60 મહિનાથી અમલમાં આવેલા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કાયદામાં રહેલી અસંખ્ય ખામીઓને કારણે જેન્યુઅન વેપારીઓને સહન કરવું પડી રહ્યું છે. ખામી જીએસટીના રજીસ્ટ્રેશન અને અમલીકરણમાં છે અને તેનો ભોગ બનવું પડી રહ્યું છે વેપારીઓ-ઉદ્યોગપતિઓને.GSTમાં બોગસ બિલિંગ અને ખોટી વેરાશાખ લેવાના અને કરચોરીના સતત વધી રહેલા કિસ્સાઓને કારણે રેડ, સર્ચ, નોટિસો, સ્ક્રૂટિની સહિતની કામગીરી GST કરી રહ્યું છે.
ભેજાબાજો અને કરચોરી કરી રહેલા તત્વોનો વાળ પણ વાંકો થઇ રહ્યો નથી, એકલ-દોકલ કરચોરો પર કાર્યવાહી કરી અને ચોપડે તંત્ર સંતોષ માની રહ્યું છે અને પોતાની કામગીરીના પત્રક ઉપરી અધિકારીઓ સમક્ષ રજૂ કરી રહ્યા છે. પરંતુ આ તમામ બાબતોમાં સાચા-ઇમાનદાર વેપારીઓ અને ઉદ્યોગપતિઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
GST તંત્ર સમક્ષ નોંધાયેલી પેઢી અને તેનો રજીસ્ટ્રેશન નંબર ખોટા દસ્તાવેજોથી જનરેટ થયેલો છે કે ખોટો છે, તેની જાણ જેને ત્યાં ખરીદી થકી બિલ આવે તે વેપારીને કેમ થઇ શકે? ખરીદી કરનારા વેપારીને ચોખ્ખો જ વેપાર કરવો હોય છે, પરંતુ મુઠ્ઠીભર કરચોરોને કારણે થોકબંધ ઇમાનદાર વેપારીઓ, નિયમીત કર ભરી રહેલા વેપારીઓ દંડની કાર્યવાહીનો સામનો કરે છે.
કિસ્સો-1 : 4 વર્ષે નોટિસ મળી, કેમ ખબર પડે?
સહજાનંદ એલોયઝ એલએલપીના કે.આર. ગુપ્તાના જણાવ્યા અનુસાર વર્ષ 2018માં અમારા દ્વારા કરવામાં આવેલી ખરીદીનું બિલ ખોટું હોવાની GST દ્વારા નોટિસ મળી. 4 વર્ષે કેમ ખબર પડે કે ક્યા વેપારીએ, ક્યા સંજોગોમાં ખોટું બિલ ધાબડી દીધુ? તંત્ર જાણ કરે તો ખબર પડી શકે.
કિસ્સો-2 : ચોખ્ખુ જ કામ કરવું છે, પરંતુ...
કે.આર.પી. સ્ટીલ એન્ટ.ના વિપુલભાઇ સંગતાણીના મતે, અમારે ચોખ્ખુ જ કામ કરવું છે, પરંતુ જેની પાસેથી અમે ખરીદી કરી રહ્યા છે, તેઓ બોગસ પેઢી છે કે, કરચોરી કરી રહ્યા છે તેની અમોને ક્યાંથી જાણ હોય? આવા કિસ્સામાં અમે પેનલ્ટી ભરવાનો ભોગ બની ચૂક્યા છીએ.
કિસ્સો-3 : બિલ સાચા કે ખોટા? કેમ પારખવા?
ઝાયેદ મેટલ એન્ડ એલોયઝના ઝાહિદભાઇ પટ્ટનીના જણાવ્યા પ્રમાણે જીએસટી તંત્રની કાર્યવાહીનો સામનો હું કરી ચૂક્યો છું. હું ચોખ્ખો જ ધંધો કરવા ટેવાયેલો છું, પરંતુ બિલ સાચા કે ખોટા? પારખવા કેમ? તેના અંગેની માર્ગદર્શન તંત્ર આપે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.