કોઇપણ શહેરના વિકાસમાં કનેક્ટિવિટી સૌથી મહત્વનો રોલ અદા કરતું હોય છે. ભાવનગરની હવાઇ સેવાઓ બંધ થવા જઇ રહી છે ત્યારે ઔદ્યોગિક, સામાજીક અને ધાર્મિક દ્રષ્ટિએ ભાવનગરનો સંપર્ક ભારતની આર્થિક રાજધાની સાથે કપાઇ જશે. એલાયન્સ એરની ભાવનગર-મુંબઇની ફ્લાઇટ તા.7થી અને સ્પાઇસ જેટની ભાવનગર-મુંબઇ વચ્ચેની ફ્લાઇટ 27મી માર્ચથી બંધ થઇ રહી છે. ભાવનગરઆ ઉદ્યોગકારો આ સેવાનો મહત્તમ ઉપયોગ કરી રહ્યા હતા, પરંતુ અચાનક પુરતા ટ્રાફિક હોવા છતા હવાઇ સેવાઓ બંધ કરવાના કરવામાં આવી રહેલા નિર્ણયથી ભાવનગરની જનતામાં રોષ પ્રવર્તિ રહ્યો છે.
અગાઉ દિલ્હી-ભાવનગર-મુંબઇ-ભાવનગર-દિલ્હીની સ્પાઇસ જેટની ફ્લાઇટ ચાલતી હતી. દિલ્હીથી વહેલા સવારે 6 વાગે વિમાન ઉપડતુ હતુ તેથી દિલ્હીના જુદાજુદા વિસ્તારોમાંથી વિમાની મથકે પહોંચવા 3 વાગે નિકળવું પડતુ હતુ, તેના કારણે મુસાફરો ઓછા મળતા હતા. પરંતુ ભાવનગર-મુંબઇ વચ્ચે પુરતા પ્રમાણમાં મુસાફરો મળી રહ્યા હતા. સુરત-ભાવનગરની ફ્લાઇટ પણ ટ્રાફિક સારો હોવા છતા બંધ કરવામાં આવી હતી. અગાઉ કિંગફિશર, જેટ એરલાઇન્સની મુંબઇની ફ્લાઇટ પણ બંધ કરવામાં આવી હતી. આમ ભાવનગરના ભાગે ટ્રાફિક હોવા છતા સતત અન્યાય આવે છે.
ફ્લાઇટ માટે તમામ સ્તરે પ્રયાસો ચાલુ છે
ભાવનગર-મુંબઇ વચ્ચેની હવાઇ સેવાઓ પુન:કાર્યાન્વિત થાય તેના માટેના તમામ પ્રયાસો રાજકીય, મહાજન સ્તરેથી કરવામાં આવી રહ્યા છે. ઔદ્યોગિક, ધાર્મિક, સામાજીક રીતે ભાવનગર-મુંબઇ સતત જોડાયેલું છે, તેથી દૈનિક ફ્લાઇટની આવશ્યક્તા છે, તેના માટેના પ્રયાસો ચાલુ છે. > સુનિલભાઇ વડોદરીયા, એરપોર્ટ કમિટિ, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ
નાઇટ લેન્ડિંગની સવલતનું કરવાનું શું?
ભાવનગર એરપોર્ટ ખાતે નાઇટ લેન્ડિંગની વર્ષોથી સવલત ઉપલબ્ધ કરાવવામાં આવેલી છે. તાજેતરમાં રાજસ્થાનથી 4 પોલીસ જવાનોના મૃતદેહ લઇને 3 વિમાન રાત્રે જ ભાવનગરમાં લેન્ડ થયા હતા. મુંબઇથી ભાવનગર અતિ નજીક છે, અને મુંબઇ એરપોર્ટની અતિવ્યસ્તતાથી વધારાના વિમાન ભાવનગર લેન્ડ કરાવી શકાય તેમ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.