ભાવનગર નજરઅંદાજ:11 પ્રવાસન સ્થળો વિકસાવવા માટે સરકાર તત્પર : ભાવનગર બાકાત

ભાવનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉથી પ્રવાસન સ્થળ તરીકે ધમધમતા વેળાવદરનો ઉલ્લેખ !
  • કુડા, કોળીયાક, ગોપનાથ, મહુવા-ભવાની, પાલિતાણા નજરઅંદાજ

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં 11 સ્થળોને પ્રવાસન સ્થળો તરીકે વિકસાવવાનો પ્રસ્તાવ કેબિનેટ સમક્ષ આવ્યો છે. જેમાં દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ સ્થળોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નવાઇની વાત તો એ છે કે, આ 11 સ્થળોની યાદીમાં અગાઉથી જ વિકસીત અને પર્યટકોમાં લોકપ્રિય બની ચૂકેલા વેળાવદર અભિયારણ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે, અને ભાવનગર જિલ્લાના અનેક સંભવિત સ્થળો તરફ નજર દોડાવવાથી ચૂક થઇ છે.

જેમાં પોળો ફોરેસ્ટે- વિજયનગર, ઝવેરચંદ મેઘાણી ટુરિસ્ટ સર્કિટ, વેળાવદર અભિયારણ્ય, રાજકોટ ખંભાલીકા બુધ્ધ ગુફા, દયાનંદ સરસ્વતિ ટ્રસ્ટ ટંકારા મોરબી, બેટ દ્વારકા, શિયાળ બેટ, પોરબંંદરને ટુરિસ્ટ તરીકે વિકસાવવાની યોજના છે. આ યાદીમાં ભાવનગરની નજીક આવેલા વેળાવદર અભિયારણ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ આ સ્થળ તો પહેલેથી જ વિકસીત છે અને અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પ્રતિવર્ષ આવે છે.

નવાઇની વાત તો એ છે કે, ભાવનગર જિલ્લાના 152 કિ.મી. લાંબા દરિયાકાંઠે અનેક સ્થળો એવા આવેલા છે જ્યાં પ્રવાસનની અફાટ તકો છે, પરંતુ તેને નજર અંદાજ કરવામાં આવ્યા છે.ભાવનગર જિલ્લાના કુડા, કોળીયાક, ગોપનાથ, ઝાંઝમેર, ઘોઘા, મહુવા, ભવાની મંદિર, પાલિતાણા સહિતના સ્થળોએ પ્રવાસનની અફાટ તકો છે અને અવાર નવાર આ સ્થળોને વિકસાવવા માટે સરકાર સમક્ષ પ્રસ્તાવો પણ મૂકવામાં આવેલા છે, પરંતુ ભાવનગરના ભાગે આ વખતે પણ નિરાશા આવી છે.

જો કે, ગુજરાત સરકારમાં કદ્દાવર કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી ભાવનગરને પ્રવાસન સ્થળોની યાદીમાં વધુ સ્થાન આપવામાં આવે તેના માટે પ્રયાસરત હોવાનું પણ જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...