આધારકાર્ડ સાથે ચેડાં કરી આચરવામાં આવતી કરચોરીના બે કૌભાંડ ભાવનગરમાંથી પકડાયા બાદ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ) દ્વારા જીએસટી તંત્ર પાસેથી નજીકના ભૂતકાળની ગેરરીતિઓ અંગેના ડેટા મંગાવતા, ભાવનગરમાં મોટી કાર્યવાહી થવાના સંકેતો મળતા GSTના કરચોરો ફરતો ગાળીયો ભીંસાયો છે.
ભાવનગર શહેર અને પાલિતાણામાંથી આધારકેન્દ્ર પરથી ડોક્યુમેન્ટ સાથે ચેડા કરી બોગસ પાનકાર્ડ, જીએસટી રજીસ્ટ્રેશન મેળવી અને કરોડો રૂપિયાની કરચોરી કરવાના કૌભાંડના મૂળીયા પકડાતા રાજ્ય સરકાર પણ ચોંકી ઉઠી હતી. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમારની અધ્યક્ષતામાં શિવમ વર્મા, જીતેન્દ્ર અગ્રવાલ, રાધિકા ભારાઇને સમાવતી સીટની રચના કરવામાં આવી હતી. અને આ ટુકડીને દર 15 દિવસે વિકાસ સહાયને પ્રગતિ અહેવાલ આપવા જણાવવામાં આવ્યું છે.
પાલિતાણામાંથી પકડાયેલા જીએસટી સંબંધિત કૌભાંમાં 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે, અને ભાવનગર-સિહોર ખાતેથી પકડાયેલી ગેરરીતિમાં 3 લોકોને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા હતા. આધારકેન્દ્ર ખાતેથી જ ડોક્યુમેન્ટ સાથે ચેડા કરવામાં આવી રહ્યા હતા અને તેના આધારે જીએસટી રજીસ્ટ્રેશનની ફાઇલો બનાવવામાં આવી રહી હતી. ભાવનગર જિલ્લામાં બનાવવામાં આવતી ફાઇલોનો ઉપયોગ બોગસ બિલિંગ, ખોટી વેરાશાખ લેવી જેવી ગેરરીતિઓમાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ થવા લાગ્યો હતો.
નજીકના ભૂતકાળમાં જીએસટી તંત્ર દ્વારા પકડવામાં આવેલી ગેરરીતિઓના કિસ્સામાં મળી આવેલા ડીજીટલ ડેટા, મોબાઇલ ડેટા સહિતની બાબતો પરથી આગામી રણનીતિ ઘડી શકાય તેવા હેતુથી સીટ દ્વારા જીએસટી તંત્ર પાસેથી ડેટા મંગાવવામાં આવ્યો છે. બીજી તરફ રાજ્ય સરકાર પણ આવા પ્રકારની કર ચોરી પર જીણી નજર રાખી રહ્યું હોવાથી ગેરરીતિઓ ડામી દેવા માટે તમામ તંત્ર પર પરોક્ષ દબાણ વધી રહ્યું છે.
જીએસટી વિભાગ પણ બોગસ બિલિંગ, ખોટી વેરાશાખ જેવા તાજેતરના કેસમાં મળી આવેલી કડીઓના આધારે આગામી રણનીતિ ઘડી રહ્યું છે. જો કે, આટલી ધોંસ હોવા છતા ભાવનગર સહિત રાજ્યમાં જીએસટી કરચોરીનો કાળો કારોબાર છાનાખૂણે ચાલી રહ્યો છે. સીટ દ્વારા GST પાસેથી ડેટા મંગાવાતા ભાવનગરમાં GST ગેરરીતિ સંબંધિત મોટી કાર્યવાહીના સંકેત મળી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.