હવામાન:ભાવનગર શહેરમાં 33.3 ડિગ્રીએ કારતકમાં ભાદરવા જેવી ગરમી

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં શિયાળો જામતો નથી, રાત્રે લઘુત્તમ ઉષ્ણતામાન પણ વધીને 24.8 ડિગ્રીને આંબ્યુ

ભાવનગર શહેરમાં કારતક માસના મધ્ય ભાગ વિતી ગયા બાદ પણ ભાદરવા જેવી ગરમી અનુભવાઇ રહી છે. શહેરમાં રોજેરોજ તાપમાન ઘટવાને બદલે વધી રહ્યું છે.! ભાવનગર શહેરમાં આજે મહત્તમ તાપમાન વધીને 33.3 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાનનો પારો પણ વધીને 24.8 ડિગ્રી સેન્ટીગ્રેડજે આંબી ગયો હતો.તો શહેરમાં પવનની ઝડપ ઘટીને 6 કિલોમીટર થઇ ગઇ હતી.

ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 32.3 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ તે આજે એક ડિગ્રી વધીને 33.3 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. જેથી બપોરે પંખા અને એસી ફરતા થઇ ગયા હતા.લગ્ન સમારોહમાં પણ આ ગરમી અકળાવનારી બની રહે છે. શહેરમાં 24 કલાક અગાઉ લઘુત્તમ ઉષ્ણતામાન 24.1 ડિગ્રી હતુ તે આજે વધીને 24.8 ડિગ્રી સેન્ટીગ્રેડના આંકને આંબી ગયું હતુ. તો શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ ગઇ કાલે 64 ટકા હતુ તે આજે ઘટીને 56 ટકા થઇ ગયું હતુ. જ્યારે પવનની ઝડપ ગઇ કાલે વધીને 16 કિલોમીટર થઇ ગયેલી પે આજે ઘટીને 6 કિલોમીટર નોંધાઇ હતી.

9 દિવસમાં રાત્રે તાપમાન 7.8 ડિગ્રી વધ્યું
ભાવનગર શહેરમાં તાપમાન ઘટવાને બદલે સતત વધી રહ્યું છે. શહેરમાં ગત તા.13 નવેમ્બરે લઘુત્તમ ઉષ્ણતામાન ઘટીને 17 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયેલું તે આજે 9 દિવસના સમયગળામાં 7.8 ડિગ્રી વધીને 24.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા શિયાળાના બદલે ભાદરવા જેવો અનુભવ થઈ રહ્યો છે.

પીંગળી ગામે કમોસમી વરસાદથી પાકને નુકસાન
પીંગળી ગામે અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો હતો. જેને કારણે પીંગળી ગામના ધરતીપુત્રોમાં ઘેરી ચિંતા વ્યાપી હતી. કમોસમી વરસાદને કારણે કપાસ, મગફળી સહિતના પાકને વ્યાપક નુકસાન થયું છે. આ વરસાદ ધરતીપુત્રો માટે પડયા ઉપર પાટુ સમાન છે.

અન્ય સમાચારો પણ છે...