તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવનગરમાં રહેવાના પાંચ મુખ્ય કારણો:સરળતા અને સોંઘવારીની સાથે આરોગ્ય, શિક્ષણ અને કાયદો વ્યવસ્થા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાંત અને સરળ ગણાતા ભાવનગરમાં મોંઘવારીના યુગમાં પણ મધ્યમવર્ગીય પરિવાર રૂા.20 હજારમાં ઘર ચલાવી શકે છે

સરળ જિંદગી
કલા, સંસ્કૃતિ અને સાહિત્યની નગર ગણાતા ભાવનગરમાં અન્ય મહાનગરોની તુલનામાં જનજીવન શાંત અને સરળ છે. આ શહેરની આબોહવા જ કંઇક એવી છે કે અહીંના લોકો તમામ પ્રકારની અતિશયોક્તિથી દુર જ રહે છે. રોટી, કપડા ઔર મકાન હોય એટલે ભયો ભયો એ આ મહાનગરની ખાસિયત છે. વળી અન્ય મહાનગરોની તુલનામાં ભાવનગરમાં બહારના લોકો ઓછા રહેતા હોય મૂળ ભાવેણાની સંસ્કૃતિની સોડમ સચવાઇ રહી છે. લોકોને કોઇ મોટો ફેરફાર ગમતો ન હોય તેવું લાગે.

સોંઘવારી
મહાનગરો અને મોંઘવારી એ એક જ સિક્કાની બે બાજુ ગણાય છે. પણ ભાવનગરની વાત નિરાળી છે. આ શહેરમાં તમે રૂા.100માં બે ટંક પેટ ભરીને ભોજન મેળવી શકો છો. ખાણીપીણી જ નહીં પણ ભાવનગરની લાઇફ સ્ટાઇલ એવી છે કે તમારે ચાર સભ્યોનો પરિવાર ચલાવવા રૂા.20 હજાર હોય તો ચાલે પણ અન્ય મહાનગરોમાં રૂા.40 હજાર તો જોઇએ. બહારના મહાનગરોમાંથી ભાવનગર આવેલાને આ શહેરની સોંઘવારી અચૂક આકર્ષે છે. ઘરભાડા પણ સુરત, અમદાવાદ કે રાજકોટથી ઓછા છે.

આરોગ્ય સેવા
21મી સદીમાં હવે માનવી માટે રોટી, કપડા ઔર મકાનની સાથે શિક્ષણ અને આરોગ્ય પણ આવશ્યક ખર્ચમાં વણાઇ ગયા છે. કોઇ પણ પરિવારને આજે અમદાવાદ, સુરત જેવા શહેરોમાં સાદા રોગમાં પણ તબીબી તપાસ અને દવાઓનો એક ટાઇમનો ખર્ચ રૂા.1500 કે તેનાથી વધુ આવે છે. જ્યારે ભાવનગર શહેરમાં આ ખર્ચ રૂા.500થી 700માં પતી જાય છે. કેટલાય સેવાભાવી તબીબો તો આજે પણ એવા છે કે રૂા.20થી રૂા.50માં દર્દીને તપાસી બે ટાઇમની દવા પણ આપે છે. કોર્પોરેટ હોસ્પિટલોનો ખર્ચ પણ ભાવનગરમાં ઓછો છે.

શિક્ષણ સેવા
આજે મધ્યમ વર્ગમાં પરિવાર માટે ખર્ચમાં વધારો કરતું કોઇ મોટુ અને મુખ્ય પરિબળ હોય તો તે શિક્ષણ છે. બે સંતાન હોય તો મહાનગરમાં ભણતર અને ટ્યુશન વિ.નો ખર્ચ 7 હજાર જેટલો આવતો હોય છે. ,પણ ભાવનગર એવું મહાનગર છે જ્યાં મહિને બે સંતાનનો ખાનગી શાળામાં ભણાવાનો અને ટ્યૂશનનો ખર્ચ રૂા.3 હજાર જેવો આવે છે. શિક્ષણમાં પ્રાથમિકથી લઇને કોલેજ કક્ષા સુધીનું શિક્ષણ અન્ય મહાનગરોની જેવું જ હોવા છતાં ખર્ચ ઓછો છે. શિક્ષણ ક્ષેત્રે અભિનવ પ્રયોગો પણ થયા છે અને તેનો સ્વીકાર રાષ્ટ્રીય કક્ષાએ થયેલો છે.

.કાયદો-વ્યવસ્થા
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અન્ય મહાનગરોની તુલનામાં સારી છે. આ નગર શાંત છે. ભાગ્યે જ કોમી રમખાણ, ગોળીબાર, ખૂન જેવા બનાવો પ્રમાણમાં ઓછા થાય છે. અમુક ચોક્કસ વિસ્તારોને બાદ કરો તો એવા કેટલાય સ્થળો છે જ્યાં ચોરી, લૂટ, ધાડ, ખૂન જેવા બનાવ ભાગ્યે જ બન્યા છે. અમદાવાદ, સુરત જેવા મહાનગરોમાં ડ્રગ્સના બંધાણી વધતા જાય છે તેની તુલનામાં ભાવનગરની સ્થિતિ ઘણી સારી છે. જેથી યુવાનો માટે પણ ભાવનગર સારૂ સ્થળ છે. આ શહેરમાં રાત્રે પણ યુવતીઓએ નિર્ભિકતાથી હરીફરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...