા-પિતાના રૂદનથી અન્ય લોકોની આંખો ભીજાઈ હતી. તેમજ સિહોરની સરકારી હોસ્પિટલ ખાતે લોકોના ટોળા ઉમટયા હતા.
આ ઘટનાને લઈ પરિવાર પાસેથી પ્રાપ્ત વિગત મુજબ અમુલ લીંબાભાઈ મકવાણા ઉમર વર્ષ 17 તેઓ અને પરીવાર વાડીએ મજૂરી કામ કરતા હતા. આ દરમિયાન અચાનક વીજળી ત્રાટકી હતી. વાડીમા બાજરીની કડબ ફેરવતા હતા ત્યારે વિજળી ત્રાટકતા તમામ કડબ ઘાસ ચારો પણ સળગી ઉઠયો હતો. અમુલભાઈ લીંબાભાઈ મકવાણા ધોરણ 10મા અભ્યાસ કરતો હતો અને પરિણામ પણ સારૂ લાવ્યો હતો. તેઓ અને સુજલ ભાઈ એમ બે ભાઈઓ અને એક બહેન તેમજ માતા-પિતા સહિત પરીવાર સાથે રહેતા હતા. તેમનો પરિવાર ગરીબ મધ્યમવર્ગીય હોવાનું જાણવા મળ્યું છે. ઘટના બનતા આસપાસના લોકો તેમજ કોળી સમાજ સહિત સમાજના આગેવાનો દોડી ગયા હતા અને પોલીસ સ્ટાફ પણ દોડી જઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.