સરકારે હર ઘર જલ ઉત્સવ અને હર ઘર તિરંગા કાર્યક્રમ જાહેર કર્યો અને સાથોસાથ તેના અંતર્ગત ભાવનગર જિલ્લાની 664 ગ્રામ પંચાયતોમાં ગ્રામ સભાનું પણ આયોજન કર્યું છે. આગામી ચૂંટણીને અનુલક્ષી લોકોને તેના પ્રશ્નો સાંભળી ઉકેલ કરવાની અનુભૂતિ થાય તે માટે ગ્રામ સભાઓ તો યોજી છે પરંતુ ભૂતકાળમાં પણ વારંવાર ગ્રામસભાના ફતવા યોજ્યા છે. જે પ્રશ્નો કાગળ પર જ બની રહ્યા છે. ગ્રામ સભામાં રજૂ થતાં પ્રશ્નોનો ઉકેલ નહિ પરંતુ નિકાલ થાય છે. જેથી હાલમાં કરેલું ગ્રામસભાનું આયોજન પણ માત્ર નૌટંકી સાબિત થશે.
ભાવનગર જિલ્લામાં ‘હર ઘર જલ ઉત્સવ’ અને ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અંતર્ગત ગ્રામસભાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગત તા. 25 જુલાઈ થી શરૂ થયેલી આ ગ્રામસભાઓ જિલ્લાની 664 ગ્રામ પંચાયતોમાં આગામી તા. 6 ઓગષ્ટ સુધી યોજાશે. ભાવનગર જિલ્લાના દરેક ગ્રામ પંચાયતના મુખ્ય મથકે આ ગ્રામસભા યોજવામાં આવનાર છે. આ ગ્રામસભાઓમાં જિલ્લા અને તાલુકા કક્ષાના નિયુક્ત અધિકારીઓ હાજરી આપશે. તેમજ જો મંત્રીઓ, સાંસદ, ધારાસભ્યો, પંચાયતના પદાધિકારીઓને સમય મળશે અને અનુકૂળતા હશે તો લોકોના પ્રશ્નોના ઉકેલ માટેની સભામાં હાજરી આપશે.
સભા પૂર્વે ગામમાં સંધ્યાફેરીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ સભામાં શક્ય તેટલાં વધુ પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવશેનું તંત્ર દ્વારા જણાવાયું છે. ભાવનગર ગ્રામ્યના આલાપર, ભૂંભલી, લાખણકા, ભડભીડ, શેઢાવદર, ભડી અને કરદેજથી તેની શરૂઆત તા. 27 જુલાઇ થી થઇ છે. ભાવનગરના 51, ગારીયાધારના 48, તળાજાના 118, મહુવાના 115, સિહોરના 78, પાલીતાણાના 79, ઘોઘાના 41, વલ્લભીપુરના 53, ઉમરાળાના 43 અને જેસરના 38 મળી કુલ 664 ગામમાં આ ગ્રામસભાઓ યોજાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.