નામ બડે દર્શન છોટે:સરકારનું કાગળ પર આયોજન: તંત્રની નિરસતાથી સેવાસેતુના તાર લોકો સાથે જોડાતા નથી

ભાવનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફોરેસ્ટ, જીઈબી, એસ.ટી.ના પ્રશ્નોમાં અધિકારીઓ ભાગ્યેજ ઉપસ્થિત
  • સાતમા તબક્કામાં ભાવનગર જિલ્લામાં 22 સેવાસેતુ યોજાયા પરંતુ અનેક યોજનાની સેવા સ્થળ પર મળતી જ નથી, ઘણા સરકારી તંત્ર માત્ર નમુનાના જ હાજરી પુરાવે છે

ભાવનગર સહિત ગુજરાત રાજ્યમાં હાલમાં સાતમા તબક્કાનો સેવા સેતુ યોજાઇ રહ્યા છે. અને તેમાં સરકારના દાવા પ્રમાણે જુદા જુદા વિભાગો ની 56 સેવાઓનો ઘર આંગણે લોકોને લાભ મળી રહ્યો છે પરંતુ વાસ્તવમાં માત્ર ગણી ગાઠી સેવાઓનો લોકોને લાભ આપવામાં આવે છે બાકીના વિભાગોની સેવાઓ તો શોભાના ગાંઠિયા રૂપ જ સાબિત થઈ છે.

સરકારનો સેવા સેતુનો હેતુ આવકારદાયક છે. વ્યક્તિલક્ષી રજૂઆતોનો નિવારણ માટે અને સામાન્ય માનવીને ઘર આંગણે સરકારની વિવિધ યોજનાકીય લાભો પહોંચાડવાનો અભિગમ છે. પરંતુ આ હેતુ સાર્થક થતો નથી. તાજેતરમાં જ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જાહેર કર્યું છે કે રાજ્યમાં સાતમા તબક્કાના સેવા સેતુ માં આજ સુધીમાં 838 સેવા સેતુ ના કાર્યક્રમમાં 16 લાખ લોકોએ લાભ લીધો અને તે પૈકી 99.98% સુખદ હકારાત્મક ઉકેલ આવ્યો છે. આગામી જાન્યુઆરી સુધીમાં કુલ 2507 સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયેલ છે. પરંતુ આ માત્ર કાગળ પરનું જ આયોજન સાબિત થયું છે.

સરકારના દાવા પ્રમાણે સેવાસેતુ કાર્યક્રમમાં વિવિધ વિભાગની 56 સેવાઓ અાપવામાં આવે છે. પરંતુ ભાવનગર શહેર અને જિલ્લામાં આ 56 સેવાઓ પૈકી માત્ર ગણીગાંઠી સેવાઓ જ જેવી કે, જાતિ અને આવકના દાખલા આધાર કાર્ડમાં સુધારો, રેશન કાર્ડમાં સુધારો, જન્મ મરણ પ્રમાણપત્ર, હેલ્થ વેલનેસ કાર્ડ,નવા વીજ જોડાણની અરજી, દિવ્યાંગતા પ્રમાણપત્ર, પ્રોપર્ટી ટેક્ષ, વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર, વ્યવસાય વેરા યોજનાઓ અને સેવાઓ નાગરિકોને પ્રાપ્ત થાય છે.

પરંતુ મોટાભાગના સેવા સેતુમાં વિભાગોને કનેક્ટિવિટીના પ્રોબ્લેમ તો, ઘણા વિભાગો ને તો પોતાની કચેરીમાં જ પ્રોગ્રામ હોવાના બહાના પણ મળી રહે છે. ફોરેસ્ટ, એસ.ટી. જીઈબી, સહિતના વિભાગોમાં તો અધિકારીઓ માત્ર નામના જ ઉપસ્થિત રહે છે. પરંતુ તે વિભાગોની સેવા સેતુ માં કોઈ કામગીરી કરવામાં આવતી નથી.

એક સેવાસેતુમાં 60 થી વધુનો કાફલો, પણ નિરર્થક
આ વર્ષે 22 જેટલા સેવા સેતુના આયોજનો થયા છે. અને એક એક સેવા સેતુ માં 60 થી વધુ અધિકારી કર્મચારીઓનો કાફલો હાજરમાં હોય છે જેને કારણે પ્રજાના ઘણા સરકારી કામો પણ ટલ્લે ચડતા હોય છે. પરંતુ જુદા વિભાગના આટલા બધા અધિકારી-કર્મચારીઓ હાજર હોવા છતાં મોટાભાગની યોજનાઓનો લાભ પ્રજાને મળતો નથી. કોઈવાર ફોર્મ ન હોય તો કોઈવાર સ્ટેમ્પ પણ ખૂટી ગયા હોય. જ્યારે કનેક્ટિવિટી સહિતના પ્રોબ્લેમ તો સહજ બની રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...