વરસાદ:મહુવાના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ : ભાદ્રોડી નદી બે કાંઠે

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર શહેર અને જિલ્લામાં હવે વરસાદનું જોર નબળું પડ્યું છે. જોકે આજે મહુવાના ગ્રામ્ય પંથકના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો તો તળાજામાં પણ હળવા-ભારે ઝાપટા વરસ્યા હતા.

ભાવનગર જિલ્લામાં એક દિવસના ટૂંકા વિરામ બાદ આજે મહુવાના કંટાસર, ગળથર, ખારી, બેલમપર, ખાટસુરા સહિતના આસપાસના ગામોમાં ભારે વરસાદ પડ્યો હતો આ ભારે વરસાદથી ભાદ્રોડી નદીમાં ઘોડાપુર આવ્યા હતા. તળાજામાં પણ આજે મેઘરાજાએ પુન: હાજરી પુરાવી હતી અને 6 મી.મી. વરસાદ વરસતા તળાજામાં આ ચોમાસામાં સિઝનમાં કુલ વરસાદ 439 મી.મી. થયો છે જે કુલ વાર્ષિક વરસાદ 576 મી.મી.ના 76.22 ટકા થાય છે. ભાવનગર જિલ્લામાં આ સિઝનમાં કુલ વરસાદ 636 મી.મી. થયો છે જે સિઝનના કુલ વરસાદ 606 મી.મી.ના 105.11 ટકા થયો છે.

ગુંદરણાની ખારો નદી બે કાંઠે વહેવા લાગી
મહુવા તાલુકાના ગુંદરણા પંથકમાં મેઘરાજાની બે દિવસની વરાપ બાદ ગુંદરણાની ખારો નદીમાં ઉપરવાસમા વરસાદના કારણે ઘોડાપૂર આવ્યુ આવતા ખારો નદી બે કાંઠે વહેવા લાગી હતી.ગુંદરણા પંથકમાં ખેડૂતો માટે હવે મેઘ મહેર નહીં પરંતુ મેઘ કહેર જેવી સ્થિતિ સર્જાઇ છે.છેલ્લા ત્રણ ચાર દિવસથી ગુંદરણા અને આજુબાજુના ગામોમાં ભારે વરસાદ વરસતા નદી-નાળા છલકાયા છે.

સેંદરડા ગામે વીજળી પડતા 3 ભેંસોના મોત
મહુવાના સેદરડા ગામના કડિયાળી વાડી વિસ્તારમાં રહેતા વિક્રમસિંહ અરજણભાઈ પઢિયારના ઘરે આજે બપોરના 2.20 વાગ્યા આસપાસ પશુઓ રાખવાના ઢાળિયા પર અચાનક વિજળી પડતા ત્યાં રહેલી ત્રણ ભેંસોના મોત થયાં હતા. બનાવની જાણ થતા ગામના સરપંચ સહિત આગેવાનો દોડી ગયા હતા.

હમીરપરા અને ખારો ડેમના દરવાજા ખોલાયા
ભાવનગર જિલ્લામાં આજે હમીરપરા ડેમમાં ઉપરવાસના જળસ્ત્રાવ ક્ષેત્રમાંથી પાણીની ખાવક વધતા તળાજાના આ ડેમના 3 દરવાજા ખોલાયા હતા અને 3356 ક્યૂસેક પાણીની આવન-જાનવ શરૂ હતી. જો કે બાદમાં ઉપરવાસમાંથી પાણીની આવક બંધ થતા સાંજે દરવાજા બંધ કરાયા હતા. જ્યારે પાલિતાણાના ખારો ડેમના 3 દરવાજા 0.30 મીટર ખોલવામાં અવ્યા હતા અને આ જળાશયમાં સાંજે 516 ક્યૂસેક પાણીની આવનજાવન શરૂ હતી.

અન્ય સમાચારો પણ છે...