સહાય વધારવા સહી અભિયાન:દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનાર શહીદ જવાનના પરિવારને ગુજરાત સરકાર આપે છે માત્ર 1 લાખની સહાય, RTIમાં ખુલાસો

ભાવનગર6 મહિનો પહેલા
  • ભાવનગરના નિવૃત જવાને સહાયની રકમ વધારીને 1 કરોડ રૂપિયા કરવા અભિયાન હાથ ધર્યું
  • ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ સહી અભિયાનમાં જોડાયા

દેશમાં વિકાસની વાત આવે તો ગુજરાત મોડલની ચર્ચા થાય છે. પરંતુ, દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનાર શહીદ જવાનોના પરિવારજનોને રાજ્ય સરકાર માત્ર એક લાખની સહાય ચૂકવતી હોવાનો RTIમાં ખુલાસો થયો છે. ભાવગરના નિવૃત જવાન વિશાલ વાજાએ રાઈટ ટુ ઈન્ફોર્મેશન એક્ટ હેઠલ માગેલી માહિતીના જવાબમાં રાજ્ય સરકારે આપેલી માહિતીમાં શહીદ પરિવારને એક સાથે એક લાખ રૂપિયા અને શહીદના વિધવા પત્નીને દર મહિને 1000 રૂપિયા તથા બાળકો દીઠ 500 રૂપિયાની સહાય ચૂકવતી હોવાની વિગત આપી છે. આ સહાય અપૂરતી હોય ભાવનગર નિવૃત જવાન વિશાલ વાજા દ્વારા 26 જાન્યુઆરીથી સહી અભિયાન હાથ ધરી સહાયની રકમ વધારી 1 કરોડ કરવાની માગ કરી છે. ભાવનગરના યુવરાજ જયવીરરાજ સિંહ પણ આજે સહી અભિયાનમાં જોડાયા હતા.

RTIમાં અપાયેલી માહિતી
RTIમાં અપાયેલી માહિતી

જવાન પરણિત હોય તો 1 લાખ, અપરણિત હોય તો 50 હજારની સહાય
ભાવનગરના નિવૃત સૈનિકે કરેલી RTIના જવાબમાં ગુજરાતના સૈનિક કલ્યાણ અને પુર્નવસવાટના નિયામક તરફથી માહિતી આપવામાં આવી છે. જેમાં
કોઈ જવાન ફરજ દરમિયાન શહીદ થાય ત્યારે તે પરણિત હોય તો 1 લાખ રૂપિયા અને અપરણિત હોય તો 50 હજારની આર્થિક સહાય ચૂકવાતી હોવાની માહિતી આપી છે. રાજ્ય સરકાર તરફથી દર મહિને શહીદ જવાનના પત્નીને 1000 રૂપિયા અને પુત્ર દીઠ 500 રૂપિયા ચૂકવવામાં આવે છે.

નિવૃત સૈનિકે ભાવનગરના યુવરાજ સાથે મુલાકાત કરી
નિવૃત સૈનિકે ભાવનગરના યુવરાજ સાથે મુલાકાત કરી

1 કરોડ સહાય ચૂકવવાની માગ સાથે નિવૃત જવાને સહી ઝુંબેશ શરૂ કરી
ભાવનગરમાં રહેતા માજી સૈનિક વિશાલ વાજાને RTIમાં રાજ્ય સરકાર તરફથી 1 લાખની સહાય મળતી હોવાની માહિતી મળતા 26 જાન્યુઆરીથી સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. વિશાલ વાજાનું માનીએ તો, દેશના અલગ અલગ રાજ્યોમાં શહીદ પરિવારને 25 લાખથી 1 કરોડ સુધીની સહાય ચૂકવવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં પણ સરકાર શહીદ પરિવારને 1 કરોડ રૂપિયાની સહાય ચૂકવે.

યુવરાજ જયવીરરાજસિંહ સહી ઝુંબેશમાં જોડાયા
યુવરાજ જયવીરરાજસિંહ સહી ઝુંબેશમાં જોડાયા

સૈનિકોની માગ પૂરી થવી જોઈએ- જયવીરરાજ સિંહ
ભાવનગર શહેરના નિલમબાગ સર્કલ ખાતે આજરોજ પ્રજા વત્સલ નેક નામદાર મહારાજા કૃષ્ણ કુમારસિંહજીને પુષ્પાંજલિ અર્પિત કર્યા બાદ હાલ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહજી સાથે શુભેચ્છા મુલાકાત કરી નિવૃત સૈનિક વિશાલ વાજાએ માહિતી આપી હતી. યુવરાજ જયવીરરાજ સિંહ પણ સહી અભિયાનમાં જોડાયા હતા. યુવરાજે કહ્યું હતું કે, સૈનિકોની માગ પૂરી થવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...