ભાવનગર શહેરમાં આજે પણ ગઇ કાલની જેમ સાંજના સમયે ગાજવીજ અને તોફાની પવન સાથે કમોસમી વરસાદ વરસશે તેવો માહોલ જામ્યો હતો જો કે આજે સાંજના સમયે માત્ર માવઠાનો માહોલ જ રહ્યો હતો, વરસાદ વરસ્યો ન હતો જેથી નગરજનોએ રાહતની લાગણી અનુભવી હતી. જો કે બોટાદ શહેર અને ગઢડા તેમજ આજુબાજુના વિસ્તારોમાં આજે ગાજવીજ અને પવન સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો. કેટલાક વિસ્તારોમાં કરા વરસ્યા હતા.
18 માર્ચ સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે ત્યારે ભાવનગર શહેરમાં આજે આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ સાંજના સમયે ગાજવીજ અને 30 કિલોમીટરની તોફાની ઝડપે પવન ફૂંકાતા હમણા વરસાદ વરસશે તેવો માહોલ જામ્યો હતો. પણ આખરે માવઠું જ વરસતા નગરજનોએ રાહતની લાગણી અનુભવી હતી. આજે શહેરમાં મહત્તમ તાપમાન 33.4 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ જ્યારે ખાસ તો રાત્રે લઘુત્તમ ઉષ્ણતામાન જે 24 કલાક અગાઉ 24.4 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે 2.4 ડિગ્રી ઘટીને 22 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. હવામાં ભેજનું પ્રમાણ 54 ટકા નોંધાયું હતુ. હજી શનિવાર સુધી ભાવનગરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.
બોટાદમાં સતત બીજા દિવસે વીજળીના કડાકા ભડાકા અને પવન સાથે ધોધમાર વરસાદ સાથે અમુક વિસ્તારમાં કરા પડ્યા હતા. પવન અને વરસાદના લીધે ખેડુતો ચિંતિત વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડતા ઘઉ,તલ,ચણા જેવા પાકોને ભારે નુકસાન થાય તેવી ભીતિ સેવાઇ રહી છે. ગઢડા (સ્વામીના) પંથકમાં સાંજે ચાર વાગ્યા પછી વરસાદ સાથે મોટા પ્રમાણમાં કરા પણ પડતા કેટલાક રસ્તાઓ ઉપર બરફની ચાદર છવાઇ ગઇ હતી. આ દરમિયાન ગઢડા શહેર ઉપરાંત સમગ્ર પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ બરફ વર્ષા શરૂ થતા ભારે ગાજવીજ અને પવન સાથે બરફના કરા સાથે વરસાદે ધબધબાટી બોલાવતા લોકો નવાઈ પામી ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.