અલંગ શિપબ્રેકિંગ યાર્ડ એક ઇન્ડસ્ટ્રીઝ છે, અને ભારતમાં દરેક ઇન્ડસ્ટ્રીઝમાં નાના-મોટા અકસ્માતો થતા રહે છે, વ્યવસાયકારોને પણ પોતાના કામદારોનું હિત હૈયે હોય જ છે, પરંતુ અલંગમાં પસંદગીના કિસ્સાઓમાં જ પોલીસ દ્વારા અકસ્માત અંગે ગંભીર કલમો વાળા ગુન્હા નોંધવામાં આવે છે. બીજી તરફ ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી) દ્વારા પણ અકસ્માતના કિસ્સામાં મનસ્વી રીતે પ્લોટ ક્લોઝર આપવામાં આવી રહ્યા હોવાની બાબત વ્યવસાયકારો દ્વારા મુખ્યમંત્રી સમક્ષ ઉઠાવવામાં આવી છે.
શિપબ્રેકિંગ અંગે કાયદો બનાવતા પૂર્વે બનાવવામાં આવેલા શિપબ્રેકિંગ કોડ-2019માં ક્લોઝ 8.1.2(a)માં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યુ છે કે, કોઇપણ અકસ્માતના કિસ્સામાં મૃત્યુ, ઇજા થઇ હોય તો પોર્ટ ઓથોરિટી દ્વારા તત્કાળ અસરથી મહત્તમ 5 દિવસ માટે પ્લોટ ક્લોઝર કરાવી શકે છે.પરંતુ જીએમબી દ્વારા મનસ્વી રીતે પોર્ટ ક્લોઝર ફટકારવામાં આવી રહ્યા છે. અકસ્માતના કિસ્સાઓમાં કોઇકને 7 દિવસ, કોઇકને 5 દિવસ, કોઇકને દોઢ મહિના જેવા ક્લોઝર ફટકારવામાં આવે છે. અકસ્માતના કિસ્સામાં મનસ્વી વલણ અંગે ઉદ્યોગમાં ભારે રોષ પ્રવર્તિ રહ્યો છે.
ખામીઓ મુજબ ક્લોઝર અપાય છે
અલંગમાં પ્લોટમાં અકસ્માતો થાય તો ત્યારબાદ જીએમબી ગાંધીનગરથી સત્ય શોધક કમિટિ નીમવામાં આવે છે, અને તેઓએ સુચવેલી બાબતો મુજબ જે કાંઇ ખામીઓ હોય તે સુધારણા કરવામાં આવે તે મુજબ જ ક્લોઝર અપાય છે. અકસ્માતગ્રસ્ત પ્લોટની ખામીઓ દૂર કરાયા બાદ તેનું પુન: મુલ્યાંકન કરવામાં આવે છે, નિયમાનુસાર કાર્ય થાય છે. > કેપ્ટન રાકેશ મિશ્રા, પોર્ટ ઓફિસર, અલંગ, ગુજરાત મેરિટાઇમ બોર્ડ
ડેડવેસલ અવિરતપણે લૂંટાતા રહે છે
અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભંગાવા માટે આવતા જહાજો પૈકી ડેડ વેસલ જ્યારે જ્યારે આવે છે તેની જાણ જાફરાબાદથી અલંગના દરિયામાં થઇ જાય છે, અને દેશી ચાંચીયાઓની ગેંગ હોડી મારફતે આવા જહાજને આંતરી અને શિપના કિંમતી માલસામાનની લૂંટ ચલાવે છે. અત્યારસુધીમાં આવા અનેક બનાવો બની ચૂક્યા છે, અમુકમાં પોલીસ ફરિયાદો થઇ છે, અને ગુનેગારો પણ મુદ્દામાલ સાથે પકડાયા છે. છતા આવા પ્રકારની લૂંટ અવિરત ચાલુ રહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.