કુંભારવાડમાં કેટલાક માથાભારે માણસો છેલ્લા ઘણા સમયથી ગુંડારાજ ચલાવી રહ્યા છે. આ વિસ્તારમાં આવેલા શ્રમજીવીઓની લારી, ગલ્લામાંથી મફતનું ખાવાનું લેવું, ખંડણી-ઉઘરાણી જેવા કૃત્યો બાદ તાજેતરમાં દારૂના નશામાં ધૂત બની મોટા પાયે તોડફોડ કરતા લોકોમાં ભયનું વાતાવરણ વ્યાપેલ છે. પોલીસે આ અંગે બે શખ્સોની અટક કરી હતી પણ લોકોમાં પ્રશ્ર્ન પૂછાય કુંભારવાડામાં સરકારનું રાજ છે કે ગુંડાઓનું?
કુંભારવાડાના પીપર ચોક તથા સમગ્ર કુંભારવાડા વિસ્તારમાં છેલ્લા ઘણા સયમથી જાણે પોલીસનો કંઇ ડર ન હોય અને માથાભારે શખ્સો દ્વારા પોતાનું સ્થાન જમાવવાના આશયથી વિસ્તારમાં આવેલ ખાણી-પીણીની જુદી-જુદી લારીઓ સરાજાહેર ઊંધી નાખી, જાહેરમાં તલવાર, ધોકા-પાઇપ કાઢી મારમારી સામાન્ય માણસોમાં ખૌફ ફેલાવી કાયદાનો ભંગ કરી રહ્યા છે.
પોલીસે આ અંગે આરોપીઓની શોધખોળ કરી ચાર શખ્સો પૈકી બે શખ્સ હારૂન કટીયા અને ઇક્બાલ ઉર્ફે ચીનની ધરપકડ કરી છે. હાલના સમયે પોલીસે નાઇટ પેટ્રોલીંગ અને અટકાયતી પગલાં લીધા છે. કોંગ્રેસના મહિલા અગ્રણી દર્શનાબેન જોશીને આ અંગેની ખબર પડતાં તેઓ કુંભારવાડાના પીડિતોને સાથે લઇ જિલ્લા પોલીસ વડાને રૂબરૂ મળી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતીનો તાગ મેળવી યોગ્ય પગલાં લેવા રજૂઆત કરી હતી.
કોઇ ચમરબંધીને છોડવામાં નહીં આવે
શહેરના કુંભારવાડામાં આ ઘટના બનતા પોલીસ દ્વારા હારૂન કટીયા અને ઇક્બાલ ઉર્ફે ચીનીની અટકાયત કરી છે અને વિસ્તારમાં સતત નાઇટ પેટ્રોલીંગ દ્વારા વોચ રાખવામાં આવી રહી છે. > કે.સી. રૈવર, પી.એસ.આઇ.કુંભારવાડા પોલીસ ચોકી
જેલમાંથી મૂક્ત થયા પછી હેરાન નહીં કરે તેની શું ખાતરી!
સોહિલભાઇ એ જણાવેલ કે, પોલીસે કાયદાકીય રીતે તેમના પર સંકજો જમાવનારા આરોપીઓને હાલ તુરત તો કેદખાનાના સળીયા પાછળ ધકેલ્યા છે પરંતુ જેલ મૂક્ત થઇ રહેવાસીઓને હેરાન-પરેશાન નહીં કરે તેની જવાબદારી કોણ લેશે?
જીવ ગૂમાવવો તેના કરતા ધંધો બંધ કરવો સારો
આ જ વિસ્તારમાં રહેતા રફિકભાઇએ જણાવેલ કે, બનાવના ચાર દિવસ વિત્યાં હોવા છતાં પણ ભયનો માહલો વ્યાપી ગયો છે. તેથી અમે અમારો ધંધો બંધ રાખેલ છે. અને જો ધંધો શરૂ કરીએ તો માથાભારે શખ્સ તથા તેના પરિવારજનો દ્વારા ધાક-ધમકી આપવામાં આવે છે તેથી જીવ ગુમાવવો તેના કરતા ધંધો બંધ રાખવો હિતાવહ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.