તપાસ:GST ઇન્ટેલિજન્સ દ્વારા બે સ્થળોએ તપાસ હાથ ધરાઇ

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છ-ગુજરાત ટ્રાન્સપોર્ટ, સ્ટાર ઇમ્પેક્સમાં કાર્યવાહી
  • ઉસ્માન હમીદાણી કેસમાં વધુ આરોપીઓની તપાસ

ડાયરેક્ટોરેટ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ (ડીજીજીઆઇ) દ્વારા ગુરૂવારે ભાવનગરમાં બે સ્થળોએ કાર્યવાહી હાથ ધરવામાંઆવી છે, અને મોડી સાંજ સુધી તપાસ ચાલી રહી છે. ભાવનગરમાં અગાઉ બોગસ બિલિંગ કેસમાં ઉંમર હમીદાણીની ધરપકડ કરવામાં આવી હતી. ઉંમર દ્વારા 33 કરોડની જીએસટી ગેરરીતિ કરવામાં આવી હતી તેથી તેની ધરપકડ કરવામાં આવી હતી. પુછપરછ દરમિયાન ઉંમર સાથે અન્ય 7 લોકો સંકળાયેલા હોવાની માહિતી મળી હતી. બાદમાં આ કેસમાં ધવલ સરવૈયાની પણ ધરપકડ કરવામાં આવી હતી.

ગુરૂવારે ડીજીજીઆઇની ટુકડી ભાવનગરમાં વધુ એક વખત તપાસાર્થે આવી હતી. અને શહેરમાં કચ્છ-ગુજરાત ટ્રાન્સપોર્ટ, સ્ટાર ઇમ્પેક્સ પેઢીમાં વિસ્તૃત તપાસ કરવામાં આવી રહી છે. બોગસ બિલિંગ ક્ષેત્રે સંકળાયેલા સોહિલ તૂગડાની તંત્ર દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે, પરંતુ ગુરૂવારે મોડી રાત સુધી તે હાથમાં આવ્યો નથી. જો કે, ડીજીજીઆઇની કાર્યવાહી શુક્રવારે પણ શહેરમાં યથાવત્ રહેવાની છે. ઉસ્માન હમીદાણી અને ધવલ સરવૈયાએ ભાવનગરમાં અનેક લોકોને સાથે રાખી બોગસ બિલિંગનો કારોબાર ચલાવ્યો હતો, પરંતુ સ્થાનિક જીએસટી તંત્ર અંધારામાં રહ્યું હતુ, અને જીએસટી ઇન્ટેલિજન્સ વિંગે કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...