ધરપકડ:હેરિએટ શિપના દસ્તાવેજો, IMO બદલવા માટે બે લોકોની ધરપકડ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સુનિલ નારાયણન, ચિરાગ ત્રિવેદીને બુધવારે કોર્ટમાં રજૂ કરાશે
  • જહાજ વેચનારાને​​​​​​​ બદલે સ્થાનિક એજન્ટોને માથે દોષનો ટોપલો ઢોળાયો હોવાની ચર્ચા

અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભંગાવા માટે આવેલા જહાજ હેરિએટના બોગસ દસ્તાવેજ, ખોટા IMO નંબર, સંદેશા વ્યવહારના સાધનો બંધ કરવા સહિતની શંકાસ્પદ પ્રવૃત્તિઓના આંતરરાષ્ટ્રીય ષડયંત્ર હોવાનું ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ની અત્યારસુધીની ચકાસણીમાં બહાર આવતા મંગળવારે જહાજ સાથે સંકળાયેલા બે સ્થાનિક એજન્ટોની અટકાયત કરાયેલ છે. હેરિએટ જહાજના કેપ્ટન રાહુલ ચૌધરીને પુછપરછ માટે શિપ પરથી મોડી રાત્રે લાવવામાં આવ્યા છે.

અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.114 (રાજેન્દ્ર શિપબ્રેકર્સ પ્રા. લિ.) દ્વારા 2291.8 એલડીટી વજન ધરાવતા હેરિએટ જહાજને ખરીદવામાં આવ્યુ હતુ. એલપીજી ટેન્કર શિપ 9મી ડિસેમ્બરે સવારે 08.35 કલાકે અલંગ એન્કરેજ આવી પહોંચ્યુ હતુ. 10મી ડિસેમ્બરે કસ્ટમ્સ દ્વારા બોર્ડિંગ અને રૂમેજીંગ કરાયુ હતુ, અને સાથે જ જીપીસીબી દ્વારા ડેસ્ક રિવ્યૂ પણ કરાયુ હતુ.

તા.11 ડિસે.ના રોજ ડીઆરઆઇને મળેલી પૂર્વ બાતમીના આધારે ટુકડી જહાજ પર ગઇ હતી તપાસ શરૂ કરાઈ હતી. હેરિએટ જહાજનો આઇએમઓ નંબર 8716514 દર્શાવવામાં આવ્યો છે, પરંતુ તપાસનીશ એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહેલી ચકાસણીમાં આ નંબર વાળા જહાજનું અંતિમ નામ હેપ્પી હેરિયર હતુ અને તે નવેમ્બર-2013માં તૂર્કિના અલિયાગા શિપબ્રેકિંગ યાર્ડમાં ભંગાવા માટે ગયુ હતુ અને 4 મહિનામાં તે નામશેષ થઇ ગયુ હતુ.

હેરિએટ જહાજનું મૂળ નામ મેલોડી હોવાનું ઇન્ટેલિજન્સ યુનિટને ધ્યાને આવ્યુ છે, અને તેનો આઇએમઓ નંબર 8800298 છે. તા.11થી ડીઆરઆઇ દ્વારા લોટસડેન શિપિંગ એજન્સી, રાજેન્દ્ર શિપબ્રેકર્સ, જહાજ વેચવામાં મધ્યસ્થી સુનિલ નારાયણન, ચિરાગ ત્રિવેદીની તપાસ ચાલી રહી હતી. દરમિયાન મંગળવારે ચિરાગ અને સુનિલની અટકાયત કરવામાં આવી છે. સર ટી. હોસ્પિટલમાં બંનેના કોરોના અંગેના ટેસ્ટ કરાવવમાં આવી રહ્યા છે અને મંગળવારે તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

મોટા મગરમચ્છો આ કેસમાં પણ બચી જશે
ભાવનગરના સ્થાનિક બાયર, એજન્ટ દ્વારા મંગાવાયેલા શીપના તમામ ડોક્યુમેન્ટ જહાજ ખરીદયુ ત્યાંથી સાથે આવ્યા હોય. જહાજ વેચનાર મોટા મગરમચ્છોને બદલે સ્થાનિક એજન્ટોની માથે દોષનો ટોપલો ઢોળી દેવાશે તો મોટા મગરમચ્છો આ કેસમાં બચી જશે એ દિશામાં પણ તપાસ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...