બાળવાર્તા દિન:'બાળકોની મૂંછાળી માં' ગિજુભાઈ બધેકાના 137માં જન્મદિવસની ભાવનગરની દક્ષિણામૂર્તિ સ્કૂલ ખાતે ભવ્ય ઉજવણી કરાઇ

ભાવનગર17 દિવસ પહેલા
  • ગિજુભાઈ બધેકાના જન્મદિવસને 'બાળવાર્તા દિન'તરીકે ઉજવવાની જાહેરાત તાજેતરમાં જ કરાઈ
  • ઉજવણીમાં શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી અને સાહિત્યકાર સાંઈરામ દવે ઉપસ્થિત રહ્યાં

બાળ કેળવણીના ભીષ્મ પિતામહ એવા સ્વ. ગિજુભાઈ બધેકાના જન્મ દિવસને પ્રતિવર્ષ રાજ્યમાં 'બાળવાર્તા દિન' તરીકે ઊજવવાની શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ગર્વભેર જાહેરાત કરી છે. તેની સાથે ખાસ સાહિત્યકાર સાંઈરામ દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

સ્વ. ગિજુભાઈ બધેકાની 137મી જન્મ જયંતીની ઉજવણી પ્રસંગે તેમણે જણાવ્યું કે, ગિજુભાઈ બધેકાના વિચારો માત્ર એક દિવસ પૂરતા સીમિત ન રહેતા તે ચિરંજીવ બની રહેવા જોઈએ અને તેને લોકોના સ્મરણ સુધી પહોંચાડવા માટે રાજ્યમાં આખા વર્ષ દરમ્યાન વિવિધ કાર્યક્રમો દ્વારા તેની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીને સાકાર કરવા માટે કમિટીનું ગઠન પણ કરવામાં આવ્યું છે. જેના દ્વારા વિવિધ કાર્યક્રમો નિર્ધારિત કરવામાં આવશે.

શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી સ્વ. ગિજુભાઈ બધેકાની પ્રતિમાને પુષ્પમાળા પહેરાવી આદરાંજલી પણ વ્યક્ત કરી હતી. જાણીતા સાહિત્યકાર અને હાસ્યકાર સાંઈરામભાઈ દવેએ સ્વ.ગિજુભાઈ બધેકાની બાળવાર્તાઓની રસપ્રદ રજૂઆત કરી હતી.

સાહિત્યકાર સાંઈરામ દવે જણાવ્યું હતું કે, ભાવનગરની ઘરતી ઉપર સોના નો સૂરજ ઉગ્યો છે, સમગ્ર રાષ્ટ્રને સરદાર વલ્લભભાઈ પટેલને પહેલું રજવાડું આપી નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ત્યાગ અને સમર્પણની ભાવનાથી સમગ્ર દેશને એક પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું, એવી જ રીતે કેળવણીની અંદર ગિજુભાઈ બધેકાએ બાળગીતો અને બાળ વાર્તાઓ દ્વારા પ્રદાન આપ્યું છે, મારા નમ્ર નિવેદન સ્વીકારી 15મી નવેમ્બર ને સરકારે બાળવાર્તા દિન તરીકે જાહેર કર્યો તેથી સરકારનો આભાર માનું છું. દરવર્ષે આ દિવસે ઉજવણી થશે અને વાર્તાઓ જીવીત થશે ફરી ગુજરાતનું બાળક વાર્તાઓથી ભૂખ્યું નહીં રહે અને નવા ભારતના ચરિત્ર નિર્માણમાં ભાવનગર સાક્ષી બન્યું છે,

ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ આ નવા વિચારને મૂર્તિમંત બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ હકારાત્મકથી આવકાર્યો છે તે માટે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, કરેલું કંઈપણ ફોગટ જતું નથી. સ્વ. ગિજુભાઈ બધેકાએ 100 વર્ષ પહેલાં જે વિચારબીજ રોપ્યાં હતાં તે આજે વટવૃક્ષ બન્યાં છે અને તેનો છાયડો અનેક બાળકોએ લીધો છે. સ્વ. ગિજુભાઈ બધેકાએ આજથી વર્ષો પહેલા ભાર વગરના ભણતરની હિમાયત કરી હતી. જેને આપણે આજે અમલમાં મૂકી રહ્યાં છીએ તે તેમની વિદ્વતા અને વિઝનના દર્શાવે છે.

બાળકોમાં શિક્ષણનું સિંચન અને ઘડતર કેવી રીતે કરી શકાય તેનું દર્શન તેમણે વર્ષો પહેલાં કરાવ્યું હતું. તેમના વિચારો નવી પેઢી સુધી પણ પહોંચે છે તે માટે તેમના આધુનિક સ્મારક બનાવવાની પણ શિક્ષણ મંત્રીએ જાહેરાત કરી હતી.

આ કાર્યક્રમમાં જાણીતા શિક્ષણવિદ નલિનભાઇ પંડિત, શિક્ષણાધિકારી એન.જી.વ્યાસ, મહેશભાઈ પાંડે, પૂર્વ ધારાસભ્ય નાનુભાઈ, જી.સી.આર.ટી.ના નિયામક ટી.એસ.જોશી, સંસ્થાનાં ટ્રસ્ટી અરૂણભાઈ દવે, સંસ્થાનાં મેનેજિંગ ટ્રસ્ટી ડો. ધીરેન્દ્રભાઈ મૂની, સાહિત્ય રસિકો તથા ભાવનગરની જનતા ઉપસ્થિત રહી હતી.

અન્ય સમાચારો પણ છે...