આપવિતી:હાશ.. મોત ભાળ્યુ, સૈનિકે અટકાવ્યા તોય હેમખેમ ઘરે પરત

ભાવનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારત અને ગુજરાત સરકારના પ્રયત્નોની સરાહના કરતા યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓ
  • રોમાનિયાની​​​​​​​ બોર્ડર પર યુક્રેનના સૈનિકોએ વિદ્યાર્થીઓને અટકાવ્યા હતા

યુક્રેન પર રશિયા દ્વારા કરવામાં આવેલા હુમલાની પરિસ્થિતિ વચ્ચે ભારત માંથી અભ્યાસ અર્થે ગયેલા વિદ્યાર્થીઓ ત્યાં ફસાઈ ગયા હતા. ભારત સરકાર અને ગુજરાત સરકારની કાબિલેદાદ કામગીરીને કારણે ભાવનગરના વિદ્યાર્થીઓ શનિવારે સાંજે સ્વગ્રહે સલામત રીતે પરત ફર્યા હતા.

યુક્રેનના ‌ચર્નિવિત્સી શહેરમાં રહી અને તબીબી અભ્યાસ કરી રહેલા ભાવનગરના હિતેશ લાધવા અને અશફાક હફીઝુલ્લાખાન યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ફસાયા હતા અને અહીં વતનમાં તેઓના પરિવારજનોના જીવ પડીકે બંધાયા હતા. પરંતુ ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાને કારણે વિદ્યાર્થીઓ સલામત રીતે પરત ફર્યા છે.

ભાવનગરના સાંઢીયાવાડ વિસ્તારમાં રહેતા અશફાક હફીઝુલ્લાખાને જણાવ્યું હતું કે, યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં સલામતીની ચિંતા સતત થયા કરતી હતી. ચર્નિવિત્સિથી રોમાનિયા જવાની બોર્ડર સુધી વાહન દ્વારા પહોંચી ‌શક્યા. પરંતુ રોમાનિયાની બોર્ડર પહેલા યુક્રેનના સૈનિકોએ અમને અટકાવ્યા હતા અને માઇનસ તાપમાનમાં 55 કલાક સુધી રસ્તા પર રહેવું પડ્યું હતું.

યુક્રેનના સૈનિકો પોતાના નાગરિકોને રોમાનિયામાં પસાર થવા દેતા હતા પરંતુ ભારતીય વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરી રહ્યાં હતા અને બોર્ડર ક્રોસ કરવા દેતા ન હતા. ભારતીય દૂતાવાસના અધિકારીઓની દરમિયાનગીરી બાદ વિદ્યાર્થીઓ રોમાનિયાના એરપોર્ટ થી 31 કિલોમીટર દૂર હાઉસ ખાતે પહોંચી શક્યા હતા. રોમાનિયાથી દિલ્હી ખાતે શુક્રવારે વહેલી સવારે છ વાગે ઇન્ડિયન એરફોર્સના વિમાન દ્વારા વિદ્યાર્થીઓને લાવવામાં આવ્યા હતા.

ઈમિગ્રેશન સહિતની સરકારી કાર્યવાહી પૂર્ણ થયા બાદ ૧૧ વાગ્યે નવી દિલ્હીના ગુજરાત ભવન ખાતે ગુજરાતી વિદ્યાર્થીઓને લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ઉપસ્થિત અધિકારીઓ દ્વારા તમામ વિદ્યાર્થીઓની દેખરેખ કરી અને ગુજરાતી ભોજન જમાડ્યા બાદ બસ દ્વારા ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા. શનિવારે સવારે 10 વાગ્યે ગાંધીનગર આવી પહોંચ્યા બાદ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ તમામ વિદ્યાર્થીઓને આવકાર્યા હતા તથા પોતાના શહેર સુધી પહોંચવા માટેની કારની વ્યવસ્થા પણ કરી આપી હતી.

અગાઉ ભાવનગર પરત ફરેલા વિદ્યાર્થીઓ પ્રાપ્તિ કામદાર અને વેનેસા પનોત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા માટે જે કામગીરી કરી છે તેના માટે દીલથી આભારી ‌છીએ.

અન્ય સમાચારો પણ છે...