અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભાંગવા માટે આવી પહોંચેલા ડામર કેરિયરની તપાસ જામનગર કસ્ટમ્સનું પ્રીવેન્ટિવ વિભાગ કરી રહ્યુ છે, તેની સાથે સોમવારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી)ની એક ટુકડી ગાંધીનગરથી જહાજની તપાસ માટે આવી રહી છે, અને સમગ્ર જહાજની વીડિયોગ્રાફી, ફોટોગ્રાફી કરવાના પણ આદેશ આપવામાં આવ્યા છે.
લાંબા સમયથી શંકાના વમળમાં ફસાયેલુ ડામર કેરીયર જહાજ ઇન્ફિનીટી-1માં કોઇ વિવાદ ઉભા ન થાય તેવા હેતુથી બે માસથી દીવની સામેના દરિયામાં ઉભુ રાખવામાં આવ્યુ હતુ. અલંગમાં અંતિમ ખરીદનારની શોધ ચાલી રહી હતી, પરંતુ મોટાભાગના ઉદ્યોગકારો આ જહાજથી અંતર રાખી રહ્યા હતા. જામનગર કસ્ટમ્સની પ્રીવેન્ટિવ ટુકડી શનિવારે વહેલી સવાર સુધી જહાજ પર ચેકિંગ કરી રહી હતી, અને હવે દસ્તાવેજી ચકાસણીઓ ચાલી રહી છે.
દરમિયાન જહાજના કેપ્ટને સંદેશા ઉપકરણ પૈકીનું કાંઇક દરિયામાં ફેંકી દીધુ હોવાની શંકાના આધારે પણ એજન્સીઓ તપાસ કરી રહી છે. કેપ્ટનની જીણવટભરી તપાસ થઇ રહી છે, તમામ સંદેશા ચકાસવામાં આવી રહ્યા છે.જીપીસીબી દ્વારા ગાંધીનગરથી એક ખાસુ ટુકડી ઇન્ફિનીટી-1 જહાજનું ચેકિંગ કરવા માટે આવી પહોંચશે અને સમગ્ર જહાજની વીડિયોગ્રાફી-ફોટોગ્રાફી કરવાના આદેશ ઉચ્ચસ્તરેથી આપવામાં આવ્યા છે.
જહાજના કાર્ગો હોલ્ડમાં પાણી રાખવામાં આવ્યુ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યુ છે, તેથી તમામ કાર્ગો હોલ્ડમાં ડામર છે કે કેમ તેની તપાસ કરવા માટે જીપીસીબીને પણ નેવાના પાણી મોભે ઉતરવાના છે. ભાવનગર કસ્ટમ્સની જવાબદારી હોવા છતા ઉંડાણપૂર્વક જહાજોની તપાસ થતી નહીં હોવા અંગે પણ ઉચ્ચકક્ષાએ નોંધ લેવામાં આવી રહી છે, વારંવાર જામનગર કસ્ટમ્સ પ્રીવેન્ટિવ અને ડીઆરઆઇને ક્રોસ ચેક કરવા આવવું પડે છે અને ત્યારબાદ ગેરરીતિ મળી આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.